Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કોવિડના કોરોના વોરિયર્સના આરોગ્યની સરકારને સતત ચિંતાઃ દરરોજ અપાય છે પોષણયુકત આહાર

માનસિક ટ્રેસ વચ્ચે દરરોજ વર્ગ ૧ થી ૪ના ૧૮૦૦થી વધુ કર્મીઓને મળે છે સારો અને સાત્વીક આહારઃ એનર્જેટિક જ્યુસ, લેમન જ્યુસ, પાણીની બોટલ, છાશ, બિસ્કીટની કિટ

રાજકોટ તા. ૧૪ : કોરોનાની મહામારીના સમયમાં આપણે મોઢે માસ્ક બાંધીને આપણી ફરજ બજાવતા હોય કે ઘરના કામ સબબ બહાર નીકળ્યા હોય તો પણ માત્ર થોડાક કલાકો જ મોઢે માસ્ક બાંધ્યું હોવા છતાં પણ આપણે કંટાળી જઈએ છીએ, માનસિક રીતે થાકી જઈએ છીએ. તો વિચારો આપણા જ લોકોની સેવામાં પી.પી.ઇ. કીટ પહેરીને કે હાથમાં ગ્લોઝ અને મોઢે માસ્ક બાંધી કોરોનાગ્રસ્ત દર્દીઓ વચ્ચે સતત તેમની સંભાળ રાખી રહેલા આપણા જ પરિવાર સમા તબીબો અને આરોગ્ય કર્મીઓની હાલત શું થતી હશે ? સતત આઠ - આઠ કલાકથી પણ વધારે સમય આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે જ રહી દર્દીઓના આરોગ્યની સંભાળ રાખવી એ બહુ કઠિન બાબત છે. તેમ છતાં પણ પોતાના આરોગ્યની ચિંતા કર્યા વિના નિસ્પૃહ ભાવે પોતાનું કાર્ય કરી રહેલા રાજકોટની કોવીડ હોસ્પિટલના આવા ફ્રન્ટ લાઇન કોરોના વોરીયર્સ એવા આરોગ્ય કર્મીઓના આરોગ્યની ચિંતા પણ રાજય સરકારે કરી છે, અને તેના કારણે આજે આ હોસ્પિટલમાં ત્રણ શિફટમાં ફરજ બજાવી રહેલા વર્ગ ૧ થી ૪ સુધીના અંદાજે ૧૮૦૦ થી વધુ આરોગ્ય કર્મીઓને મળી રહ્યો છે, શુદ્ઘ સાત્વિક આહાર.

હા ! આ વાત તદ્દન સાચી છે. આજે રાજકોટની કોવિડ હોસ્પિટલમાં પ્રત્યેક શિફટમાં પોતાની ફરજ માટે આવતા આરોગ્ય કર્મીઓને ફૂડ બાસ્કેટની સાથે મળી રહ્યો છે ગરમા ગરમ નાસ્તો.

રાજકોટ કોવિડ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગના નોડલ અધિકારી ડો ગોપી મકવાણા કહે છે કે, આ હોસ્પિટલમાં કામગીરી માટે આવતાં વર્ગ ૧ થી ૪ ના તમામ આરોગ્યના અધિકારી-કર્મચારીઓપી.પી.ઇ. કીટપહેરી તેમનું કાર્ય કરી રહ્યા હોય છે, તેવા સમયે તેમને ડિહાઇડ્રેશન ન થાય અને સુપોષિત રહે તે માટે રાજય સરકારે તેમની ચિંતા કરી તેમના માટે પોષણક્ષમ આહારની ખાસ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી છે. જે અન્વયે આ અધિકારી - કર્મચારીઓને તેમની ફરજ પહેલા ગરમ નાસ્તો આપવામાં આવે છે, તથા તેમની ફરજ મુજબ વોર્ડમાં જતા પહેલા ફૂડ બાસ્કેટ પણ આપવામાં આવે છે. જેમાં એક એનર્જેટિક જયુસ, લેમન જયુસ, પાણીની બોટલ, અમુલ મસ્તી છાશ અને એક બિસ્કિટનું પેકેટ આપવામાં આવે છે. જે તેઓ તેમની સાથે વોર્ડમાં સાથે લઈ જઈ શકે છે.

કોરોનાની મહામારીના કારણે કામનું ભારણ વધી ગયું હોવાથી કોવિડની કામગીરી માટે અહીં આવતા આરોગ્યના આ તમામ લોકોને તેમના ફરજના સમય દરમ્યાનની ભોજન - પાણીની ચિંતા ન રહે તે માટે તારીખ ૧ લી સપ્ટેમ્બરથી આ અભિયાન રૂપી કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, તેમ જણાવતા ડોકટર ગોપી વધુમાં ઉમેરે છે કે, માણસનું પોતાનું પેટ જો ભરેલું હશે તો તેને એનર્જી મળી રહેશે અને તેના કારણેપી.પી.ઇ. કીટપહેરીને પણ તે દર્દીઓની વધુ સારી સારવાર કરી શકશે અને થાકશે પણ નહીં. આજે જયારે ડોકટર, પેરામેડિકલ સ્ટાફ, નર્સ, સર્વન્ટ, સ્વીપર્સ એક પરિવારની જેમ કાર્ય કરી રહ્યા છે, તો તેમનું ધ્યાન રાખવું એ પણ આપણી ફરજ બને છે. અને તેથી જ આ કોવિડ હોસ્પિટલમાં દરરોજ ૧૭૦૦ થી ૧૮૦૦ ફૂડ પેકેટ અને ૧૦૦૦ જેટલા લોકો માટે ગરમ નાસ્તો બનાવવામાં આવે છે. આ નાસ્તો શુધ્ધ અને પોષણયુકત હોય તેની સાથોસાથ સારી ગુણવત્તાવાળો હોય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

:: આલેખન ::

હેતલ દવે

માહિતી ખાતુ, રાજકોટ

(2:45 pm IST)