Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

પીસ ઓફ માઇન્ડ દ્વારા શિક્ષણ-સેવા પ્રોજેકટ

સિંગાપુર-યુકે (લંડન)ના છાત્રો દ્વારા વિવિધ સંસ્થાઓમાં કાર્યક્રમોઃ સમણ શ્રુતપ્રજ્ઞજીની પ્રેરણા-માર્ગદર્શન

રાજકોટ તા.૧૩ : સમણ શ્રુતપ્રજ્ઞજી દ્વારા સ્થાપિત પીસ ઓફ માઇન્ડ સંસ્થા દ્વારા રાજકોટમાં આગામી તા.૧૭ થી તા.ર૩ ડિસેમ્બર દરમિયાન સેવા-શિક્ષણ પ્રોજેકટનું આસ્થા અન્વયે યંગ જૈન સિંગાપુર અને યંગ જૈન મુદે સંસ્થાઓમાંથી નવ છાત્રો-છાત્રાઓ રાજકોટ આવી રહ્યા છે. જેમાં ૭ યુવતીઓ અને બે યુવાનોનો સમાવેશ થાય છે.

સમણ શ્રી શ્રુતપ્રજ્ઞજીએ જણાવ્યુ હતુ કે, તા.૧૭ થી તા.ર૩ દરમિયાન યુકે-સિંગાપુરની આ ટીમ વિવિધ સ્કુલ્સ, છાત્રાલય, સામાજીક સંસ્થાઓ, ગૌશાળા, સીવીલ હોસ્પિટલ વગેરે સ્થાનોએ જઇને શિક્ષણ અને સમાજ સેવાના કાર્યો કરશે. શ્રુતપ્રજ્ઞજી કહે છે કે આ પ્રોજેકટના ઉદ્ેશમાં માનવીય મૂલ્યો મુખ્ય છે.

વ્યકિતમાં સહયોગ અને સેવાનો ભાવ વિકસીત થાય, શિક્ષણ અને મૂલ્યોનું મહત્વ ઉજાગર થાય, સાંસ્કૃતિક, વિરાસત જળવાય વગેરે ધ્યેયથી પ્રોજેકટ ચાલે છે.

સાત દિવસીય કાર્યક્રમો અન્વયે તા.૧૭ના બપોરે ર થી ૪ વાગ્યા દરમિયાન જામનગર રોડ ખાતેના 'આભાવલય'માં કાર્યક્રમ યોજાશે. જેમાં તેજસ્વી-જરૂરીયાતમંદ છાત્રોને સ્કોલરશીપ અર્પણ થશે. જરૂરીયાતમંદ પરિવારોને ફુડ કીટ અર્પણ થશે. પ્રોજેકટ અન્વયે છાત્રોની ટીમ પાલીતાણા સહિત વિવિધ સ્થાનોનો પ્રવાસ પણ કરનાર છે. 

આ પ્રોજેકટમાં સિંગાપુરના વિસ્મય શાહ, ક્ષિતિજ શાહ, જુહી શાહ, રોશની દોશી, અનેરી શાહ તથા લંડનના અનેકા પારેખ, અરીસા મહેતા, ફ્રેયા મહેતા વગેરે જોડાયા છે. આ ટીમ સાથે મુલાકાત કરવા માટે માર્ગદર્શન-માહિતી માટે તા.રરના સાંજે ૭ થી ૯ વાગ્યા દરમિયાન 'આભાવલય', માધાપર ચોકડી પાસે, જામનગર રોડ ખાતે (મો.૯૪૨૭૩-૬૬૧૬૪) સંપર્ક કરી શકાય છે.

પ્રોજેકટ મંઝીલ

પ્રોજેકટ મંઝીલ અંતર્ગત સિંગાપુરના શ્રેયા દોશી રાજકોટ આવ્યા છે. શ્રુતપ્રજ્ઞજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ શ્રેયા દ્વારા રાજકોટની ત્રણ સંસ્થાઓ સરોજીની નાયડુ શાળા, એ.પી.પટેલ કન્યા શાળા અને અમૃત છાત્રાલય ખાતે કાર્યક્રમો ચાલે છે. શ્રેયા દ્વારા છાત્રો-છાત્રાઓને કોમ્પ્યુટર અને અંગ્રેજીનો અભ્યાસ કરાવાઇ રહ્યો છે. આ પ્રોજેકટ ૯ દિવસ ચાલનાર છે.

પ્રોજેકટ આસ્થા અને પ્રોજેકટ મંઝીલમાં સામેલ છાત્રો-છાત્રાઓ 'આભાવલય' ખાતે નિવાસ કરે છે. તેઓની પ્રવાસ સહિતની વ્યવસ્થા પીસ ઓફ માઇન્ડ દ્વારા કરવામાં આવી છે.(૩-૧૩)

(3:55 pm IST)