Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

રાજકોટ રેલ્વેમાં ૭૫માં સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી

નવનિયુકત ડીવીઝનલ રેલ્વે મેનેજર અનિલ જૈનના હસ્તે ધ્વજવંદનઃ કારગીલમાં 'ઓપરેશન વિજય'માં ભાગ લેવાવાળા વર્તમાન રેલ્વેના ૪ કર્મચારીઓનું સન્માન

રાજકોટઃ. પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવીઝનમાં ૭૫માં સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી ડિવીઝનલ રેલ્વે મેનેજર ઓફિસના પ્રાંગણમાં કરવામાં આવી હતી. નવનિયુકત ડિવીઝનલ રેલ્વે મેનેજર શ્રી અનિલકુમાર જૈનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું. ધ્વજવંદન બાદ પરેડની સલામી તેઓએ ઝીલી હતી. પોતાના પ્રાસંગોચિત પ્રવચનમાં શ્રી જૈને પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલનો સંદેશો સંભળાવ્યો હતો. ત્યાર બાદ હાલમાં રાજકોટ રેલ્વે ડિવીઝનમાં કાર્યરત અને ૧૯૯૯માં કારગીલ યુદ્ધના 'ઓપરેશન વિજય'મા સામેલ કર્મચારી ભગીરથસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, રામસિંહ જાડેજા અને લાલજી પટેલનુ સન્માન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે મહિલા રેલ કર્મચારીઓ દ્વારા વિભિન્ન રાજ્યોની વેશભૂષામાં મનમોહક નૃત્ય પ્રદર્શિત કરવામાં આવ્યુ હતું. ભારત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારોએ ભારતના સ્વતંત્રતા સંગ્રામની થીમ ઉપર નિબંધ, ભાષણ, ચિત્રકલા પ્રતિયોગીતાનું આયોજન કર્યુ હતુ જેમાં લગભગ ૮૦ પ્રતિસ્પર્ધિઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રેલ્વે મહિલા કલ્યાણ સંસ્થાના ઉપપ્રમુખ શ્રીમતી મીતા સૈની અને તેની ટીમ દ્વારા રેલ્વે હોસ્પીટલને આરો પ્લાન્ટ અને દર્દીઓને ગીફટ હેમ્પર વહેંચવામાં આવ્યા હતા. આ સમારંભમાં ડીઆરએમ અનિલ જૈન ઉપરાંત એડીઆરએમ ગોવિંદપ્રસાદ સૈની, કોમર્શિયલ મેનેજર અભિનવ જૈફ, ડિવીઝનલ સુરક્ષા અધિકારી દિનેશસિંહ તોમર અને અન્ય અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા હતા. અવિનાશકુમાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ કરવામાં આવી હતી.

(3:46 pm IST)