Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

નેમીનાથ સોસાયટીમાં જેલના ક્‍લાર્કના ઘરમાં ૪.૯૮ લાખની ચોરી

રાજકોટમાં વધુ એક ચોરીઃ ચંદ્રકાંતભાઇ પરમાર અને પરિવારજનો ઘરને તાળા લગાવી ઉજ્જેન મહાકાલેશ્વરના દર્શને ગયા અને રેઢા ઘરમાં ચોર ત્રાટક્‍યો :પાછલા દરવાજેથી ચોર ઘુસ્‍યો, આગલા દરવાજેથી નીકળી ગયોઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ત્‍યાં ભેદ ખુલી ગયોઃ ગઇકાલે વહેલી સવારે ચોરી થઇ અને રાતે સુરતમાં ચોર મુદ્દામાલ સાથે દબોચાઇ ગયો

જ્‍યાં ચોરી થઇ એ મકાન, જ્‍યાંથી ચોર ઘુસ્‍યો એ પાછળનો દરવાજો અને આગળના દરવાજે કાર પર પગ મુકી બહાર નીકળી ચોર ભાગ્‍યો તે દર્શાવતા ઘરધણી ચંદ્રકાંતભાઇ પરમાર અને નીચેની તસ્‍વીરોમાં રૂમોના કબાટમાં બધુ વેરવિખેર જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૬: શહેરમાં તસ્‍કરોએ ઉપાડો લેવાનું ચાલુ જ રાખ્‍યું છે. થોડા દિવસ પહેલા સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટી પાસે સંજય વાટીકામાં બંધ મકાનમાં થયેલી સાવ તેર લાખની ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્‍યાં ગાંધીગ્રામ નેમીનાથ સોસાયટીમાં  ચોરી થઇ છે. અહિ રહેતાં મધ્‍યસ્‍થ જેલના સિનીયર ક્‍લાર્ક પરિવારજનો સાથે ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શને ગયા હોઇ રેઢા મકાનમાં ત્રાટકી ચોરી ૪.૯૮ લાખની રોકડ-દાગીનાની મત્તા ઉસેડી ગયા છે. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગઇકાલે વહેલી સવારે એક ચોર ઘરમાંથી નીકળ્‍યાનું સીસીટીવી ફૂટેજમાં દેખાયુ હતું. બીજી તરફ રાતે જ આ ચોર સુરતમાં મુદ્દામાલ સાથે પકડાઇ ગયાની વિગતો ઘરધણીએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે સત્‍યનારાયણ પાર્ક ગેઇટ ન. ૩૩ સામે નેમીનાથ સોસાયટી એ-૪૧ મહંતમ્‌' ખાતે રહેતાં અને રાજકોટ મધ્‍યસ્‍થ જેલમાં સિનીયર ક્‍લાર્ક તરીકે ફરજ બજાવતાં ચંદ્રકાંતભાઇ મગનભાઇ પરમાર (ઉ.વ.૫૬)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં ગઇકાલે ૧૫મીએ વહેલી સવારે એક તસ્‍કર ચોરી કરીને ભાગતો નજરે પડયો હતો. તેના આધારે તપાસ શરૂ કરાઇ હતી. દરમિયાન આ તસ્‍કર સુરત પોલીસના હાથે ગત સાંજે જ મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયો હતો.

ચંદ્રકાંતભાઇ પરમારે જણાવ્‍યું હતું કે પોતે બે પુત્ર અને પત્‍નિ સાથે રહે છે. તા. ૧૨/૪ના રોજ સાંજે પાંચેક વાગ્‍યે પતિ-પત્‍નિ, બંને પુત્રો અને બંને પુત્રવધૂ એમ બધા પરિવારજનો ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરવા માટે ઘરને તાળા મારીને ગયા હતાં. ગઇકાલે ૧૫મીએ સાંજે સાડા ચારેક વાગ્‍યે બધા પરત રાજકોટઅ ાવ્‍યા હતાં. આ વખતે મુખ્‍ય દરવાજાનું તાળુ હેમખેમ હતું. તે ખોલીને અંદર જતાં બધો સામાન વેરવિખેર જોવા મળ્‍યો હતો. આથી ચોરી થયાની ખબર પડી હતી.

ચંદ્રકાંતભાઇએ વધુમાં કહ્યું હતું કે અમે તપાસ કરતાં નીચેના બે રૂમના ત્રણ કબાટ અને ઉપરના મે રૂમના ત્રણ કબાટ ખુલ્લા દેખાયા હતાં અને બધો સામાન વેરવિખેર જોવા મળ્‍યો હતો. આથી મારા પુત્ર આકાશે પોલીસને જાણ કરી હતી. અમે તપાસ કરતચાં જુદા જુદા કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીના અને પ૦ હજાર રોકડા મળી કુલ રૂા. ૪,૯૮,૦૦૦ની માલમત્તા ગાયબ જણાઇ હતી.

તસ્‍કરો સોનાનું મંગલસુત્ર ૯૦ હજારનું, સોનાનુ નાનુ મંગલસુત્ર ૩૦ હજારનું, સોનાનુ તનમનીયુ ૧૫ હજારનું, સોનાની બે વીંટીઓ ૧૫ હજારની, બ્રેસલેટ બે નંગ રૂા. ૯૦ હજારના, બુટી ત્રણ જોડી રૂા. ૬૦ હજારની, સોનાની કડલી રૂા. ૯૦ હજારની, ચાંદીના દાગીના ૨૫૦ ગ્રામના આશરે ૧૦ હજારના, ટાઇટન કંપનીની ઘડીયાળ ૮ નંગ ૮ હજારની, ડેલ કંપનીનું ૨૦ હજારનું લેપટોપ, સોની કંપનીનો ડીએસએલઆર કેમેરો રૂા. ૨૦ હજારનો અને રોકડા ૫૦ હજાર ચોરી ગયા હતાં.

બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પીઆઇ બી. ટી. અકબરી, પીએસઆઇ એસ. એલ. ગોહિલ અને ડી. સ્‍ટાફની ટીમે દોડી જઇ  ડોગ સ્‍ક્‍વોડ, ફિંગર પ્રિન્‍ટ નિષ્‍ણાંતની મદદથી કાર્યવાહી કરી હતી અને ચંદ્રકાંતભાઇ પરમારની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો હતો. સીસીટીવી કેમેરા તપાસ કરતાં ચોર મકાનની પાછળના ભાગના દરવાજાનો નકુચો તોડી અંદર ઘુસી ચોરી કરી આગળના દરવાજાની વંડી ટપી વંડી નજીક રાખેલી કાર પર પગ દઇ નીચે ઉતરી ભાગી ગયાનું જણાયું હતું.

ગાંધીગ્રામ પોલીસે ફૂટેજ ચકાસવા સહિતની કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્‍યાં બીજી તરફ સુરત પોલીસે એક તસ્‍કરને દબોચી લીધો હતો. જેણે રાજકોટમાં ચોરી કરીને આવ્‍યાનું કબુલતાં સુરત પોલીસે  ઘરધણીને ચોર પકડાઇ ગયાની જાણ કરી હતી. પોલીસની કામગીરીના ઘરધણીએ વખાણ કર્યા હતાં.

રેલનગર અમૃત રેસીડેન્‍સીમાં ઘનશ્‍યામભાઇ કાલીયાના ઘરમાંથી ૩૦ હજારની ચોરી

ફરિયાદ દાખલ થયા બાદ ચીજવસ્‍તુ ઘરમાંથી જ મળી ગઇ

રાજકોટ તા. ૧૬: રેલનગર અમૃત રેસીડેન્‍સી-૩ બ્‍લોક નં. ૨૯માં રહેતાં  અને નિવૃત જીવન જીવતાં ઘનશ્‍યામભાઇ ચતુરભાઇ કાલીયા (ઉ.વ.૬૦)ના ઘરમાં ચોરી થયાની જાણ થતાં પ્ર.નગરના પીએસઆઇ કે. એસ. ભગોરા સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. ઘનશ્‍યામભાઇના કહેવા મુજબ તેના પત્‍નિ તા. ૯ના રોજ ટ્રેનમાં બેસી માઉન્‍ટ આબુ ઓમ શાંતિની શીબીરમાં ગયા હતાં. પોતે ૧૦મીએ ઘરને લોક કરી વાંકાનેર ભાટીયા સોસાયટીના જુના મકાને ગયા હતાં. ગઇકાલે પરત આવ્‍યા ત્‍યારે ચોરી થયાની જાણ થઇ હતી. તસ્‍કરો ઘરમાંથી સોનાનુ મંગળસુત્ર અને ચાંદીની જાંજરી મળી રૂા. ૩૦ હજારની મત્તા ચોરી ગયા હતાં. પીઆઇ બી. એમ. ભાર્ગવની રાહબરીમાં તપાસ શરૂ થઇ હતી. દરમિયાન ઘનશ્‍યામભાઇના પત્‍નિ બહારગામથી પરત આવતાં ખબર પડી હતી કે જે વસ્‍તુ ચોરી થયાનું જણાવાયું હતું તે ઘરમાંથી જ મળી ગઇ છે. તસ્‍કરોએ તાળા તોડી ખાખાખોળા કર્યા હતાં. પણ મોટી મત્તા હાથ લાગી નહોતી.

(2:59 pm IST)