Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

જસદણ કોવિડ કેર સેન્ટરની ઉત્તમ સારવારઃ મા-દિકરો થયા કોરોનામુકત

જો મેં પોઝિટિવ વિચાર રાખ્યા હોત તો કોરોના નેગેટિવ આવ્યો હોતઃ પિયુષ સલુડીયા

કહેવાય છે કે, ' મન તંદુરસ્ત તો તન તંદુરસ્ત'.મનુષ્યની શારીરિક સક્ષમતા સાથો-સાથ માનસિક સ્વસ્થતા પણ શરીરની તંદુરસ્તી જાળવવા માટે ખૂબ આવશ્યક છે. હાલ કોરોના કાળમાં દરેક વ્યકિતએ સકારાત્મકતા કેળવવી અત્યંત જરૂરી છે. પોઝિટિવ વિચારોનાં જોરે ગમે તે રોગને હરાવી શકાય છે. પરંતુ જયારે પરિવારના કોઈ વ્યકિત કોરોનાગ્રસ્ત બને છે,ત્યારે કુટુંબના દરેક સભ્યો માનસિક રીતે ભાંગી પડતાં હોય છે. જસદણમાં વસતાં સલુડિયા પરિવાર સાથે પણ કંઇક આવું જ બન્યું.

જસદણ કોવિડ કેર સેન્ટર ખાતે એક અઠવાડિયું સારવાર મેળવ્યા બાદ કોરોનામુકત બનેલાં ૨૯ વર્ષીય પિયુષભાઈએ જણાવ્યું હતું કે, 'ઘરમાં સૌ પ્રથમ મારા મમ્મીને કોરોના થયો એટલે અમે બધાં માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયા. હું માનું છુ કે કદાચ એ જ કારણોસર મારો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોય. જયારે તમારા નજીકના વ્યકિતને કોરોના થાય છે,ત્યારે તમારો માનસિક ડર જ તમારા માટે કોરોના થવાનું પ્રબળ કારણ બને છે. સૌ પ્રથમ હું હોમઆઇસોલેશનમાં રહ્યો પરંતુ તબિયતમાં સુધાર ન થયો. શરીરનો અસહ્ય દુઃખાવો અને તાવને કારણે સ્વાસ્થ્ય વધુ બગડતું ગયું એટલે જસદણ ખાતે જ કોવિડ કેર સેન્ટર ખાતે દાખલ થયો. અહીંયા કાર્યરત સ્ટાફ દ્વારા મારી પૂરતી સંભાળ અને સારવાર લેવાઈ જેથી હું કોરોનાને હરાવી ઘરે પરત ફરી ચુકયો છું. મારા મમ્મીને બી.પી.ની તકલીફ હોવા છતાં કોવિડ કેર સેન્ટરમાં સઘન સારવારના પરિણામે તેઓ તો માત્ર ૩-૪ દિવસમાં સ્વસ્થ થઈ ગયા હતા. હવે અમે બન્ને હોમઆઇસોલેશનમાં છીએ.'

કોરોના થયા પછી શું કાળજી રાખવી તે વિશે જણાવતાં પિયુષભાઈએ કહ્યું કે, 'જયાં સુધી કોરોના ન થયો હોય ત્યાં સુધી બધા એવું જ માને છે કે,કોરોના જેવું કંઈ હોતું નથી,મારી રોગ પ્રતિકારક શકિત સારી છે,એટલે મને તો કંઈ થઈ જ ના શકે. પરંતુ આ બેદરકારી જ માણસને નડે છે. વારંવાર હાથ ધોવા અથવા સેનેટાઇઝ કરવા. માસ્કનો અચૂકપણે ઉપયોગ કરવો અને કામ કરતી વખતે નાક,આંખ કે ચહેરા પર હાથ ન અડકે તેની તકેદારી રાખવી. આવી નાની-નાની કાળજી રાખો તો કોરોના તમારાથી દૂર જ રહેશે. પરંતુ યાદ રાખો કે,કોરોના રાહ જ જોઈને બેઠો છે કે,માણસ કયારે આવી સામાન્ય બાબતોથી કંટાળીને ગફલત કરે. બસ એક નાની ભૂલ તમને કોરોના સંક્રમિત કરી શકે છે. ખૂબ ધ્યાન રાખવા છતાંય જો કોરોના થઈ જ જાય છે તો પણ તમારે માનસિક રીતે મજબૂત રહેવાનું છે,આ સમયે તમારી સકારાત્મક ઊર્જા જ તમને તન અને મનની સ્વસ્થતા બક્ષે છે. હું એવું માનું છું કે જો હું તે સમયે પોઝિટિવ વિચારતો હોત તો કદાચ મને કોરોના નેગેટિવ જ રહ્યો હોત.'

(1:11 pm IST)