Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

રાજકોટ રૂરલના એ.એસ.આઈ. મહમદરફીક ચૌહાણ રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત

લૂંટ-ચોરી અને મર્ડર સહિતના અનેક ગુન્હાઓનો ભેદ ઉકેલતા : ધોરાજીમાંથી પાકિસ્તાની જાસૂસને ઝડપી લેવામાં મહત્વની કામગીરી કરી'તી

રાજકોટ, તા. ૧૬ :. રાજકોટ જીલ્લામાં લૂંટ-ચોરી અને મર્ડર સહિતના અનેક ગુન્હાઓનો ભેદ ઉકેલનાર તથા ધોરાજીમાંથી પાકિસ્તાન જાસૂસને ઝડપી લેનાર રાજકોટ રૂરલના રીડર બ્રાંચના એ.એસ.આઈ. મહમદરફીક ચૌહાણને ૭૫માં સ્વાતંત્ર્ય દિને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનીત કરવામાં આવતા તેઓ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

રાજકોટ જીલ્લા પોલીસમાં ૧૯૯૪માં અનાર્મ પો.કો. તરીકે જોડાયા બાદ મહંમદરફીક ચૌહાણએ જેતપુર સીટીમાં ફરજ દરમિયાન જૂનાગઢ જિલ્લાની નામચીન સાતનારી ગેંગને પકડી પાડી અસંખ્ય ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો હતકો તેમજ જેતપુરના નામચીન સલીમ જુસબને ઝડપી લીધો હતો. રૂરલ ક્રાઈમ બ્રાંચમાં પોસ્ટીંગ બાદ કચ્છના ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં રાહત કામગીરીમાં ઉત્કૃષ્ટ ફરજ બજાવેલ અને ૨૦૦૨ના વર્ષમાં અમરેલી-દામનગર પંથકમાંથી નામચીન વેલશી ભાણા દેવીપૂજકને એકલા હાથે પકડી પાડી રાજકોટ જિલ્લાની અસંખ્ય મંદિર ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. આંગડીયા લૂંટ કરનાર ધારાગઢના નામચીન રફીક બાપુડી ગેંગને અમદાવાદ-મુંબઈથી ઝડપી લેવાની કામગીરીમાં મહત્વનું યોગદાન આપ્યુ હતું. ૨૦૦૩ના વર્ષમાં ભાયાવદર વિસ્તારના મોસ્ટ વોન્ટેડ નુરો ઉર્ફે નુરમામદ ઉંમર સુભાણીયા રે. ખંભાળીયાને ઝડપી લીધેલ તે સૌરાષ્ટ્રના ચર્ચાસ્પદ કસ્ટમ સિપાહી ત્રિપલ મર્ડરમાં સંડોવાયેલ હતો અને તેની સામે ટાડા કલમ લાગી હતી. તેની પાસેથી ત્રણ હથિયારો પણ કબ્જે કરાયા હતા.

૨૦૧૧ના વર્ષમાં વિરપુર પોલીસ મથકની સરકારી બોલેરો લઈ લૂંટ લચાવનાર આનંદગીરી બાવાજી ગેંગને પકડી પાડતા એક મર્ડર સહિત દસ ગુન્હાઓનો ભેદ ઉકેલાયો હતો. તેમજ ધોરાજીમાંથી પાકિસ્તાની જાસૂસને ઝડપી લેવાની કામગીરીમાં પણ મહત્વનું યોગદાન હતુ. ડીજીપીના ઓપરેશન મુશ્કાન ડ્રાઈવમાં પર બાળકોને શોધી કાઢયા હતા. જેમા એક બાળકીને મહારાષ્ટ્રના સેન્સેટીવ માલેગાંવથી એકલા હાથે લાવી વાલીને સોંપેલ.

૨૦૧૬માં ન્યારી ડેમ ખાતે વકીલના મર્ડરનો ભેદ ઉકેલી આરોપીને શોધી કાઢેલ. પેરોલ ફર્લો સ્કવોડમાં ફરજ દરમિયાન નાસતા ફરતા ૧૦૬ આરોપી તેમજ જેલમાંથી છૂટયા બાદ વોન્ટેડ ૧૦ આરોપીઓને ઝડપી લીધા હતા.

રાષ્ટ્રપતિ મેડલથી નવાજીત એ.એસ.આઈ. મહમદરફીક ચૌહાણએ ફરજ દરમિયાન કુલ ૪૧૧ જીએસટી મેળવેલ તેમજ રોકડ રૂ. ૫૨ હજારના ઈનામો મેળવેલ છે.

(1:31 pm IST)