Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

આજી ચોકડીએ ડિમોલીશનઃ ૫૧ મકાનનો કડુસલો

તંત્રની જગ્યામાં ખડકાયેલ ગેરકાયદે કાચા-મકાન તોડી પાડી રૂ.૧૦૦ કરોડની ૨૦ હજાર ચો.મી જગ્યા ખુલ્લી : મ્યુ.કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા કાર્યવાહી

બુલડોઝર ધણધણ્યું : મ્યુ. કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ દ્વારા આજે સવારે શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં તંત્રની જગ્યામાં ખડકાયેલ ગેરકાયદે ૫૫ કાચા - પાકા મકાન તોડી પાડવામાં આવ્યા હતા તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૬ : મ્યુ.કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે સવારે શહેરના વોર્ડ નં. ૧૮માં આવેલ આજી ચોકડી વિસ્તારમાં તંત્રની જગ્યામાં ખડકાયેલ જયનગર મફતિયાપરામાં ઝુંપડા, કાચા - પાકા ગેરકાયદે મકાનો તોડી પાડી રૂ. ૧૦૦ કરોડ કિંમતની ૨૦ હજાર ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ જગ્યા પર સોલીડ વેસ્ટ શાખા દ્વારા સેમીકલોઝ ટાઇપ ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન બનાવવામાં આવનાર છે.

આ અંગે ટાઉન પ્લાનીંગ શાખાની સત્તાવાર માહિતીમાં જણાવ્યા મુજબ મ્યુ. કમિશનર ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ સવારે શહેરના ઇસ્ટ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં. ૧૮માં કોઠારિયા ના રેવન્યુ સર્વે નંબર - ૩પ૫ર પૈકી, જયનગર મફતિયા પરા, આજી ડેમ પોલીસ ચોકોની બાજુમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તક સેમીકલોઝ ટાઈપ ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન બનાવવાના કામે કલેકટરશ્રી પાસેથી જમીન મેળવવામાં આવેલ. જેની ઉપર જે તે સમયે ઝુપડા તથા કાચા પાકા મકાનો હતા જે પૈકી ઝુપડા તા. ૮ ફેબ્રુઆરી ૨૦૧૯ના દિને દુર કરવામાં આવેલ ત્યાર બાદ સ્થાર્નિકે ચોક્કસ સ્થળ સ્થિતિ અંગેનો સર્વે કરવા માટે પ્રક્રિયા હાથ ધરાયેલ. જે બાદ તા.૬ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ પ્રથમ નોટીસ આપવામાં આવેલ. જે બાદ આસામીઓની રજુઆત બાદ તા.૧૩ માર્ચ ૨૦૨૦ પુનઃ નોટીસથી ખાલી કરવા જણાવેલ જે બાદ જાતે ખાલી ન કરતા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન બનાવવાના પ્રોજેકટની સત્વરે કામ ચાલુ કરવાની જરૂરિયાતને અનુસંધાને અંતિમ નોટીસ તા. ૫ ઓકટોબરના રોજ આપવામાં આવેલ અને તે અનુસંધાને ૫૧ મકાનોનું દબાણ દૂર કરી ૧૦૦ કરોડ કિંમતની ૨૦,૦૦૦ ચો.મી. જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ— શાખાના આસી.ટાઉન પ્લાનર વી.વી.પટેલ, એસ. એસ. ગુસા, પી. ડી. અઢિયા, જી. ડી. જોશી, એ. આર. લાલચેતા, અજય વેગડ, અજય પારસાણા, રાજેશ મકવાણા, આસી.એન્જી. જયદીપ એસ.ચૌધરી, વિપુલ મકવાણા, હર્ષલ દોશી, વી. ડી. સિંધવ, ઋષિ ચૌહાણ, એડી.આસી.એન્જી, અશ્વિન પટેલ, મનોજ પરમાર, સુરેશ કડિયા, દિલીપ પંડ્યા, દિલીપ અગ્રાવત, વર્ક આસી તમામ, સર્વેયર તમામ તથા અન્ય ટી.પી. સ્ટાફ હાજર રહેલ. આ ઉપરાંત સ્થળ પર રોશની શાખા, જગ્યા રોકાણ શાખા, એસ.ડબલ્યુ.એમ શાખા, બાંધકામ શાખા, ફાયર બ્રિગેડ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ ડી.વાય.એસ.પી. આર.બી. ઝાલા સહીતનો પોલીસ સ્ટાફ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા.

(3:59 pm IST)