Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

રાજકોટ મનપા સંચાલિત 3 અંગ્રેજી માધ્યમની શાળાઓમાં 75 બેઠકો માટે 700 કરતાં વધુ એડમિશન માટે અરજી

એડમિશનની આશા લઈને બેઠેલા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા ; ડ્રો મારફતે એડમિશન આપવા માટે વિચારણા

રાજકોટ :કોરોનાની બીજી લહેરમાં કેસ ઓછા થતા શાળાઓમાં નવા એડમિશનની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે રાજકોટમાં મનપા સંચાલિત 3 જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પણ એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજકોટ મનપા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ તમામ પ્રક્રિયાઓ કરવામાં આવી રહી છે. જેમાં કુલ 75 બેઠકો માટે 700 કરતાં વધુ એડમિશન માટેની અરજીઓ આવી છે. ઓછી જગ્યામાં વધુ અરજીઓ આવતા હવે એડમિશનની આશા લઈને બેઠેલા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

   રાજકોટમાં મનપા સંચાલિત ત્રણ જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓ આવી છે. આ ત્રણેય શાળામાં મળીને કુલ 75 બેઠકો ખાલી છે, જેને લઇને શાળામાં નવા એડમિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે વાલીઓ પણ મોટા પ્રમાણમાં પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની સરકારી શાળામાં એડમિશન પણ મળે તે માટે નગર શિક્ષણ પ્રાથમિક કચેરી ખાતે દોડી આવ્યા હતા અને ફોર્મ ભરતા જોવા મળ્યા હતા. આ શાળામાં એડમિશન માટે 700 કરતાં વધુ વાલીઓએ અરજીઓ કરી છે.

  રાજકોટમાં અલગ-અલગ વિસ્તારમાં ત્રણ જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓ મહાનગરપાલિકા સંચાલિત છે. આ ત્રણ શાળાઓમાં સાધુ વાસવાણી રોડ ઉપર આવેલી રવિન્દ્રનાથ ટાગોર વિદ્યાલય, વાણિયાવાડીની કવિ નર્મદ સ્કૂલ અને દૂધની ડેરી રોડ ઉપરની હોમી ભાભા સ્કૂલનો સમાવેશ થાય છે. આ ત્રણેય શાળાઓ હાલ ખાનગી સ્કૂલની રાહબરી હેઠળ કાર્યરત છે, ત્યારે વિનામૂલ્યે અંગ્રેજી શિક્ષણ આ શાળાઓમાં આપવામાં આવે છે. જેને લઇને મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોના એડમિશન માટે કચેરી ખાતે દોડી આવ્યા હતા.

(11:03 pm IST)