Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

સંગીકાર ખય્યામના 'ઉમરાવ જાન' જાણીતા પાર્શ્વગાયિકા જગજીત કૌરની દુનિયાને અલવિદા

જગજીત કૌર અને ખય્યામ સાહેબ બંનેના લગ્ન ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પ્રથમ આંતરજ્ઞાતિય લગ્ન હતા :  જગજીત કૌરની ગાયિકા તરીકેની કારકિર્દી વર્ષ ૧૯૫૦ માં શરૂ થઈ હતી :  જગજીત કૌર સંગીતમાં ખય્યામ સાહેબની મદદ કરવા માટે તેમની ધૂન પર પોતાનો અવાજ આપ્યો હતો અને ગીતોના કંપોઝીશનમાં પણ તેમને મદદ કરી હતી :  જગજીત કૌરે ખૈયમ સાહબ દ્વારા રચિત દરેક ફિલ્મમાં ઓછામાં ઓછું એક ગીત ગાયું છે, કદાચ 'આખરી ખાત' એક માત્ર અપવાદ ફિલ્મ છે.  :  જગજીત કૌરની ગાયન પ્રતિભાને સૌપ્રથમ ખૈયમ સાહેબે એક મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન જોઇ હતી. જયાં તે શાસ્ત્રીય ગીત ગાતા હતા. ખય્યામે તેનો સંપર્ક કર્યો અને તેને ફિલ્મ શોલા ઔર શબનમ (૧૯૬૧) માટે ટ્રેક ઓફર કર્યો હતો

ફરી એકવાર બોલીવુડ તરફથી ખરાબ સમાચાર આવ્યા છે. મશહૂર સંગીતકાર ખય્યામના પત્ની અને પ્રખ્યાત પ્લેબેક સિંગર જગજીત કૌરનું ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ ને વહેલી સવારે નિધન થયું. ૯૩ વર્ષની વયે દુનિયાને અલવિદા કહેનાર જગજીત કૌર છેલ્લા ઘણા દિવસોથી બીમારી અને એકલતા સામે ઝઝૂમી રહ્યા હતા. પતિ ખય્યામના મૃત્યુ બાદ તે એકલવાયું જીવન જીવી રહ્યા હતા. ખય્યામ સાહેબ તેમને પોતાની 'ઉમરાવ જાન'કહેતા હતા.

જગજીત કૌર પ્રખ્યાત હિન્દી ફિલ્મ સંગીતકાર ખય્યામના પત્નિ હતા અને પોતે એક પ્રખ્યાત પ્લેબેક સિંગર હતા.જગજીત કૌરનો જન્મ ૧૯૩૦-૩૧ની  આસપાસ ચંદીગઢ (પંજાબ) ના એક સુખી સંપન્ન જમીનદાર પરિવારમાં થયો હતો. જગજીત કૌર ફિલ્મોમાં પ્લેબેક સિંગર બનવાના સ્વપ્ન સાથે મુંબઈ આવ્યા હતા. ઇ.સ.૧૯૫૪ ની વાત છે, એક દિવસ જગજીત કૌરને લાગ્યું કે મુંબઈમાં દાદર સ્ટેશનના ઓવર બ્રિજ પર કોઈ તેની પાછળ આવી રહ્યું છે, તે સતર્ક થઇ ચેતવણી આપવા જ જતા હતા તે સમયે તે વ્યકિતએ આવીને પોતાનો ફિલ્મ સંગીતકાર તરીકે પરિચય આપ્યો. તે વ્યકિત પ્રખ્યાત સંગીતકાર મોહમ્મદ ઝહૂર ખય્યામ હતા. જેને દુનિયા આજે ખય્યામ સાહેબ તરીકે ઓળખે છે. બંનેની આ મુલાકાત મિત્રતામાં ફેરવાઈ અને જગજીત કૌરના પિતાના વિરોધ છતાં પણ બંનેએ લગ્ન કરી લીધા. એવું કહેવાય છે કે આ બંનેના લગ્ન ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પ્રથમ આંતરજાતિય લગ્ન હતા. જગજીત કૌરની ગાયિકા તરીકેની કારકિર્દી વર્ષ ૧૯૫૦ માં શરૂ થઈ હતી. તેણીએ શરૂઆતમાં તલત મેહમુદ અને શ્યામા અભિનિત 'પોસ્ટિ' (પંજાબી ભાષા) અને 'દિલ-એ-નાદાન' જેવી ફિલ્મોમાં ગીતો ગાઈને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. એ બાદ તેમણે ફિલ્મ 'શગુન'ના હિટ ગીત 'તુમ અપના રંજો ગમ અપની મુશ્કેલી મુઝે દે દો'થી બોલિવૂડમાં ઓળખ મળી હતી. તેમને લોક સંગીત અને શાસ્ત્રીય સંગીત પ્રત્યે વિશેષ લગાવ હતો. ૧૯૫૪ માં શરૂ થયેલી આ લવ સ્ટોરી ખૈય્યામ સાહેબના ફના થવા સુધી અવિરત ચાલુ રહી.

જગજીત કૌરે ખય્યામ ને એક પુત્ર હતો જેનું નામ 'પ્રદીપ' રખાયું હતું. જોકે કુદરતે કંઇક અલગ જ ધાર્યું હોય તેમ પ્રદિપ નું ૨૦૧૨ માં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તેમનો પુત્ર ઘણા લોકોને મદદરૂપ થવાનું કાર્ય કરતો જેની આ પ્રકૃતિથી પ્રેરિત થઈને આ દંપતિએ 'ખય્યમ જગજીત કૌર કેપીજી ચેરિટેબલ ટ્રસ્ટ'ની શરૂઆત કરી હતી. જેથી કલાકારો અને ટેકનિશિયનોને મદદ મળી શકે. જગજીત કૌર સંગીતમાં ખય્યામ સાહેબની મદદ કરવા માટે ખય્યામ સાહેબની ધૂન પર પોતાનો અવાજ આપ્યો હતો અને ગીતોના કંપોઝીશનમાં પણ તેમને મદદ કરી હતી. ખય્યામ સાહેબ ઇચ્છતા હતા કે તેમને આનો શ્રેય મળે અને તે સંગીત જગતમાં 'ખય્યમ-જગજીત કૌર'નામ રાખવા માંગતા હતા, પરંતુ જગજીત કૌરને તે પસંદ નહતું આથી બેનામ રહીને તેઓએ ખય્યામ સાહેબને મદદ કરવાનું ચાલુ રાખ્યું. જગજીત કૌરે ખૈયમ સાહબ દ્વારા રચિત દરેક ફિલ્મમાં ઓછામાં ઓછું એક ગીત ગાયું છે, કદાચ 'આખરી ખાત' એક માત્ર અપવાદ ફિલ્મ છે. એવીજ રીતે કમાલ અમરોહી તેમના ડ્રીમ પ્રોજેકટ પાકીઝા પર કામ કરી રહ્યા હતા અને ફિલ્મ પૂર્ણ થવામાં દ્યણો સમય લાગી રહ્યો હતો ત્યારે કહેવાય છે કે જગજીત કૌરે તે સમયે તેમને પ્રેરણા આપી હતી અને ફિલ્મ પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ૧૯૮૧ના ખૈયમ દ્વારા રચિત યાદગાર સાઉન્ડટ્રેક 'ઉમરાવ જાન'માં એક ગીત પણ ગાયું હતું. તેઓેએ હિન્દી અને ઉર્દૂ ગાયિકા તરીકે ખ્યાતિ મેળવી હતી.

જગજીત કૌર તે્મના દ્યેરા અવાજ અને લોક ધૂન રજૂ કરવાની મજબૂત ક્ષમતા માટે જાણીતા હતા. સંગીત નિષ્ણાતો માને છે કે તેના અવાજમાં નીચા થી ઉંચા સ્વર પિચ પર જવાનો એક મધુર જાદુ હતો. જગજીત કૌર ને નાનપણથી જ ફિલ્મો અને સંગીતનો ખુબ શોખ હતો. તેણી ઘણીવાર તેની શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભાગ લેતા. એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે, જગજીત કૌરની ગાયન પ્રતિભાને સૌપ્રથમ ખૈયમ સાહેબે એક મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન જોઇ હતી. જયાં તે શાસ્ત્રીય ગીત ગાતા હતા. ખય્યામે તેનો સંપર્ક કર્યો અને તેને ફિલ્મ શોલા ઔર શબનમ (૧૯૬૧) માટે ટ્રેક ઓફર કર્યો હતો. ફિલ્મમાં, તેણીએ મોહમ્મદ રફી સાથે યુગલગીત સહિત સોલો ગીત ગાયું હતું. ત્યારથી, જગજીત કૌર અને ખય્યામ વચ્ચેનો સંગીતમય બંધન કયારેય તૂટ્યો નહતો. ખય્યામ સાહેબની સંગીત સર્જન યાત્રામાં જગજીત કૌર બરાબરના ભાગીદાર રહ્યા હતા. જગજીત કૌર નો મધુર અવાજ સંગીતની દુનિયામાં કાયમ અજર-અમર રહેશે.(૩૦.૧૧)

જગજીત કૌરના કેટલાક યાદગાર ગીતો

૧. ''તુમ અપના રંજ ઔર ગમ અપની પરેશાની મુઝે દે દો'' શગુન (૧૯૬૪), ગીતો - સાહિર લુધિયાનવી, સંગીત - ખય્યામ

૨. ''મૌન જિંદગી કો અફસાના મિલ ગયા..'' દિલ -એ -નાદાન (૧૯૫૩), ગીતો - શકીલ બદાયુની, સંગીત - ગુલામ મોહમ્મદ

૩. ''પહેલે તો આંખ મિલાના,'' શોલા ઔર શબનમ (૧૯૬૧) (રફી સાહેબ સાથે) ગીતો - કૈફી આઝમી, સંગીત - ખય્યામ

૪. ''લાડી રે   લાડી તુજસે આંખ જો લાડી'', શોલા ઔર શબનમ (૧૯૬૧) ગીતો - કૈફી આઝમી, સંગીત - ખય્યામ

૫. ''દેખો દેખો જી ગોરી સસુરાલ ચાલી'' શગુન (૧૯૬૪), ગીતો - સાહિર લુધિયાનવી, સંગીત - ખય્યામ

૬. ''નૈન મિલકે, પ્યાર જીતાકે, આગ લગા દી'' (રફી સાહેબ સાથે) મેરા ભાઈ મેરા દુશ્મન (૧૯૬૭), સંગીત-ખૈય્યામ

૭. ''સાડા ચિડિયા દા ચંબા વે'' કભી કભી (૧૯૭૬), (પામેલા ચોપરા સાથે) સંગીત-ખૈય્યામ

૮. ''ચલે આઓ સૈંયા રંગીલે મેં વારી રે'' બાઝાર (૧૯૮૧), (પામેલા ચોપરા સાથે) ગીતો - જગજીત કૌર, સંગીત - ખય્યામ

૯. ''દેખ લો આજ હમકો જી ભર કે'' બાઝાર (૧૯૮૧), ગીત-મિર્ઝા શૌક, સંગીત - ખય્યામ

૧૦. ''કાહે કો બ્યાહી વિદેશ'' ઉમરાવ જાન (૧૯૮૧), સંગીત-ખય્યામ

પ્રશાંત બક્ષી

મો.૭૯૯૦૫ ૫૮૪૬૯

(3:38 pm IST)