Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

રાજકોટમાં પુનઃ જૂની પરંપરા જીવંત બની : ‘બેઠો જમણવાર...'

રાબડીયા પરિવારે આજના બુફેના જમાનામાં જૂનો ચીલો પુનર્જિવીત કર્યો : પલોઠી મારી, નીચે બેસી જાનને અભૂતપૂર્વ પ્રેમથી જમાડી : ગાદી - બાજોઠનો ઉપયોગ : જાનનું સ્‍વાગત અનાનસ - જામફળ - હાથલા થોરના જાતે બનાવેલ જ્‍યુસથી કર્યુ : વરાળીયુ પીવડાવ્‍યુ : એલ્‍યુમિનિયમનો વપરાશ ટાળ્‍યો : ૫૦ કિલો દેશી ગાયનું ઘી વાપર્યુ : વલોણા પદ્ધતિથી છાશ બનાવી : તેમના ઘરમાં ટીવી નામનો શખ્‍સ પ્રવેશી શકયો નથી : સંયુકત પરિવારમાં ૧૪ સભ્‍યો આજે પણ સાથે રહે છે : કોઈને કોઈ જાતનું વ્‍યસન નથી : ન્‍યુઝ પેપર તેમના ઘરમાં આવતુ નથી : ચા - કોફી - ફટાકડા - પ્‍લાસ્‍ટીકના વાસણો- અખાદ્ય પદાર્થોનો ઉપયોગ ન થાય તેની કાળજી લીધી

 આજના જમાનામાં ઘણા નવયુવાનોને તો ખબર પણ નહિ હોય કે લગ્નપ્રસંગોમાં કે પછી બીજા કોઈ સારા પ્રસંગોપાત ક્‍યાય જમવા જવાનું હોય તો ત્‍યાં નીચે બેસીને પણ જમવાનું હોય....!!! અને ઘણાને તો એ પણ ખબર નહિ હોય કે નીચે બેસીને પણ જમી શકાય....!!!! પણ રાજકોટનાં એક પરિવારે આજના જમાના ની વિરૂદ્ધ ચાલીને આમ નવો પણ આમ પરંપરાગત બહુ જુનો ચીલો પાડવાની કોશિષ કરી છે.... રાબડીયા પરિવાર... આ એક એવો પરિવાર છે કે જે આજના યુગમાં પણ સંયુક્‍ત પરિવારમાં રહેવાનું માને છે શંભુભાઈ રાઘવભાઈ રાબડીયા  ૩ પુત્રોનાં પરિવારનાં ૧૪ સભ્‍યો આજે પણ એક સાથે રહે છે....આ પરિવાર માં આજે પણ કોઈને કોઈ જાતનું વ્‍યસન નથી... આજની તારીખે એમના ઘરમાં ટેલીવીઝન નામનો રાક્ષસ પ્રવેશ નથી કરી શક્‍યો....કોઈ ન્‍યુજપેપર (છાપું) પણ નથી આવતું એમના ઘરે.... ૨૬ નવેમ્‍બરે પરિવારના મોટા ભાઈ રાજેશભાઇનાં દીકરા મૌલિકનાં લગ્ન હતા અને ૨૭ તારીખે સત્‍કાર સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું.... આ નિમિતે ગૌમાતા અને આયુર્વેદને પ્રાધાન્‍ય આપનાર શ્રી ગૌશાળા અને ઔષધાલયના વિજયભાઈ રાબડીયા સહિત ત્રણે ભાઈઓ રાજેશભાઇ વિજયભાઈ સંજયભાઈ દ્વારા આખા પ્રસંગને શુદ્ધ અને સાત્‍વિક રાખવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો.... સમગ્ર લગ્નપ્રસંગ અને સત્‍કાર સમારોહ દરમિયાન ક્‍યાંય પણ ચા-કોફી-ફટાકડાં-પ્‍લાસ્‍ટિક નાં વાસણો-અખાદ્ય પદાર્થો-વગેરે નો ઉપયોગ ન થાય એનું સંપૂર્ણ ધ્‍યાન રાખવામાં આવ્‍યું હતું... સત્‍કાર સમારોહ નિમિતે જમણવાર માં જે લોકો રસોઈ બનાવતા હતા તેઓ પણ રસોઈ બનાવતી વખતે કોઈ જાતનું વ્‍યસન ન કરવુ તે રસોઈ કરનારે સ્‍વીકાર્યું હતું  રસોઈ બનાવવાનું પણ કોઈ કેટરિંગ સર્વિસને કહેવામાં નહોતું આવ્‍યું... અલગ અલગ વાનગીઓના અલગ અલગ જાણકારો દ્વારા જ રસોઈ બનાવવામાં આવી હતી... રસોઈ બનાવવાના વાસણો સહિત જમવાના થાળી વાટકા ગ્‍લાસ સહિત બધું ખાસ અમદાવાદ જૈન સમાજમાંથી લાવવામાં આવેલ હતું... જમવાનાં વાસણમાં થાળી વાટકા ગ્‍લાસ એ બધું કાંસાનું અને રસોઈ બનાવવામાં કલી કરેલા પિતળનાં વાસણોનો ઉપયોગ કરેલ હતો... એલ્‍યુમીનીયમનો ઉપયોગ કોઈ પણ જગ્‍યાએ કરેલ નહોતો....આવેલ મહેમાનોનું સ્‍વાગત જાતે જ બનાવેલ જયુસથી કરવામાં આવ્‍યું હતું જેમાં જામફળ- અનાનસ અને હાથલા થોર ના ફીંડલા નો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો.. હાથલા થોરનાં ફીંડલા પણ જાતે જ તોડીને લાવવામાં આવેલ હતા... જમવામાં સ્‍ટાર્ટર તરીકે આજે લોકો જાતજાતનાં સૂપનો ઉપયોગ કરે છે પણ રાબડીયા પરિવાર દ્વારા જમ્‍યા પહેલા બધા લીલા શાકભાજીને બાફીને બનતું વરાળિયું પીવડાવવામાં આવ્‍યું હતું કે જે ભૂખ ઉઘાડે છે... તેમાં આદું-લસણ અને લીલાં શાકભાજી નો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો... એ પછી જમણવાર વ્‍યવસ્‍થામાં સંપૂર્ણ ભારતીય બેઠક એટલે કે ગાદી અને બાજોટનો ઉપયોગ કર્યો હતો જે પણ ખાસ અમદાવાદ થી જ મંગાવવામાં આવ્‍યા હતા... આયુર્વેદ પ્રમાણે પણ નીચે પલાઠી વાળી ને જ જમવા બેસવા નું સૂચન કરવામાં આવ્‍યું છે....જે સ્‍વાસ્‍થ્‍ય માટે ઘણું લાભકારક છે... બધા મેહમાનોને નીચે ગાદી પર બેસાડીને પરિવારનાં સભ્‍યો અને મિત્રવર્તુળ દ્વારા તેઓને જમવાનું ભાવપૂર્વક પીરસવામાં આવ્‍યું હતું... અને ભોજન મંત્ર બોલ્‍યા પછી જ ભોજન ચાલુ થાય એવો આગ્રહ રખાયો હતો.... જમવાનું પણ એકદમ સાદું અને સ્‍વાસ્‍થ્‍યવર્ધક રાખવામાં આવેલું હતું... જેમાં બાજરાના રોટલાં - રોટલી - રીંગણાનો ઓળો - ઊંધિયું - ભજીયા - ઢોકળાં - દાળ - ભાત - પાપડ - સલાડ - મસાલા છાશ અને બે દેશી મીઠાઈ જેમાં દેશી ગોળનો ઉપયોગ થયેલી સુખડી અને કાજુનો મેસુબનો સમાવેશ કરેલ હતો.... જમણવારમાં લગભગ ૫૦ કિલો જેટલું દેશી ગીર ગાયનું વલોણાંનું ઘી જ ઉપયોગ માં લેવામાં આવ્‍યું હતું... શક્‍ય એટલા ગૌ આધારિત ખેતીથી બનેલા શાકભાજીનો ઉપયોગ થાય એનું ધ્‍યાન રાખવામાં આવ્‍યું હતું.... છાશ પણ ખાસ કરીને ભુજનાં ચેતનભાઈ સોમપુરા દેશી ગાયનાં દૂધનાં દહીંમાંથી વલોણાં પદ્ધતિથી બનાવીને લાવેલ હતા.... અંદાજે ૧૦૦૦ મેહમાનોનો આ જમણવાર સંપૂર્ણ ભારતીય અને આયુર્વેદિક પદ્ધતિથી ઉજવીને રાબડીયા પરિવારે સમાજને એક અનોખો માર્ગ દેખાડ્‍યો છે કે જે આપણને આપણા સારા સ્‍વાસ્‍થ્‍ય તરફ અને સંસ્‍કૃતિ તરફ વાળે છે....

 

:: સૌજન્‍ય ::

પ્રશાંત પંડયા

(સોશ્‍યલ મીડિયામાંથી સાભાર)

(ગ્રુપ પ્રેસીડેન્‍ટ - કોર્પોરેટ અફેર્સ અને બિઝનેસ એકસેલન્‍સ : સિન્‍ટેકસ) (મો.૯૯૦૯૯ ૦૮૫૮૫)

(4:55 pm IST)