Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

માલધારી ફાટક નજીક બાવાજી યુવાનની રિક્ષાને આંતરી છરી બતાવી બે લુખ્ખાઓનો લૂંટનો પ્રયાસ

કોઠારીયા સોલવન્ટનો બાવાજી યુવાન પ્રફુલગીરી, તેનો ભાઇ શંકર, પત્નિ ધારા અને મામાની દિકરી ફિલ્મ જોઇ ઘરે જતા'તા ત્યારે આંતર્યાઃ ઝપાઝપી થતાં ધર્મેન્દ્ર ઉર્ફ ધમો અને કાળીયો લૂંટેલા ત્રણ મોબાઇલ ફેંકી ભાગી ગયાઃ આજીડેમ પોલીસે શોધખોળ આદરીઃ માથાકુટ થતાં ટોળુ ભેગુ થયું પણ કોઇ છોડાવવા વચ્ચે ન આવ્યું

રાજકોટ તા. ૧૬: લુખ્ખા-આવારા તત્વો ગમે ત્યારે ગમે ત્યાં કાયદાનું ઉલંઘન કરી રહ્યા છે. ગત રાત્રે દસેક વાગ્યે કોઠારીયા સોલવન્ટ નજીક ગોંડલ રોડ માલધારી ફાટક પાસે બાવાજી યુવાનની રિક્ષાને અન્ય રિક્ષામાં આવેલા બે લુખ્ખાઓએ આંતરી છરી બતાવી આ યુવાન તથા તેના ભાઇને માર મારી ત્રણ મોબાઇલ ફોન લૂંટી લીધા હતાં. ઝપાઝપી થતાં આ શખ્સો ત્રણ મોબાઇલ ફેંકીને ભાગી ગયા હતાં. આજીડેમ પોલીસે લૂંટના પ્રયાસનો ગુનો નોંધી તપાસ   હાથ ધરી છે.

જાણવા મળ્યા મુજબ કોઠારીયા સોલન્ટ હાઉસીંગ બોર્ડ કવાર્ટર પાસે ગણેશ પાર્ક-૩માં રહેતો અને રિક્ષા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો પ્રફુલગીરી પંકજગીરી ગોસ્વામી (ઉ.૨૪) નામનો બાવાજી યુવાન તથા તેના પત્નિ ધારા (ઉ.૨૨), નાનો ભાઇ શંકરગીરી (ઉ.૧૮) અને મામા રાજેશભાઇની દિકરી પાયલ (ઉ.૧૭) એમ ચાર જણા ગઇકાલે સાંજે પોતાની જીજે૨૩યુ-૯૩૩૦ નંબરની સીએનજી રિક્ષા લઇ રાજેશ્રી સિનેમામાં ફિલ્મ જોવા આવ્યા હતાં. રાત્રે ફિલ્મ જોઇ ઘરે જવા નીકળ્યા ત્યારે દસેક વાગ્યે ગોંડલ રોડ ચોકડીથી આગળ માલધારી ફાટક પાસે પહોંચતા આગળ બીજી એક રિક્ષા નં. જીજે૧બીયુ-૪૫૩૯ જતી હતી. તેણે રિક્ષા ધીમી પાડતાં પ્રફુલગીરી સાઇડ કાપી આગળ નીકળી ગયો હતો.

આથી બીજી રિક્ષાના ચાલકે રાડ પાડી ઉભી રાખવાનું કહેતાં પ્રફુલગીરીએ રિક્ષા ઉભી રાખતાં તેમાં બે શખ્સો દિનદયાળ આવાસ કવાર્ટરનો ધર્મેન્દ્ર ઉર્ફ ધમો અને કાળીયો બેઠા હોઇ તેણે ગાળાગાળી કરી રિક્ષા ભગાડી કેમ દીધી, ઉભી કેમ ન રાખી? કહી છરી બતાવી પ્રફુલગીરી, તેના પત્નિ અને ભાઇ શંકરના હાથમાંથી મોબઇાલ ફોન ઝૂંટવી લીધા હતાં. ઝપાઝપી થતાં ત્રણેય ફોન રોડ પર પડી જતાં તૂટી ગયા હતાં. ધમો અને કાળીયાએ ભારે બથંબથી કરી ઢીકા-પાટાનો માર માર્યો હતો. દેકારો મચી જતાં લોકોનું ટોળુ ભેગુ થઇ ગયું હતું. પરંતુ કોઇ છોડાવવા આગળ આવ્યું નહોતું. બાદમાં બંને શખ્સ રિક્ષામાં બેસી ભાગી ગયા હતાં. બંને ભાઇ પ્રફુલગીરી અને શંકરને મુંઢ ઇજાઓ થઇ હોઇ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

આજીડેમ પોલીસ મથકમાં ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ જાણ કરતાં પી.એસ.આઇ. ડી. બી. ગઢવી અને સ્ટાફે પ્રફુલગીરીની ફરિયાદ પરથી ધમો તથા કાળીયા સામે આઇપીસી ૩૯૪, ૫૦૪, ૧૧૪, ૧૩૫ મુજબ લૂંટના પ્રયાસનો અને મારામારીનો ગુનો નોંધી ભાગી છૂટેલા બંનેની શોધખોળ હાથ ધરી છે. અગાઉ પણ આ શખ્સો વાહન ચોરી, મુસાફરોને રિક્ષામાં બેસાડી લૂંટ સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયાનું પોલીસ સુત્રોએ કહ્યું હતું.

(10:45 am IST)