Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

આ કાળમાં કોઇની આડે ન આવું તે જ સૌથી મોટો ધર્મ છે : સદ્‌ગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા.

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક ગુરુદેવ પૂજય શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબ નાં સુશિષ્‍ય સદગુરુદેવ પૂજય શ્રી પારસમુનિ મહારાજ સાહેબે દિવ્‍ય સાધનાલય કાલાવડ શીતલામાં આગમિક રહસ્‍ય બતાવતા આયંબિલ ઓળી નાં દ્વિતીય દિવસે ફરમાવેલ કે સિદ્ધ પરમાત્‍મા બધાનું બધું જાણે છે, છતાં પણ કોઈને કાંઈ કહેતા નથી. આપણે પરમાત્‍માનાં આ ગુણને જીવનમાં ઉતારવાનો છે. આપણા જીવનમાં સદાય શાંતિ અને સમાધિ રહેશે. આ કાળમાં કોઈની આડે ન આવું તે જ સૌથી મોટો ધર્મ છે.

જીવન વહેવારમાં આપણે ભિન્ન ભિન્ન પ્રકૃતિનાં અનેક માણસોનાં પરિચયમાં આવીએ છીએ. દરેક માણસનો સ્‍વભાવ, ગમો અણગમો અને જીવન જીવવાની અને કાર્ય કરવાની રીત અલગ અલગ હોય છે. દરેક માણસમાં પોતાના ગુણો અને અવગુણો હોય છે. જે પ્રકારના તત્ત્વો તેનામાં ઊભરે છે તે પ્રમાણમાં તે સારો ખરાબ દેખાય છે. કોઈપણ માણસ સંપૂર્ણ નથી.

આવી જુદી જુદી પ્રકૃતિના માણસો સાથે રહેતા હોઈએ અથવા કામ કરતા હોઈએ ત્‍યારે કેટલીક વખત સંઘર્ષ અનિવાર્ય બની જાય છે. મતભેદો હોય ત્‍યાં સુધી વાંધો નથી, પરંતુ મનભેદ થઈ જાય તો મુશ્‍કેલી ઊભી થાય છે, કારણ કે પછી માણસ પૂર્વગ્રહથી જોતો થઈ જાય છે, પરંતુ સમજદાર માણસ આની મર્યાદા બાંધી લે છે.ᅠ

કેટલાક આડા અળવીતરા માણસોને લોકો સહન કરી લેતા હોય છે. તેની સાથે વાદવિવાદમાં ઊતરવામાં કશો લાભ થતો નથી. નુકસાન થવાની ઘણી સંભાવના હોય છે. ડાહ્યો માણસ વિચારે છે પાણીમાં રહેવું અને મગર સાથે વેર બાંધવું એમાં સાર નથી. આવા માણસો સાથે બને ત્‍યાં સુધી સંઘર્ષમાં ઊતરવું નહીં. વિરોધ કરવો નહીં. આડા ઊતરવું નહીં. કારણ કે સરવાળે આપણને જ નુકસાન થાય. સમજદાર માણસ આવા સમયે સંયમ જાળવે છે.

‘તુલસી ઈસ સંસારમેં ભાતભાત કે લોગ , સબ સે હિલમિલ રહીએ, નદી નાવ સંજોગ' સમાજમાં તરેહતરેહના માણસો છે. સ્‍વાર્થી, મતલબી, માખણીયા, ખુશામતખોરો અને ધૂર્ત લોકોનો તોટો નથી. માણસ પોતાનો જ ફાયદો વિચારે છે એમાં બીજાને કેટલું નુકસાન જશે તેનો વિચાર કરતો નથી. સ્‍વાર્થ આવે ત્‍યારે માણસ અંધ બની જાય છે. સંકુચિત વિચારો અને ટૂંકી દૃષ્ટિથી માણસ જોવા લાગે છે ત્‍યારે તેના વિકાસનું મેદાન પણ સાંકડું બની જાય છે.

આપણે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતાં હોઈએ ત્‍યાં થોડી ઘણી ટીકા અને વિરોધના ભોગ બનવું પડે છે. તમે ગમે તેટલું સારું કામ કરતા હો પરંતુ તે જોવાની દરેકની દૃષ્ટિ અલગ અલગ હોય છે. ગમા અણગમા પર આ બધી વસ્‍તુઓનો આધાર છે. સારૂં કામ કરવાવાળા માણસોએ ટીકાથી કે વિરોધથી ડરવાનું નથી, પરંતુ આવા સમયે સ્‍વસ્‍થતા ધારણ કરવાની જરૂર છે.

કોઈની ટીકા અને નિંદા કરવામાં લોકોને વધુ રસ પડે છે. પોતાનામાં રહેલી નબળાઈને છુપાવવા કેટલીક વખત આ શરૂનો ઉપયોગ થતો હોય છે. બીજાને નાનો બનાવીને મોટો બનવાનો આ પ્રયાસ છે. ટીકા જેટલી જલદીથી સ્‍વીકાર્ય બને છે એટલી પ્રશંસા બનતી નથી. સમાજમાં ગુણગ્રાહી માણસો ઓછા છે મોટા ભાગના લોકોને બીજાની નબળી વાતમાં વધુ રસ પડે છે.

અત્‍યારના સમયમાં સારો કોણ અને ખરાબ કોણ એ કળવું મુશ્‍કેલ છે. સમય આવ્‍યે માણસની કસોટી થાય છે. કેટલીક વખત નજીકના માણસો દુશ્‍મન બનીને ઊભા રહે છે અને જેના તરફથી અપેક્ષા ન હોય એવા દૂરના માણસો ઢાલ બનીને ઊભા રહે છે. સજ્જન અને દુર્જનના ચહેરાઓ બદલાઈ ગયા છે. સામાન્‍ય માણસ સાચા અને ખોટા વચ્‍ચે ભીંસાયા કરે છે. સરળતા, સહૃદયતા અને સહિષ્‍ણુતા ધીરે ધીરે ઓછી થઈ રહી છે.

ટીકા અને વિરોધને કોઈ પણ જાતનો પ્રતિભાવ નહીં આપીને મહાત કરી શકાય છે, પરંતુ જો ટીકામાં વજૂદ હોય તો આપણું વલણ સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. ટીકા કરવાવાળા માણસો આપણા હિતેચ્‍છુ છે તે આપણને સાચા માર્ગે વાળે છે. કોઈ પણ જાતનો વિરોધ કરીએ ત્‍યારે તે પરિસ્‍થિતિને સુધારવા માટેની શુભ ભાવનાથી થવો જોઈએ, એની પાછળનો આશય બીજાને બદનામ કરવાનો કે કોઈની માનહાનિ કરવાનો હોવો જોઈએ નહીં.

(4:02 pm IST)