Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

જિલ્લા પંચાયતની સામાન્ય સભા તા. ૨૦ના બદલે ૨૧મીએ

જાહેર રજાની તારીખમાં ફેરફાર થતા સભાની તારીખમાં ફેરફાર : એજન્ડા પ્રસિધ્ધ થઇ ગયા પછી તારીખ બદલવાની કાયદેસરતા મુદ્દે વિભિન્ન મત

રાજકોટ તા. ૧૬ : જિલ્લા પંચાયતની સામાન્ય સભા તા. ૨૦ ઓગષ્ટે સવારે ૧૧ વાગ્યે પંચાયત પ્રમુખ ભૂપત બોદરના અધ્યક્ષ સ્થાને મળનાર હતી. તેમાં ફેરફાર કરીને હવે તા. ૨૧મીએ એ જ સમયે બોલાવવાનું નક્કી થયાનું જાણવા મળે છે. અગાઉ મહોરમની રજા તા. ૧૯મીએ રહેનાર હતી તેના બદલે સરકારે તા. ૨૦મીએ રજા જાહેર કરતા પંચાયત તંત્રએ સામાન્ય સભા જાહેર રજાના દિવસે બોલાવવાના બદલે તા. ૨૧મીએ બોલાવવાનું નક્કી કર્યાનું પંચાયતના વર્તુળોએ જણાવેલ છે. સામાન્ય સભાની તારીખમાં ફેરફાર કરવાની ઘટના પંચાયતના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત બની રહી છે.

જિલ્લા પંચાયત પ્રમુખે સામાન્ય સભાની તારીખમાં ફેરફાર કરવા નોંધ મોકલતા વહીવટી તંત્ર દ્વારા સભ્યોને તેની જાણ કરવાની કાર્યવાહી હાથ ધરાયેલ છે. નવો એજન્ડા નહી નીકળે પરંતુ સભ્યોને પત્રથી જાણ કરાશે. પંચાયતના જાણકાર વર્તુળોનું કહેવું છે કે એક વખત સામાન્ય સભાનો એજન્ડા નીકળ્યા પછી કોરમના અભાવે મોકુફ રહી શકે પણ તારીખમાં ફેરફાર થઇ શકે નહિ. ભૂતકાળમાં રજાના દિવસે પણ સામાન્ય સભા મળ્યાના દાખલા છે. તારીખ બદલવાથી વહીવટી દૃષ્ટિએ કોઇ ફેર પડતો નથી. શાસક વર્તુળો આ બાબતને સામાન્ય ગણી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય સભા માટે ૮ સભ્યોએ ૪૬ પ્રશ્નો પૂછયા છે. નવા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના કાર્યકાળમાં પ્રથમ વખત સામાન્ય સભા મળી રહી છે.

(3:50 pm IST)