Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

ગીતા વિદ્યાલયમાં શ્રી રામેશ્વર મહાદેવઃ જયાં ભગવાન શિવનો સમસ્ત પરિવાર પૂજાય છે

રાજકોટ તા. ૧૬: જંકશન પ્લોટ ખાતે બ્રહ્મલીન ભાગવતાચાર્ય પૂ. શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા શ્રી ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં આજથી ૪પ વર્ષ પહેલા શ્રી રામેશ્વર મહાદેવની વિધિવત સ્થાપના થયેલ છે. ત્યારબાદ ગણપતિ, કાર્તિકેય તથા પાર્વતીજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તેમજ દ્વારકાધીશ શ્રી કૃષ્ણ, બદ્રિનાથજી તથા જગન્નાથજીની સ્થાપના થઇ. આમ ભગવાનશ્રી શિવ-પાર્વતી તથા તેમનું વાહન નંદી, શ્રી ગણેશજી તથા તેમનું વાહન મૂષક, શ્રી કાર્તિકેય સ્વામી તથા તેમનું મોર એમ મહાદેવજીનો સમસ્ત પરિવાર એક સાથે બિરાજમાન હોય તથા પવિત્ર ચારધામના દર્શન થતા હોય તેવા સૌરાષ્ટ્રભરના અજોડ તથા એકમાત્ર દેવસ્થાનનું નિર્માણ થયું.

ઉપરાંત શ્રી અંબિકામાતા, સરસ્વતી દેવી, અન્નપૂર્ણા દેવી, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી જલારામ બાપા, ભકત નરસિંહ મહેતા, શ્રી હનુમાનજી, શ્રી યોગેશ્વર, શ્રી ગાયત્રી માતા, શ્રી દત્તાત્રેય ભગવાન શ્રી રામ લક્ષ્મણ તથા જાનકીજી, શ્રી સત્યનારાયણ ભગવાન, શ્રી રાધાકૃષ્બણ, શ્રી રણછોડદાસજી, શ્રી ગુરૂનાનક સાહેબ વગેરેના નિજમંદિરોનું નિર્માણ થયું છે. આમ એકજ સ્થળે શિવજીનો સમસ્ત પરિવાર, ચારધામ, દ્વાદશ જયોતિર્લિંગ, તથા વિવિધ ઇષ્ટદેવોની સુંદર-દર્શનીય પ્રતિમાઓના દર્શનનો લ્હાવો દર્શનાર્થીઓ લઇ રહ્યા છે.

ગીતા વિદ્યાલયના મંદિર પરિસરમાં બિરાજમાન શ્રી રામેશ્વર મહાદેવના સાંનિધ્યમાં શ્રાવણ માસમાં દર સોમવારે તથા અમાસના રોજ પુષ્પરંગોળી, હિમાલય, કૈલાસ દર્શન, વગેરેની દર્શનીય શોભા થાય છે. શ્રાવણી એકાદશીએ ફળ-ફૂલ તથા શાકભાજીના કલાત્મક હિંડોળા દર્શન યોજાય છે. અજોડ એવી ઁ (ઓમકાર) આકારની ૧૦૮ દીપમાળા સાથે મહાઆરતી થાય છે. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા રૂદ્રિ-અભિષેક તથા પૂજન થાય છે. આ દેવસ્થાનમાં ભાવિકો અપાર શાંતિ તથા પ્રસન્નતા અનુભવે છે.

પ્રતિદિન સવારે ૧૦ થી ૧ર તથા સાંજે પ થી ૭ મહિલા મંડળના બહેનોના ભજન સત્સંગ થાય છે. દર શનિવારે સુંદર કાંડ તથા હનુમાન ચાલીસાના પાઠ થાય છે. પ્રતિદિન બાલ-મનોવિકાસ કેન્દ્રના બાળ સંસ્કાર વર્ગો ચાલે છે. જન્માષ્ટમી, નવરાત્રી, નૂતનવર્ષ-અન્નકૂટ, દેવ દિવાળી, તુલસી વિવાહ, ગીતા જયંતિ, મહાશિવરાત્રી, ફુલડોલ, રામનવમી, અષાઢીબીજ, જયાપાર્વતી, ગુરૂપૂર્ણિમા મહોત્સવ વગેરે તહેવારો શ્રધ્ધા ભકિતપૂર્વક ધામધૂમથી ઉજવાય છે. ભાવિકોએ દર્શનનો લાભ લેવા ગીતા વિદ્યાલય પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.

(3:40 pm IST)