Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

મારૂતિનંદન નગરમાં અલ્પેશના ઘરમાં ઘોડીપાસાનો જૂગાર રમતાં પાંચ પકડાયાઃ રૂ. ૬૦ હજાર કબ્જે

માલવીયાનગરના હરપાલસિંહ જાડેજા અને ભાવેશભાઇ ગઢવીની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૧૬: મવડી રોડ મારૂતિનંદન નગરમાં રહેતો શખ્સ ઘરમાં ઘોડીપાસાનો પાટલો ચલાવતો હોઇ દરોડો પાડી માલવીયાનગર પોલીસે તેના સહિત પાંચને પકડી લઇ રૂ. ૬૦૧૦૦ રોકડા કબ્જે લીધા હતાં. આ શખ્સ અગાઉ પણ જૂગારના ચાર ગુનામાં પકડાઇ ચુકયો છે. તેની સાથે પકડાયેલા ચાર શખ્સો પણ અલગ અલગ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયા છે.

 મવડી રોડ મારૂતિનંદન નગર-૨માં પ્રિતેશ નામના મકાનમાં રહેતાં અલ્પેશ ઉર્ફ બાબુ રમણિકભાઇ ગોટેચાના ઘરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની માહિતી પરથી દરોડો પાડી તેને તથા હિરેન રસિકભાઇ આડેસરા (રહે. વિવેકાનંદનગર-૧૪ કોઠારીયા રોડ), યુનુસ ઇલ્યાસભાઇ ચાનીયા (રહે. ખોડિયારનગર-૪ આજી વસાહત), રહિમ હાસમભાઇ સૈયદ (રહે. બજરંગવાડી સંજયનગર-૨) તથા પ્રકાશ છગનભાઇ ગોહેલ (રહે. નવલનગર-૫)ને પકડી લઇ રૂ. ૬૦૧૦૦ રોકડા તથા બે નંગ ઘોડીપાસા કબ્જે લીધા હતાં. આ તમામ અગાઉ જૂગાર સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકયા છે.

પોલીસના કહેવા મુજબ અલ્પેશ ગોટેચા અગાઉ જુગારના રાજકોટ-વાંકાનેરના પાંચ ગુનામાં અને જાહેરનામા ભંગના એક ગુનામાં, હિરેન જૂગારના બે ગુનામાં, યુનુસ મોટર વ્હીકલ એકટ અને જાહેરનામા ભંગમાં તથા રહિમ જૂગારના ગુનામાં પાંચ વખત તથા પ્રકાશ અપહરણ-લૂંટ, ધમકી અને જૂગારનો મળી ત્રણ ગુનામાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

માલવીયાનગરના કોન્સ. હરપાલસિંહ જાડેજા અને ભાવેશભાઇ ગઢવીની બાતમી પરથી પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્સ. મસરીભાઇ ભેટારીયા, યુવરાજસિંહ ઝાલા, દિગ્પાલસિંહ જાડેજા,  રોહિતભાઇ કછોટ, કુલદીપસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

નરસંગપરાનો ફૈઝલ દારૂની ત્રણ બાટલી સાથે પકડાયો

જુની કલેકટર કચેરી પાછળ નરસંગપરા-૧માં રઝવી પાનવાળી શેરીમાં રહેતાં ફૈઝલ ફિરોઝભાઇ બેલીમ (ઉ.૧૯)ને પ્ર.નગરના પીએસઆઇ પટેલ, દેવશીભાઇ ખાંભલા, વી.આર. જાડેજા, કુલદિપસિંહ રાણા સહિતે રૂ. ૧૫૦૦ના ત્રણ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

(12:43 pm IST)