Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

પીડીયુ કોલેજના બે તબિબના ડૂબી જતા મોત

પાંચ હોમીયોપેથી તબિબોના અકસ્માતમાં મોત થયા બાદ બે એમડી તબિબોને ન્હાવા જતાં કાળ ભેટ્યોઃ પરિવારજનો-મેડિકલ કોલેજમાં ગમગીની : માળીયા હાટીના તાબેના ઘુમલીના રવિ રાઠોડ (ઉ.વ.૨૭) એમડી બીજા વર્ષમાં હતાં: શામળાજીના ચિરાગ ડામોર (ઉ.વ.૩૦)એ આ વર્ષે જ એમડી પુરૂ કર્યુ હતું: શનિવારે સાંજે બંને ફરવા ગયા પછી ન્હાવા પડ્યા ને ડૂબ્યાઃ રવિવારે ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ મૃતદેહ શોધી લોધીકા પોલીસને સોંપ્યા ખીરસરા પેલેસ પાછળ આવેલા ચેકડેમમાં બનાવ ચિરાગ બે ભાઇ અને બહેનથી નાનો હતોઃ રવિ બે ભાઇ અને બહેનમાં નાનો હતોઃ તેની એક વર્ષ પહેલા જ સગાઇ થઇ હતી

'જળઘાત': રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના બે તબિબી છાત્ર ચિરાગ ડામોર (મુળ શામળાજી) અને રવિ રાઠોડ (મુળ ઘુમલી-માળીયા હાટીના) શનિવારે સાંજે ખીરસરા પેલેસ પાછળ ચેકડેમ ખાતે ફરવા ગયા બાદ ન્હાવા પડતાં ડૂબી જતાં બંનેના મૃત્યુ નિપજ્યા હતાં. રવિવારે બપોરે કાલાવડ રોડ ફાયર બ્રિગેડની ટીમે બંને મૃતદેહ બહાર કાઢી લોધીકા પોલીસને સોંપ્યા હતાં.  તસ્વીરોમાં ડો. ચિરાગ અને ડો. રવિના નિષ્પ્રાણ દેહ, મૃતદેહ શોધવા મથામણ કરતાં ફાયર બ્રિગેડના જવાનો, છેલ્લી બે તસ્વીરમાં ડો. ચિરાગ અને ડો. રવિના ફાઇલ ફોટો, નીચેની તસ્વીરોમાં તેમનું બાઇક, મૃતદેહ લઇને આવી રહેલા ફાયર બ્રિગેડ જવાનો અને છેલ્લે ફાયર બ્રિગેડ ટીમ એમ્બ્યુલન્સ સાથે જોઇ શકાય છે.

રાજકોટ તા. ૧૬: થોડા દિવસ પહેલા કાલાવડ રોડ પર બાલાજી વેફર્સ નજીક કાર અને એસટી બસના અકસ્માતમાં પાંચ પાંચ હોમીયોપેથી તબિબી છાત્રોનો ભોગ લેવાયો હતો. એ બનાવનો શોક હજુ ઓછો નથી થયો ત્યાં રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના બે તબિબી છાત્રોના ખીરસરા પેલેસ પાછળ વાછીયા ગામની નદીના ચેકડેમમાં ડૂબી જવાથી મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મૃત્યુ પામનારમાં મુળ શામળાજીના એક છાત્રએ એમડીનો અભ્યાસ આ વર્ષે જ પુરો કર્યો હતો અને બીજા માળીયા હાટીના તાબેના ઘુમલી ગામના યુવાનનો એમડીના બીજા વર્ષમાં અભ્યાસ ચાલુ હતો. બંને શનિવારે સાંજે ફરવા માટે ગયા હતાં એ પછી ન્હાવાની મજા માણવા ગયા હતાં અને 'જળઘાત' નડી ગઇ હતી. બનાવથી મેડિકલ કોલેજ, તબિબી છાત્રો, તબિબો, પ્રોફેસર્સ અને મૃતકોના સ્વજનોમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ લોધીકા તાબેના ખીરસરા પેલેસ પાછળ આવેલી નદીના ચેકડેમમાં સવારે એક યુવાનની લાશ તરતી હોવાની જાણ ગ્રામજન મારફત થતાં ફાયર બ્રિગેડને અને લોધીકા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ કાલાવડ રોડ ફાયર બ્રિગેડની ટીમના પાર્થરાજસિંહ, નવજીતસિંહ, જયપાલસિંહ ઝાલા, સુરેશભાઇ ધરજીયા, હર્ષદભાઇ સોલંકી સહિતની ટીમ એમ્બ્યુલન્સ અને બચાવના સાધનો સાથે પહોંચી ગઇ હતી અને એક મૃતદેહ બહાર કાઢ્યો હતો.

ઘટના સ્થળે બે જોડી કપડા, બે પર્સ અને એક બાઇક પડ્યા હોઇ જેથે બે યુવાન ડૂબ્યાનું જણાતાં ફાયર બ્રિગેડની ટીમે બીજા યુવાનનો મૃતદેહ શોધવા કલાકો સુધી પાણી ડખોળ્યું હતું. અંતે બીજો મૃતદેહ પણ મળી આવ્યો હતો. લોધીકા પોલીસ મથકના હેડકોન્સ. જગદીશભાઇએ ફોન નંબર અને આઇડીને આધારે તપાસ કરતાં આ બંને હતભાગી યુવાનો રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજ હોસ્ટેલમાં રહેતાં ચિરાગ પૂનમભાઇ ડામોર (ઉ.વ.૩૦-રહે. મુળ ફલ્લા-શામળાજી, હાલ અમદાવાદ) તથા રવિ ગોપાલભાઇ રાઠોડ (ઉ.વ.૨૭-રહે. મુળ ઘુમલી તા. માળીયા હાટીના જી. જુનાગઢ) હોવાની વિગતો મળી હતી.

બનાવની પીડીયુ મેડિકલ કોલેજ ખાતે જાણ થતાં તબિબો અને બંનેની સાથે અભ્યાસ કરતાં તબિબી છાત્રો ઘટના સ્થળે દોડી ગયા હતાં. બનાવથી સમગ્ર કોલેજમાં ગમગીની છવાઇ ગઇ હતી. વધુ માહિતી મુજબ ચિરાગે એમડીના છેલ્લા વર્ષનો અભ્યાસ હાલમાં જ પુરો કર્યો હતો અને રવિ બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ચિરાગ બે ભાઇ અને એક બહેનથી નાનો હતો. ચિરાગનો પરિવાર હાલ અમદાવાદ રહે છે.  તેના પિતા બેંકના નિવૃત અધિકારી છે. આશાસ્પદ પુત્રના મોતથી પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા છે. 

જ્યારે રવિ બે ભાઇ અને બે બહેનમાં સોૈથી નાનો હતો. તેના માતાનું નામ મણીબેન અને પિતાનું નામ ગોપાલભાઇ અરજણભાઇ રાઠોડ (કારડીયા રાજપૂત) છે. તેઓ ખેતી કરી ગુજરાન ચલાવે છે. કરૂણ બાબત એ છે કે રવિ રાઠોડની એક વર્ષ પહેલા જ સોમનાથના મીઠાપુરની યુવતિ સાથે સગાઇ થઇ હતી. આશાસ્પદ દિકરાના અકાળે મોતથી પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

કેવો જોગાનુજોગ?...ખીરસરા, કાલાવડ રોડ અને તબિબો સાથે કરૂણ ઘટનાઓ

.અગાઉ હોમિયોપેથી કોલેજના પાંચ ભાવી તબિબો ખિરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝીટ કરીને આવી રહ્યા હતાં ત્યારે કાલાવડ રોડ વાજડી પાસે અકસ્માત નડતાં પાંચેયના મૃત્યુ થયા હતાં. ગઇકાલે પીડીયુ મેડિકલ કોલેજના બે તબિબ ડૂબી ગયા એ પણ ખિરસરાનો ચેક ડેમ હતો. આમ જોગાનુજોગ એક જ વિસ્તાર તબિબો માટે કમનસિબ સાબિત થયાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

ડો. ચિરાગની અમદાવાદ અને ડો. રવિની માળીયા હાટીનાના ઘુમલી ગામે અંતિમવિધી

. ડો. ચિરાગ ડામોરનો પરિવાર મુળ શામળાજીનો વતની છે. પણ હાલમાં પરિવારજનો અમદાવાદ રહે છે. તેની અમદાવાદ ખાતે અને ડો. રવિ રાઠોડની અંતિમવિધી તેના વતન માળીયા હાટીનાના ઘુમલી ગામે થઇ હતી. જેમાં સાથી તબિબી છાત્રો પણ સામેલ થયા હતાં.

બંને તબિબો ત્રણેક દિવસથી ફરવા જવાનો પ્લાન ઘડ્યો'તોઃ બીજા તબિબો છાત્રો પણ સાથે જવાના હતાં

.વધુ માહિતી મુજબ મૃત્યુ પામનાર તબિબી છાત્રો ડો. ચિરાગ અને ડો. રવિ ત્રણેક દિવસથી ખીરસરા પેલેસ પાછળ ચેકડેમ ખાતે ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હતાં. બીજા તબિબી છાત્રોને પણ તેમણે વાત કરી હતી અને સાથે આવવું હોય તો આવવા કહ્યું હતું. પરંતુ બીજા કોઇ છાત્રો તૈયાર ન થતાં શનિવારે આ બંને એકલા ગયા હતાં. એ પછી આ દૂર્ઘટના સર્જાઇ હતી. સોૈ પહેલા ડો. ચિરાગનો મૃતદેહ મળ્યો હતો. એ પછી ડો. રવિનો મૃતદેહ એકાદ કલાકની શોધખોળ બાદ મળ્યો હતો. બંનેએ છેલ્લે સાંજે ૬:૪૦ કલાકે સેલ્ફી પણ લીધી હતી.

(3:27 pm IST)