Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

રાજયના કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ ફેડરેશનની ચૂંટણીમાં રાજકોટના અનિમેષ દેસાઇની ઉમેદવારી

સૌરાષ્ટ્ર-કચ્છ તથા રાજકોટ કેમીસ્ટસ એસોસીએશનના મંત્રીએ ફેડરેશનમાં પણ માનદમંત્રીના પદ માટે ચૂંટણી લડવાની તૈયારી બતાવી : સભ્યોના હિતાર્થે સદાય તત્પર રહેવાનો કોલ

રાજકોટ, તા. ૧૬ : સમગ્ર ગુજરાત રાજયમાં અંદાજે ૩૩ હજાર જેટલા સભ્યો ધરાવતા (દવાના વેપારીઓ) ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસોસીએશન્સની ર૦ર૧ થી ર૦ર૪ ની નવી ટર્મ માટેની ચૂંટણી ૧ સપ્ટેમ્બરે યોજાવાની છે. આ ચૂંટણીમાં પ્રમુખ માનદમંત્રી તથા કોષાધ્યક્ષને ચૂંટવામાં આવશે. જેમાં માનદમંત્રીના પદ માટે સૌરાષ્ટ્ર-કચ્છ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસો. તથા કેમીસ્ટસ એસોસીએશન રાજકોટના મંત્રી અનિમેષભાઈ દેસાઈએ પણ ઉમેદવારી નોધાવી હોવાનું જાણવા મળે છે.

અનિમેષભાઈ દેસાઈએ પોતે ચૂંટણીમાં ઉમેદવારી નોધાવી હોવાની વાતને પુષ્ટી આપીને આજરોજ અકિલાને જણાવ્યું હતુ કે તમામ સભ્યોના સાથ-સહકારથી છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ તથા સૌરાષ્ટ્ર-કચ્છ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસો.માં પોતે સફળતાપૂર્વક સેવા આપી રહ્યા છે. સેવાના આ માધ્યમને વિસ્તારવા માટે તથા સભ્યોએ મુકેલ વિશ્વાસને સાર્થક કરવા પોતે રાજયના કેમીસ્ટર એન્ડ ડ્રગીસ્ટસ ફેડરેશનમાં માનદ મંત્રી તરીકે ઉમેદવારી નોધાવી છે. ફેડરેશનમાં માનદ મંત્રી તરીકે ચૂંટાઇને સમગ્ર રાજયના તમામ સભ્યોના હિતાર્થે પોતે સદાય તત્પર અને કાર્યરત રહેશે તેવો કોલ આપ્યો હતો.

(4:03 pm IST)