Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

બેડીના રમેશભાઇ વ્યાજખોરીમાં ફસાયાઃ સાડા ત્રણ વર્ષ સુધી ૧ કરોડ વ્યાજ ભર્યુઃ કિંમતી જમીન પણ પડાવી લેવાઇ

ડીસીબી પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ દાખલ થઇઃ આરોપીમાં પાંચના નામ

રાજકોટ તા. ૧૬: ડીસીપી પોલીસ સ્ટેશનમાં અગાઉ વ્યાજખોરીની એક ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી સહિતે અન્ય કોઇ ગુના આચર્યા હોય તો મુળ સુધી પહોંચવા ઉચ્ચ અધિકારીઓએ સુચના આપી હોઇ ક્રાઇમ બ્રાંચ દ્વારા વિશેષ તપાસ શરૂ કરવામાં આવી હતી અને કોઇપણ લોકો ભોગ બન્યા હોય તો આગળ આવવા અને ફરિયાદ નોંધાવવા જણાવાયું હતું. તે અંતર્ગત બેડી ગામના રમેશભાઇ મોહનભાઇ અજાણી નવા ફરિયાદી તરીકે સામે આવ્યા છે અને પોતાની પાસેથી સાડા ત્રણ વર્ષ સુધી ૧,૦૫, ૦૦,૦૦૦નું વ્યાજ વસુલી લઇ બાદમાં ૬૦ લાખની બળજબરીથી માંગણી કરી તેમજ જમીનમાં પગ મુકયો તો જાનથી મારી નાંખશું તેવી ધમકી અપાયાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં આરોપી તરીકે સામા કાંઠાના ચાંદીના ધંધાર્થી રાજુ ગોસ્વામી, તેના ભાઇ હિતષ ગોસ્વામી, સદર બજાર ધરમ સિનેમા સામેના રોડ પર આવેલી દૂધની ડેરીવાળા મુકેશ ઝાપડા, ભૂપત બાબુતર તથા રાકેશ અને તપાસમાં ખુલે તેના નામ છે.

ફરિયાદીએ જણાવ્યું છે કે તેની બેડી ગામે સંયુકત માલિકીની ખેતીની જમીન સર્વે નં. ૪૦ પૈકી એકર ૩-૧૭ ગુંઠા હતી. ધંધા માટે રૂપિયાની જરૂર પડતાં રાજુ ગોસ્વામીને વાત કરતાં તેણે જમીન કે મકાનના દસ્તાવેજ ઉપર પૈસા આપશે તેમ કહેતાં ૨૦૧૨માં એક એકર જમીનની કિંમત ૧ કરોડ હોઇ જેનો દસ્તાવેજ કરી આપવાનું કહી રાજુએ તેના ભાઇ હિતેષને મળવાનું કહ્યું હતું. હિતેષે એક કરોડ રૂપિયા અઢી ટકા માસ્કિ વ્યાજે આપી બે એકર જીમનનો દસ્તાવેજ કરાવી લીધો હતો. એ પછી સાડા ત્રણ વર્ષ સુધી રૂ. ૧,૦૫,૦૦,૦૦૦ વ્યાજ તેને ચુકવાયું હતું.

એ પછી વ્યાજ ચુકવવાના પૈસા ન હોઇ જમીન વેંચી મુદ્દલ ચુકવવા માટે ફરિયાદીએ મુકેશ ઝાપડાનો સંપર્ક કરતાં તેણે એકર ૧-૧૭ ગુંઠા જમીનનું સાટાખત કરાવી તેના રૂપિયા ન આપી છેતરપીંડી કરી હતી. તેમજ જમીનને વાંધામાં નાંખવા પહેલા ૧ કરોડ, બાદમાં ૬૦ લાખની માંગણી કરી હતી. એ પછી હિતષ પાસેથી એક કરોડ લઇ બે કરોડની જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હોઇ તે એક કરોડ હિતેષને પરત આપી ફરિયાદી જમીન વેંચવા ઇચ્છતા હોઇ પરંતુ હિતેષે આ જમીન ભૂપતને વેંચી દીધાનું કહી દીધું હતું.

ત્યારબાદ ફરિયાદીએ તપાસ કરતાં કુલ એકર ૩-૧૭ ગુઠા જમીન ફરતે ફોલ્ડીંગ દિવાલ થઇ જતાં તે બાબતે હિતષને પુછતાં તેણે દિવાલ ભૂપત સહિતે બનાવી હોવાનું કહેતાં ફરિયાદીને ભૂપતે ઓફિસે બોલાવી જમીન ખરીદી લીધી છે હવે પગ નહિ મુકવાનો નહિ તેમ કહી ધમકી આપી હતી. આ અંગે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસ કમિશનર  મનોજ અગ્રવાલ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયા, પીએસઆઇ એસ.વી. સાખરા સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

(3:03 pm IST)