Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

સગીરાના અપહરણ- દુષ્‍કર્મ- પોકસો એકટના ગુનામાં પકડાયેલ આરોપીને આજીવન કેદની સજા ફરમાવતી કોર્ટ

રાજકોટ તા.૧૬: સગીરા પર દુષ્‍કર્મ ગુજારવાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા અદાલતે ફરમાવી હતી.

ગત તારીખ ૩ -૩ -૨૦૨૧ ના રોજ થોરાળા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાંથી સગીરાનું અપહરણ કરી લઈ જઈ તેના પર દુષ્‍કર્મ ગુજારવાના ગુનામાં પોલીસે આરોપી સાગર ભરતભાઈ મકવાણા રહે થોરાળા વિજયનગર પાસે  રાજકોટ વાળાની ધરપકડ કરી જેલ હવાલે કરેલ અને આરોપી સામે પૂરતો પુરાવો મળી આવતા પોક્‍સો અદાલતમાં ચાર્જશીટ દાખલ કરેલ હતી.

ચાર્જશીટ બાદ પોકસો અદાલતમાં સદરહુ કેસ ચાલવા ઉપર આવતા પ્રોસીકયુશન તરફે આ કામના ફરિયાદીની તેમજ ભોગબનનારની અને ડોક્‍ટરની તેમજ તપાસ કરનાર પોલીસ અધિકારીની જુબાની લેવામાં આવેલ જેમાં ફરિયાદીએ કોર્ટમાં સોગંદ ઉપર ફરિયાદ મુજબની જુબાની આપેલ તેમજ ભોગબનનારે તેના ઉપર થયેલ દુષ્‍કર્મની હકીકત જણાવેલ અને આરોપીને કોર્ટમાં ઓળખી બતાવે તેમજ ડોક્‍ટરશ્રીએ ભોગબનનાર અને આરોપીની મેડિકલ તપાસણી કરી સેમ્‍પલો મેળવેલ અને તે મુજબ જુબાની આપેલ અને મેડિકલ સર્ટિફિકેટ આપ્‍યાનું જણાવેલ અને તપાસ કરનાર પોલીસ અધિકારીએ તેઓએ કરેલ તપાસની સંપૂર્ણ હકીકત સોગંદ ઉપર જણાવેલ ઉપરાંત આ કામમાં પ્રોસીકયુશન તરફથી દસ્‍તાવેજી પુરાવાઓ રજૂ કરેલ જેમાં ફરિયાદ મેડિકલ સર્ટી ફોરેન્‍સિક સાયન્‍સ લેબોરેટરી નો અહેવાલ વિગેરે દસ્‍તાવેજી પુરાવાઓ રજૂ રાખેલ અને તમામ દસ્‍તાવેજી પુરાવાઓને પ્રોસીકયુશન દ્વારા સાબિત કરવામાં આવેલ.

તેમજ સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયાએ દલીલ કરેલ કે આરોપીએ આ ગુનો આચાર્યનું પ્રથમ દર્શને જણાઈ આવે છે અને આ ગુનો બન્‍યાનો માનવાને કારણ છે તેમજ એવી દલીલ કરવામાં આવેલ કે ભોગબનનાર સગીર છે અને આરોપી ૨૩ વર્ષનો છે અને આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે આવા ગુનાના આરોપી સામે કેસ સાબિત થયેલ હોય જેથી આરોપીને કાયદામાં જણાવ્‍યા મુજબની વધુમાં વધુ સજા કરવા વિનંતી કરેલ આ કેસમાં  પોક્‍સો અદાલતે સોગંદ ઉપરની જુબાની તેમજ દસ્‍તાવેજી પુરાવાઓ અને ફોરેન્‍સિક સાયન્‍સ લેબોરેટરીના અહેવાલને ધ્‍યાને લઈ તેમજ સરકારી વકીલની દલીલને ધ્‍યાને લઈ પોક્‍સો કોર્ટના જજ શ્રી જે ડી સુથારે આરોપી સાગર ભરતભાઈ મકવાણા ને આજીવન કેદની સજા ફટકારેલ છે આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા

(2:22 pm IST)