Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

રાજકોટ શહેર પોલીસ વાર્ષિક રમત મહોત્સવમાં ૮ ટીમો મેદાને

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ૭૫મા સ્વતંત્રતા દિવસે કરાવ્યો રમતોત્સવનો શુભારંભઃ પ્રથમ દિવસે કબડ્ડીના ત્રણ મેચમાં એસીપી ક્રાઇમ અને એસીપી પશ્ચિમની ટીમો વિજેતા : ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, ૧૦૦.૪ મીટર દોડ, ૮૦૦ મીટર દોડ, ભાલા ફેંક, ગોળા ફેંક, ચક્ર ફેંક, લોંગ જમ્પ, સ્વીમીંગ ૫૦ મીટર ફ્રી સ્ટાઇલ, સ્વીમીંગ ૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલ, વોલીબોલ (પાસીંગ), કબડ્ડી, રસ્સા ખેંચ, બાસ્કેટ બોલ, ફુટબોલ, ટેબલ ટેનીસ સિંગલ, ટેબલ ટેનીસ ડબલ્સ, બેડમિન્ટન સિંગલ, બેડમિનટન ડબલ્સ, ચેસ, કેરમ સિંગલ, કેરમ ડબલ્સ રમતો રમાશે : પરેડ તથા અન્ય પ્રવૃતિ સાથે શારીરિક ફીટનેશ માટે રમત ગમત પણ એટલી જરૂરીઃ ખેલદીલી પુર્વક રમી ભવિષ્યમાં સ્ટેટ તથા નેશનલ લેવલે પોલીસ ડીપાર્ટમેન્ટનું નામ રોશન કરવા ડીસીપી મનોહરસિંહ જાડેજાનું ખેલાડીઓને આહવાનઃ જેસીપી ખુરશીદ અહેમદે ખેલદીલીથી રમત રમવા શપથ લેવડાવ્યા : પોલીસ પરિવારનું સ્વાસ્થ્ય સુધરે, શારીરિક ફીટ રહે, એકાગ્રતા વધ, એકબીજા સાથે ટીમવર્કથી કાર્ય કરવાની ભાવના વધે તેમજ પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ સ્ટેટ અને નેશનલ લેવલે પોલીસનું નામ રોશન કરે તેમજ રમત ગમતને પ્રોત્સાહન મળે તેવા હેતુથી આયોજન

ખેલશે પોલીસઃ રાજકોટ શહેર પોલીસ વાર્ષિક રમત મહોત્સવ-૨૦૨૧નો શુભારંભ થઇ ચુકયો છે. તેની ઝલક તસ્વીરોમાં જોઇ શકાય છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને પીઆઇ વી. કે. ગઢવીએ પ્રાસંગોચિત પ્રવચની આપી શુભારંભ કરાવ્યો હતો. ખેલાડીઓએ ખેલદીલીથી રમત રમવાના શપથ લીધા હતા તેમજ પરેડ કરી હતી. ધોળકીયા સ્કૂલની બાળાઓએ દર્શનીય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરતાં શ્રી અગ્રવાલે તેમને ઉત્સાહીત કરવા રોકડ ઇનામ સાથે મોમેન્ટો આપ્યા હતાં. પ્રથમ દિવસે કબડ્ડીના ત્રણ મેચો રમાયા હતાં. તેનો ટોસ ઉછાળી પ્રારંભ કરાવતાં શ્રી અગ્રવાલ તથા બીજા અધિકારીઓ અને કબડ્ડી મેચના મહિલા તથા પુરૂષ ખેલાડીઓના મેચના દ્રશ્યોની ઝલક નિહાળી શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા) 

રાજકોટ તા. ૧૬: સરકાર દ્વારા રમત-ગમતને પ્રોત્સાહન મળે તે માટે અલગ અલગ રમત મહોત્સવ યોજવામાં આવી રહેલ છે. રમત ગમતથી શારીરિક ફીટનેશ એકાગ્રતા તથા સદભાવનાનું સીંચન થાય છે. આ કારણે રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ પરિવાર વાર્ષીક રમત મહોત્સવનું ત્રણ વર્ષથી આયોજન કરવામાં આવે છે. જો કે ગયા વર્ષે કોરોના મહામારીના કારણે રમત મહોત્સવ મોકુફ રહ્યો હતો.  આ વર્ષે રમત મહોત્સવનો શુભારંભ ગઇકાલે ૧૫મી ઓગષ્ટના રોજ પોલીસ હેડકવાર્ટર ખાતે કરવામાં આવ્યો હતો. પ્રારંભે રમાયેલા ત્રણ કબડ્ડી મેચોમાં એસીપી ક્રાઇમની મહિલા અને પુરૂષની ટીમો તથા એસીપી પશ્ચિમની ટીમ વિજેતા બની હતી.

પોલીસ પરિવારનું સ્વાસ્થ્ય સુધરે તેઓ શારીરિક ફીટ રહે તેમજ એકાગ્રતા વધે અને એકબીજા સાથે ટીમવર્કથી કાર્ય કરવાની ભાવના વધે તેમજ પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ સ્ટેટ અને નેશનલ લેવલે પોલીસનું નામ રોશન કરે તેમજ રમત ગમતને પ્રોત્સાહન મળે તેવા શુભ હેતુથી રાજકોટ શહેર પોલીસ પરિવાર વાર્ષીક રમત મહોત્સવ-૨૦૨૧ નુ આયોજન કરવામાં આવેલ છે.

આ રમતોત્સવ માટે જોઇન્ટ પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપીશ્રી પ્રવિણકુમાર મીણા, ડીસીપીશ્રી મનોહરસિંહ જાડેજા, એસીપી જી. એમ. બારીયા, એસીપી એસ. આર.  ટંડેલ, એસીપી વી. આર. મલ્હોત્રા તથા ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી. કે. ગઢવી, રીઝર્વ પીઆઇ એમ. એ. કોટડીયાની કમીટીની રચના કરવામાં આવી છે.

આ રમતોત્સવમાં પોલીસ પરિવારની કુલ ૮ ટીમો બનાવવામાં આવી છે. જેમાં (૧) એસીપી ઉત્તર વિભાગ શ્રી એસ. આર. ટંડેલ, (૨) એસીપી દક્ષિણ વિભાગ શ્રી જે. એસ.ગેડમ  તથા એસીપી મહિલા વિભાગ શ્રી આર. એસ. બારીયા, (૩) એસીપી પુર્વ વિભાગ શ્રી એચ. એલ. રાઠોડ, (૪) એસીપી પશ્ચિમ વિભાગ શ્રી પી. કે. દિયોરા, (૫) એસીપી પોલીસ હેડ કવાટર્સ શ્રી જી. એસ. બારીયા, (૬) એસીપી સાયબર ક્રાઇમશ્રી જી. ડી. પલસાણા  તથા એસીપી એસ.સી/એસ.ટી.સેલ /કંટ્રોલશ્રી એસ. ડી. પટેલ અને (૭) એસીપી ક્રાઇમ શ્રી ડી.વી.બસીયા તેમજ (૮) એસીપી ટ્રાફીકશ્રી વી. આર. મલ્હોત્રાના નેતૃત્વ હેઠળ ટીમો બનાવાઇ છે.

જેમાં પુરૂષ પોલીસ, મહિલા પોલીસ, ૫૦+ પુરૂષ પોલીસ, ૫૦+ મહિલા પોલીસ, પોલીસ પરિવારના પુરૂષો તથા પોલીસ પરિવારના મહિલાઓ અને ટ્રાફિક બ્રિગેડની ટીમો ભાગ લઇ રહી છે. ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, ૧૦૦.૪ મીટર દોડ, ૮૦૦ મીટર દોડ, ભાલા ફેંક, ગોળા ફેંક, ચક્ર ફેંક, લોંગ જમ્પ, સ્વીમીંગ ૫૦ મીટર ફ્રી સ્ટાઇલ, સ્વીમીંગ ૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલ, વોલીબોલ (પાસીંગ), કબડ્ડી, રસ્સા ખેંચ, બાસ્કેટ બોલ, ફુટબોલ, ટેબલ ટેનીસ સિંગલ, ટેબલ ટેનીસ ડબલ્સ, બેડમિન્ટન સિંગલ, બેડમિનટન ડબલ્સ, ચેસ, કેરમ સિંગલ, કેરમ ડબલ્સ રમતો ફેડરેશનના નિયમો મુજબ તેમજ કોરોના વાયરસની મહામારી ધ્યાને રાખી નિયમોનું પાલન કરી રમાડવામાં આવી રહી છે.

રમતોત્સવને  ૭૫માં સ્વતંત્રતા દિવસના રોજ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે ખુલ્લો મુકયો હતો અને  રમતવીરોને શુભેચ્છા પાઠવી હતી. ડીસીપીશ્રી મનોહરસિંહ જાડેજાએ આ પ્રસંગે કહ્યું હતું કે પોલીસ ડીપાર્ટમેન્ટમાં પરેડ તથા અન્ય એકટીવીટી કરવામાં આવે છે તેની સાથે શારીરિક ફીટનેશ માટે રમત ગમત પણ એટલી જ જરૂરી છે. તમામ રમતોમાં ખેલદીલી પુર્વક રમી ભવિષ્યમાં સ્ટેટ તથા નેશનલ લેવલે પોલીસ ડીપાર્ટમેન્ટનુ નામ રોશન કરવા તેમણે ખેલાડીઓને આહવાન કર્યુ હતું. જેસીપી ખુરશીદ અહેમદ દ્વારા  ખેલાડીઓને ખેલદીલીથી રમત રમવા અંગેના શપથ લેવડાવવામાં આવેલ હતાં.

આ પ્રસંગે ધોળકીયા સ્કૂલની બાળાઓ દ્વારા દેશભકિતના ગીત ઉપર સાંસ્કૃતીક કાર્યક્રમ રજૂ કરવામાં આવતાં તેનાથી અભિભુત થઇ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ આ બાળઓને પ્રોત્સાહન મળી રહે તે માટે રોકડ ઇનામ તથા મોમેન્ટો આપ્યા હતાં.

રમત મહોત્સવના આરંભે એટલે કે ૧૫મી ઓગષ્ટે એસીપી દક્ષિણ વિભાગ તથા એસીપી ક્રાઇમની પુરૂષ ટીમો વચ્ચે કબડ્ડીનો મેચ યોજાયો હતો. એસીપી ક્રાઇમની ટીમનો વિજય થયો હતો. તેમજ એસીપી પશ્ચિમ એસીપી સાયબર ક્રાઇમની પુરૂષ ટીમો વચ્ચેના કબડ્ડી મેચમાં એસીપી પશ્ચિમ ટીમ વિજયી બની હતી.  આ ઉપરાંત એસીપી દક્ષિણ વિભાગ તથા એસીપી  ક્રાઇમ ની મહિલા ટીમ વચ્ચેના કબડ્ડી મેચમાં પણ એસીપી ક્રાઇમ ટીમ વિજેતા બની હતી.

આજે ૧૬મીએ શહેર પોલીસની અલગ અલગ ટીમો વચ્ચે બેડમીન્ટન સીંગલ, બેડમીન્ટન ડબલ્સ, કેરમ સીંગલ, કેરમ ડબલ્સ, સ્વીમીંગ, ચેસ, ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, ૧૦૦ર્ં૪ મીટર દોડ, ૮૦૦ મીટર દોડ, ભાલાફેક, ગોળાફેંક, ચક્રફેક તથા લોંગ જંપના મેચનુ આયોજન કરવામાં આવ્યું છે.

(3:31 pm IST)