Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

અજયના ભાઇને પરમ દિ' અજૂભાએ ફોન કરી કહેલું-અજયને જીવતો જોવો હોય તો માધાપર ચોકડીએ આવો

રોણકીના અજય કોળીને પ્રેમિકાના ભાઇ અજુભા ઝાલાએ સહિતે પતાવી દીધાનું ખુલ્યું: શકમંદોની પુછતાછ : પરિવારજનો ચોકડીએ ગયા પણ અજય કે અજુભા કોઇ ન મળતાં શોધખોળ કરી ને ગઇકાલે અજયની લાશ મળી

રાજકોટ તા. ૧૫: ગઇકાલે કુવાડવા રોડ સાત હનુમાન પાછળ સોખડા-નાકરાવાડી વચ્ચે સિકોતર માતાજીના મંદિર પાસેથી રોણકીના કોળી યુવાન અજય રણછોડભાઇ ડાભી (ઉ.૨૭)ની હત્યા કરાયેલી લાશ મળી હતી. ક્રાઇમ બ્રાંચ અને કુવાડવા રોડ પોલીસની તપાસમાં હત્યા મુળ વિરમગામ દશાળાના અને હાલ રોણકીમાં ભાગમાં વાડી વાવતા અજુભા સતુભા ઝાલા અને તેની સાથેના માણસોએ કરી હોવાનું ખુલતાં ગુનો નોંધી અજુભા સહિતનાની શોધખોળ થઇ રહી છે. એવી વિગતો પણ ખુલી છે કે કોળી યુવાનને અજુભાની બહેન સાથે પરિચય બાદ પ્રેમ થયો હતો. અજુભાને આ પ્રેમસંબંધ મંજૂર ન હોઇ કાવત્રુ ઘડી અજયને બુધવારે રાત્રે કોઇપણ રીતે બોલાવી હત્યા બાદ લાશ રોણકી પાસે ફેંકી દીધાનું  બહાર આવ્યું છે. પોલીસે અજુભા સાથે સંપર્ક ધરાવનારાઓને સકંજામાં લઇ પુછતાછ આદરી છે.

કુવાડવા પોલીસે બનાવ અંગે હત્યાનો ભોગ બનનાર અજયના ભાઇ લાલજી રણછોડભાઇ ડાભી (ઉ.૩૪)ની ફરિયાદ પરથી અજુભા ઝાલા અને સાથેના શખ્સો સામે આઇપીસી ૩૦૨, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. લાલજીએ જણાવ્યું છે કે રોણકીમાં મારી ત્રણેક વિઘા જમીન છે જેમાં હું ખેતી કરુ છું. અમે ચાર ભાઇઓ અને છ બહેનો છીએ. અજય આઠમા નંબરે હતો. હું અલગ રહુ છું અને બાકીના ભાઇઓ તથા પિતા રોણકીમાં એક ઓસરીએ રહે છે. અજય કુંવારો હતો અને છોટાહાથીના ફેરા કરતો હતો.

બુધવારે રાત્રે નવેક વાગ્યે હું વાળુપાણી કરીને બેઠો હતો ત્યારે ફોન ફોન આવેલ અને ફોન કરનારે કહેલ કે અમારે અને અજયને માથાકુટ થઇ છે, હું અજુભા બોલુ છું. તું અજયનો ભાઇ બોલે છે? તેમ પુછતાં મેં હા પાડી હતી. બાદમાં અજુભાએ કહેલ કે અજયને અમે માર માર્યો છે, તેને જીવતો જોઇતો હોય તો માધાપર ચોકડીએ આવ અને તેને લઇ જા. બાદમાં તેણે ફોન કાપી નાંખ્યો હતો. જેથી મેં નાના ભાઇ વિજયને વાત કરી હતી. થોડીવાર બાદ ફરીથી ફોન આવ્યો હતો અને અજુભાએ કહેલ કે હવે દ્વારકાધીશ પંપે આવજો. બાદમાં મેં ફઇની દિકરીના પતિ જીતુભાઇને વાત કરી હતી. અમે બધા અજયને શોધવા બાઇક લઇને દ્વારકાધીર પંપ પાસે ગયા હતાં. પણ ત્યાં અજય કે અજુભા મળ્યા નહોતાં. ફોન કરતાં અજુભાએ હમણા જ આવીએ છીએ તેમ કહેલ. પણ લાંબો સમય સુધી ન આવતાં ફરી ફોન કરતાં તેનો ફોન બંધ જણાયો હતો.

બીજા દિવસે એટલે કે ગઇકાલે ગુરૂવારે પોલીસે અમને ફોન કરી અમારા ભાઇ અજયની લાશ સોખડા ગામની સીમમાંથી મળ્યાની જાણ કરી હતી. અજુભાએ જ કોઇપણ સ્થળે મારા ભાઇને બોલાવી ઝઘડો કરી અન્ય શખ્સો સાથે મળી બોથડ હથીયારથી માર મારઇ હત્યા નિપજાવી છે.

લાલજીભાઇની ઉપરોકત વિગતો પરથી ક્રાઇમ બ્રાંચની ટૂકડી અને કુવાડવાના પી.આઇ. એ.આર. મોડીયા, પી.એસ.આઇ. ઝાલા, એએસઆઇ હીરાભાઇ રબારી, હિતેષભાઇ ગઢવી, પ્રકાશભાઇ વાંક, સલિમભાઇ, મનિષભાઇ, વિજેન્દ્રસિંહ સહિતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન ક્રામઇ બ્રાંચના પી.એસ.આઇ. કે. કે. જાડેજા અને ટીમે અજુભાના કેટલાક પરિચીતોને ઉઠાવલ લઇ પુછતાછ કરતાં એવી વિગતો ખુલી છે કે અજય કોળીને અજુભાની બહેન સાથે આંખ મળી ગઇ હોઇ વાત હત્યા સુધી પહોંચી હશે. જો કે અજુભા પકડાયા બાદ વધુ વિગતો ખુલશે.

(1:07 pm IST)