Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

સોના-ચાંદીના પાંચ વેપારી સાથે ૩૩ લાખની ઠગાઇ

અમદાવાદમાં દૂકાન ધરાવતાં રાજકોટના મુકેશ કલાડીયા, મહેશ જીંજુવાડીયા, રાકેશ વાગડીયાએ ધૂંબો માર્યોઃ ઉઘરાણી કરતાં તેના પાર્ટનર રાજપાલ ઉર્ફ કવલાએ ખૂનની ધમકી દીધી : નરોત્તમભાઇ પટેલ, રમેશભાઇ ગઢીયા, આશિષભાઇ પડીયા, સૈફુલભાઇ અને યુસુફભાઇ શેખ પાસેથી સોના-ચાંદીનો માલ મેળવી દાગીના પણ ન અપાયા અને મજૂરીના પૈસા પણ ન દીધાઃ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧૫: શહેરમાંસોના-ચાંદીના દાગીના બનાવવાનું કામ કરતાં પાંચ વેપારીઓ પાસેથી મુળરાજકોટના અને અમદાવાદમાં દૂકાન ધરાવતાં ત્રણ શખ્‍સોએ સોના-ચાંદીનો માલ મેળવી તેના પૈસા ન ચુકવી તેમજ વેપારીઓને મજૂરીના પૈસા પણ ન આપી કુલ રૂા. ૩૨,૯૮,૫૩૫ની ઠગાઇ કરતાં મામલો પોલીસમાં પહોંચતા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

બી-ડિવીઝન પોલીસે રૈયા રોડ ગુલમહોર રેસિડેન્‍સી બ્‍લોક નં. ૨૯માં રહેતાં -ને કુવાડવા રોડ પર ડી માર્ટ સામે મુરલીધર સિલ્‍વર (પટેલ ટ્રેડિંગ) નામથી સોના-ચાંદીના દાગીના બનાવવાની દૂકાન ધરાવતાં નરોત્તમભાઇ લવજીભાઇ રંગાણી (ઉ.૪૩) નામના પટેલ યુવાનની ફરિયાદ પરથી મુકેશ મનસુખલાલ કલાડીયા, મહેશ ચંપકલાલ જીંજુવાડીયા (રહે. શ્રધ્‍ધા પાક-૧ અટીકા શ્‍યામ હોલ સામે), રાજેશ બાલકૃષ્‍ણ વાગડીયા (રહે. કાપડીયા એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૨, હાથીખાના રોડ) તથા રાજપાલ જાડેજા સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધ્‍યો છે.

નરોત્તમભાઇ પટેલે ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારે સોના-ચાંદીનું કામ હોઇ જેથી મુકેશ કલાડીયા, મહેશ જીંજુવાડીયા અને રાકેશ વાગડીયા સાથે પરિચય થયો હતો. તેઓની દૂકાન અમદાવાદ ખાતે ઠાકોર જ્‍વેલર્સ ૨૦૨ બાલાજી કોમ્‍પલેક્ષ નવરંગ સ્‍કૂલ સામે ૬ રસ્‍તા પર છે. અમે તેને અવાર-નવાર સોના-ચાંદીના દાગીના બનાવી આપતા હતાં. ૨૧/૪/૧૭ના રોજ મુકેશના કહેવાથી રાકેશ વાગડીયા આવેલ અને ૪૪૪૨ ગ્રામ ચાંદીના દાગીના રૂા. ૧,૭૭,૬૮૦ના લઇ ગયેલ. બાદમાં ૨૭/૪ના ૯૫૧૯ ગ્રા સાંદીના દાગીના રૂા. ૩,૮૦,૬૪૦ મુકેશભાઇ ઠાકોર જ્‍વેલર્સ વાળાના કહેવાથી પટેલ ટ્રેડિંગમાં અમૃતલાલ કાંતિલાલની આંગડીયા પેઢી મારફત મોકલ્‍યા હતાં.

ત્‍યાર પછી ૨૯/૪ના રોજ ૨૦૭૨ ગ્રામ ચાંદીના રૂા. ૮૨૮૮૦ના દાગીના પણ કુરીયરથી મોકલ્‍યા હતાં. તેમજ અમારી મજૂરીના રૂા. ૭૮૧૪ લેવાના બાકી હતાં. કુલ ૬,૨૯,૦૧૪ અમારે તેની પાસેથી લેવાના થતાં હોઇ અવાર-નવાર અમે ઉઘરાણી કરતાં હોઇ તે બહાના બતાવી દેતાં હતાં. રાકેશને ફોન કરતાં તેણે કહેલ કે અમારા પાર્ટનર રાજપાલ જાડેજા ઉર્ફ કવલો સોની પાસેથી તમને ચેક મળી જશે. અમે રાજપાલને ફોન કરતાં તેણે કોૈશિકભાઇના નામનો ૬,૫૦,૦૦૦નો ચેક આપ્‍યો હતો. પરંતુ તે તપાસ કરતાં બેલેન્‍સ નહોવાનું જણાયું હતું. તેની રાજપાલને જાણ કરતાં તેણે મારી નાંખવાની ધમકી આપી હતી અને પૈસા નહિ મળે તેમ કહી દીધુ હતું.

ત્‍યાર બાદ મને જાણવા મળેલ કે આ ચારેયએ રમેશભાઇ લાધાભાઇ ગઢીયા  સાથે રૂા. ૮,૬૩,૪૬૦ની ઠગાઇ, આશિષ ભરતભાઇ પડીયા સાથે રૂા. ૨,૩૫,૧૨૮ની, સૈફુલભાઇ ઇસ્‍લામભાઇ સાથે રૂા. ૧૦,૭૬,૬૬૧ની ઠગાઇ, યુસુફભાઇ શેખ સાથે રૂા. ૪,૯૪,૨૭૨ની ઠગાઇ કરી અમારા બધા સાથે કુલ રૂા. ૩૨,૯૮,૫૩૫ની ઠગાઇ કરી છે. આથી અમે પોલીસને જાણ કરી છે. પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં પી.એસ.આઇ. આર. એસ. પટેલ અને સ્‍ટાફે વધુ તપાસ હાથ ધરી છે.

(11:45 am IST)