Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ડાયાબિટીસ અને હૃદયમાં સ્ટેન્ટ બેસાડ્યું છે એવા

૫૮ વર્ષના કાળુભાઇની હિંમત સામે કોરોના હાર્યો

હોસ્પિટલ જેટલી જ કાળજી આરોગ્ય કર્મીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લેનારાની પણ રાખે છે

રાજકોટ તા. ૧૬ : સ્વાસ્થ્યને અનુલક્ષીને એક મસ્ત વાકય જાણીતું છે કે જેમનું મન સ્વસ્થ તેમનું તન સ્વસ્થ. શારીરિક બિમારીઓમાંથી દવા અને દુઆની સાથે કોઈ અન્ય વાત અસર કરતી હોય છે તો એ છે જે-તે વ્યકિતની મનોસ્થિતિ. જો વ્યકિતની મનોસ્થિતિ મજબુત તો તેના જીવનની દરેક સ્થિતિ મજબુત. આવી જ મજબુત મનોસ્થિતિએ જસદણના સોમપીપળીયાના ૫૮ વર્ષીય કાળુભાઈને કોરોના સામે જીત અપાવી છે.

કાળુભાઈના સ્વાસ્થ્ય અને આરોગ્ય કર્મીઓ દ્વારા અપાતી સારવાર બાબતે તેમના પુત્ર હરેશભાઈએ વાત કરતાં જણાવ્યું હતું કે, 'મારા બાપુજીનો એન્ટીજન ટેસ્ટ કરતાં સામે આવ્યું હતું કે તેઓ કોરોના પોઝીટીવ છે. ૫૮ વર્ષીય ઉંમર, ડાયાબીટીસ અને ઉપરથી હદયમાં સ્ટેન્ટ બેસાડેલ હોવાથી સ્વાસ્થ્ય વધુ ન બગડે તેથી જસદણ સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં અન્ય રિપોર્ટ કરતાં સામે આવ્યું કે ડરવાની જરૂર નથી. આથી એક-બે દિવસમાં જ રજા આપીને હોમ આઈસોલેશનમાં રાખ્યા હતા.'

 બાપુજીની હિંમત અને આરોગ્ય કર્મીઓની મહેનતને કારણે બાપુજી અત્યારે એકદમ સ્વસ્થ છે. આરોગ્ય કર્મીઓની નિષ્ઠાની દાદ દેવી પડે. આરોગ્ય કર્મીઓ કોરોના દર્દીઓની જેટલી કાળજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાખે છે તેટલી જ કાળજી હોમ આઈસોલેશનના કોરોના દર્દીઓની રાખી રહ્યા છે. બાપુજીને જરૂરી દવા પણ લખી આપી છે. અને કોઈપણ કામ હોય તો ગમે ત્યારે હોસ્પિટલે આવી જજો અથવા ફોન કરજો તેવો ભરોસો આપીને અમને નિશ્ચિત કર્યા છે, તેમ હરેશભાઈએ જણાવ્યું હતું. અનેક લોકોની દુઆઓ સાથે કામ કરતાં આરોગ્ય કર્મીઓ અને જાગૃત બની રહેલા નાગરિકોના સહિયારા પ્રયાસથી આપણે અચુક કોરોના સામે વિજયી બનીશું.

(1:10 pm IST)