Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

બોર્ડ ઓફ નોમીનીઝ-લવાદ કોર્ટ રાજકોટનો ઐતિહાસિક ચુકાદો

ધર્મનગર સોસાયટી સામેનો દાવો રદ કરી વાદી સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવા હુકમઃ લવાદ કોર્ટના જજ પી.કે.મકવાણાએ કડક અને હિંમતભર્યો ચુકાદો આપ્યોઃ ન્યાય તંત્રમાં દેર છે અંધેર નથી એ ઉકિતને સાર્થક કરીઃ આ કેસમાં પ્રતિવાદી સોસાયટી વતી અગ્રણી સીનીયર એડવોકેટ જે.ટી.ફડદુ અને ડી.ટી.ફડદુ રોકાયેલા હતા

રાજકોટ તા.૧૬  :. બોર્ડ ઓફ નોમીનીઝ લવાદ કોર્ટ રાજકોટ દ્વારા તાજેતરમાં એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. આ કેસમાં ધર્મનગર સોસાયટી સામેનો દાવો રદ કરી વાદી સામે ફોજદારી દાખલ કરવા કોર્ટના જ્જશ્રીએ હુકમ કર્યો છે.

આ કેસની હકીકત એવી છે કે, ઉષાબેન હિંમતલાલ કોઠારીએ સોસાયટીમાં આવેલ પ્લોટ નં. ૨૭ પોતાને ફાળવવા વિકલ્પે બીજો પ્લોટ આપવા વિકલ્પે જમીનની કિંમત મળવા ધર્મનગર સોસાયટી સામે ૧૯૯૮માં દાવો દાખલ કરેલ તે દાવો ચાલી જતા તા. ૧૧-૧-૨૦૧૮ના રોજ લવાદ કોર્ટના જજશ્રી પી. કે. મકવાણાએ કડક અને હિંમતભર્યો ચૂકાદો આપેલ. જેમાં વાદીનો દાવો રદ કરી પ્રતિવાદીઓને દશ દશ હજાર ખર્ચ આપવા હુકમ કરેલ. સાથો સાથ કોર્ટ સમક્ષ સત્ય હકીકત છુપાવી, ખોટી હકીકતનું નિરૂપણ કરવા અને દાવાના આધારમાં ખોટુ રેકર્ડ રજુ કરવા, ખોટી જુબાની આપતા કોર્ટનો તેના આધારે દુરૂપયોગ કરતા ફ્રોડ અને છેતરપીંડી સહિતના ગુન્હાઓ સબબ કોર્ટના સીનીયર કલાર્કે જે તે પોલીસ સ્ટેશનમાં ઈન્ડીયન પીનલ કોડની કલમ ૧૯૨, ૧૯૫, ૧૯૬ તથા ૨૦૯ હેઠળ ફરીયાદ દાખલ કરવા હુકમ કરેલ છે. આમ કોર્ટ કાર્યવાહીમાં ગુન્હાહીત કૃત્ય સબબ કોર્ટે તરફથી ફરીયાદ કરવા હુકમ કરી ન્યાયતંત્રની જાગૃકતાનું ઉદાહરણરૂપ નિર્ણય કરી ખૂબ જ મહત્વનો ચુકાદો આપેલ છે.

વાદી ઉષાબેન હિંમતલાલ કોઠારીએ તેના મુખત્યાર બીપીનભાઈ અનોપચંદ મારફત આ દાવો દાખલ કરેલ. દાવામાં પોતે ધર્મનગર સોસાયટીના સભ્ય હોવાનું અને તેમને પ્લોટ નં. ૨૭ ફાળવેલ છે તેમ જણાવી પ્લોટ નં. ૨૭ ફાળવણીના એલોટમેન્ટ પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ રજુ કરેલ. સોસાયટીએ વાદીના દાવા કથનનો ઈન્કાર કરેલ અને આવું પ્લોટ પ્રમાણપત્ર બનાવટી હોવાનું જણાવી વાદીએ ફ્રોડ-ફોર્જરી કર્યાની રજુઆત કરેલ. આ પ્રમાણપત્ર એફ.એસ.એલ. લેબોરેટરીમાં કોર્ટ મારફત મોકલાવેલ ત્યાંથી રીપોર્ટ આવેલ કે આ પ્રમાણપત્રમાં સોસાયટીની સહીઓ નથી. ફ્રોડ અને ફોર્જરીનો કિસ્સો છે. આ કેસમાં ધર્મનગર સોસાયટી-પ્રતિવાદીની દલીલો માન્ય રાખી વાદીનો દાવો રદ કરવા સાથે કોર્ટને ગેરમાર્ગે દોરવા સબબ કોર્ટે પોતાને મળેલ પાવર્સ હેઠળ વાદી સામે ફોજદારી ફરીયાદ દાખલ કરવા હુકમ કરતા સન્નાટો ફેલાઈ જવા પામેલ છે. આ કામમાં પ્રતિવાદી સોસાયટી વતી રાજકોટના સહકારી ક્ષેત્રના આગ્રહી સીનીયર એડવોકેટ જે.ટી. ફળદુ અને ડી.ટી. ફળદુ  રોકાયેલા હતા. કોર્ટ સાથે રમત રમનાર પક્ષકારને બોધપાઠ ભણાવતો ચુકાદો ૧૯ વર્ષે આવ્યો. ન્યાયતંત્રમાં દેર છે પણ અંધેર નથી તે ઉકિતને સાર્થક કરેલ છે. ન્યાય તંત્રની પ્રક્રિયામાં ખોટું કરનાર સામે લાલબત્તી ધરવામાં આવી છે.

જજે હુકમ કરતા કહ્યું હતુ કે, આથી વાદીનો દાવો નામંજુર યાને રદ કરવામાં આવે છે વાદીએ પોતાને દાવામાં થયેલ ખર્ચ જાતે ભોગવવો. વધુમાં એવો હુકમ કરવામાં આવે છે કે વાદી પ્ર. નં. ૧ ને વળતરરૂપી ખર્ચ રૂ. ૧૦,૦૦૦ તથા પ્ર.નં. ૨ ને પણ વળતરરૂપી ખર્ચ રૂ. ૧૦,૦૦૦ આ હુકમની તારીખથી એક માસમાં ચુકવી આપવા. વધુમાં એવો હુકમ કરવામાં આવે છે કે અત્રેની બોર્ડ ઓફ નોમિનીના સિનીયર કલાર્કશ્રીએ આ લવાદ કોર્ટ જે પોલીસ સ્ટેશનની હકુમતમાં આવતી હોય તે પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી.ની કલમ ૧૯૨, ૧૯૫, ૧૯૬ તથા ૨૦૯ હેઠળ આ ચુકાદાની ખરી નકલ મેળવી તે રજુ કરી ફરીયાદ દાખલ કરવી.

(11:51 am IST)