Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

શુક્રવાર સુધી ઠંડીનો રાઉન્ડ, બાદમાં ઘટશે

૧૫મી સુધી પારો ગગડશે : ૧૬મીથી મહત્તમ - ન્યુનતમ તાપમાનમાં ક્રમશઃ વધારો થશેઃ ૨૦મીએ ફરી આંશિક ઘટાડોઃ હાલ ઝાકળની શકયતા નથીઃ અશોકભાઈ પટેલ : જમ્મુ - કાશ્મીરમાં આગામી ૪૮ કલાક ભારે હીમવર્ષાની આગાહી : હિમાચલ પ્રદેશ, જમ્મુ - કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા : પહાડી વિસ્તારમાં હિમવર્ષાને લીધે ઠંડીમાં વધારો

 

રાજકોટ, તા. ૧૩ : છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હાલ તો હજુ બે દિવસ ઠંડીનો રાઉન્ડ ચાલુ રહેશે. ત્યારબાદ ક્રમશઃ ફરીથી તાપમાનમાં વધારો જોવા મળશે. જો કે ૨૦મીએ ફરી આંશિક ઘટાડો થશે. હાલ તો ઝાકળની કોઈ શકયતા ન હોવાનું વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે ગત ૭મીના ૧૪મી સુધીની આગાહી આપેલી. જેમાં ૯મી સુધીમાં તાપમાન ઉંચુ થઈ જશે. જે અનુસંધાને મહત્તમ - ન્યુનતમ તાપમાન ઉંચુ ગયુ હતું. ત્યારબાદ ૧૧થી મહત્તમ તાપમાન ઘટશેે. તે અંતર્ગત તાપમાનમાં ઘટાડો જોવા મળેલ. તા.૧૨ થી ૧૫ ન્યુનતમ મહત્તમ તાપમાન ઘટી જશે. આજે સવારે ૧૩મીએ રાજકોટ ૧૨.૯ ડિગ્રી (નોર્મલથી ૧ ડિગ્રી નીચુ) ગઈકાલે મહત્તમ ૨૭.૪ (નોર્મલથી ૨ ડિગ્રી નીચુ), અમદાવાદ ૧૧.૪ (નોર્મલથી ૨ ડીગ્રી નીચુ), ગઈકાલે મહત્તમ ૨૭.૨ (નોર્મલથી ૨ ડિગ્રી નીચુ), અમરેલી ૧૦.૮ ડીગ્રી (નોર્મલથી ૨ ડિગ્રી નીચુ), મહત્તમ ૨૭.૮ ડિગ્રી (નોર્મલથી ત્રણ ડિગ્રી નીચુ) નોંધાયેલ. સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં નલીયા ૭.૮ ડિગ્રી (નોર્મલથી ૫ ડિગ્રી નીચુ) છે. અગાઉ આપેલી માવઠાની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં છાંટાછૂટી થયેલ. તા.૧૩ થી ૨૦ (બુધથી બુધ) દરમિયાન હાલમાં ઠંડીનો રાઉન્ડ તા.૧૫ સુધી રહેશે. તા.૧૬ના ફરી મહત્તમ - ન્યુનતમ તાપમાનમાં આંશિક વધારો જોવા મળશે. ૧૬મીએ નોર્મલ તરફ જશે અને ૧૭મીથી ૧૯ ફરી બંને તાપમાન નોર્મલથી ઉંચુ થઈ જશે. જો કે ૨૦મીએ ફરી આંશિક ઘટશે. ૧૬મી સુધી શિયાળુ પવન, ૧૭ થી ૨૦ પૂર્વોત્તર પવન ફૂંકાશે. ઝાકળની શકયતા હમણા નથી.

(3:59 pm IST)