Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

સ્વ. પ્રકાશભાઇ ધામેચાની સ્મૃતિમાં

રાજકોટ હોલસેલ ટેક્ષટાઇલ મરચન્ટ એસો. દ્વારા રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ

કેમ્પ થકી કલેકટ થયેલું બ્લડ થેલેસેમિક બાળકો તથા ગંભીર બિમારીથી પીડાતા દર્દીઓ માટે વપરાશેઃ કોરોના સામે તકેદારી પણ રખાશે

રાજકોટ તા. ૧૬ :.. ધી રાજકોટ હોલસેલ ટેક્ષટાઇલ મરચન્ટ એસોસીએશન - સંગઠનમાં ઘણાં વર્ષો સુધી કારોબારી સમિતિમાં તથા સહમંત્રી તરીકે સેવા આપનાર સ્વ. પ્રકાશભાઇ દેવકરણભાઇ ધામેચાનું તાજેતરમાં જ દુઃખદ અવસાન થયું છે. લોકોને મદદરૂપ થવા સહાય તત્પર રહેતા, સરળ સ્વભાવ ધરાવતા, કર્તવ્યનિષ્ઠ તથા સંનિષ્ઠ હોદેદાર ગુમાવ્યાનું દુઃખ એસોસીએશનના પ્રમુખ દિનેશભાઇ ધામેચા, મંત્રી રજનીકાંતભાઇ છાટબાર સહિતના તમામ હોદેદારો - સભ્યો અનુભવી  રહ્યા છે.

સ્વ. પ્રકાશભાઇ ધામેચાની સ્મૃતિમાં ધી રાજકોટ હોલસેલ ટેક્ષટાઇલ મરચન્ટ એસોસીએશનના ઉપક્રમે તથા ધામેચા પરિવારના સંચાલન અને સંપૂર્ણ સૌજન્યથી તારીખ ૧૮-૧૦-ર૦ર૦, રવિવારના રોજ સવારે ૯ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા દરમ્યાન શ્રી વિશ્વકર્મા મંદિર એ.સી. હોલ,  દિવાનપરા મેઇન રોડ, રાજકોટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

કોરોના મહામારી દરમ્યાન ઘણા કિસ્સામાં લોહીની તાતી જરૂરીયાત અનુભવતા થેલેસેમિક બાળકો તથા ગંભીર બિમારીથી પીડાતા દર્દીઓ માટે આ કેમ્પમાં કલેકટ થયેલ બ્લડ ઉપયોગમાં લેવામાં આવશે. માનવતાભર્યુ આ ઉતમ કાર્ય જ સ્વ. પ્રકાશભાઇને સાચી ભાવાંજલી ગણાશે. તેવું સંસ્થાના પ્રમુખ-મંત્રી તથા ધામેચા પરિવારજનોએ જણાવ્યું હતું. વર્તમાનમાં કોરોના મહામારીને ધ્યાને રાખીને બ્લડ ડોનેશન કેમ્પ દરમ્યાન બ્લડ બેન્ક દ્વારા તમામ પ્રકારની તકેદારી પણ લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. વધુ વિગત માટે મો. નં. ૯૭ર૬૧ ૪પ૧૭ર, ઉપર સંપર્ક કરી શકાય છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સ્વ. પ્રકાશભાઇ ધામેચાના સ્વર્ગવાસ પછી ફકત ત્રણ જ દિવસમાં તેમના પુત્ર હાર્દિક ધામેચા તથા ભાણેજ દર્શીત દિલીપભાઇ મસરાણી કે જેઓ બંને કોરોનાના એન્ટીબોડી ધરાવતા હોય, બંનેએ શ્રધ્ધાંજલીરૂપે પ્લાઝમા ડોનેટ કરી પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડયું હતું.

(3:01 pm IST)