Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

'નવરંગ' દ્વારા પ્રકૃતિ અનુભૂતિ શિબિર

આજી ડેમ પાસે વન ચેતના કેન્દ્રમાં આયોજનઃ બાળકોને માત્ર રૂ. ૨૦માં જલ્સોઃ વન વિભાગનો ભરપૂર સહયોગ

રાજકોટ, તા. ૧૩ :. વન ચેતના કેન્દ્ર થોરાળા વીડી રાજકોટ ખાતે નવરંગ નેચર કલબ દ્વારા વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ અનુભૂતિ શિબિરની શરૂઆત તા. ૪ ના રોજ કરી દીધી છે અને શિબિર તા. ૨૦ સુધી ચાલશે. થોરાળા વીડીએ આજી ડેમ-૧ ના દક્ષિણ કાંઠે આવેલ છે જ્યાં ત્રણ બાજુ પાણી અને એક બાજુ જંગલ છે. એકદમ શાંત અને રમણિય સ્થળ છે. પક્ષીઓથી આ હર્યોભર્યો એરીયા પ્રકૃતિ અનુભૂતિ શિબિર માટે એક આદર્શ સ્થળ છે. આ થોરાળા વીડીની માલિકી વન વિભાગ રાજકોટની છે. એક દિવસ અને રાતની આ શિબિરમાં વિદ્યાર્થીઓ પોતાનું સાંજનું ટીફીન સાથે લાવે છે. આ વન ચેતના કેન્દ્ર વન વિભાગ રાજકોટ દ્વારા શિબિરના હેતુ માટે વિનામૂલ્યે આપેલ છે. આ શિબિરમાં વિદ્યાર્થીઓ બપોરે ૩.૦૦ કલાકે આવે છે અને બીજા દિવસે સવારે ૧૧.૦૦ કલાકે વિદાય થાય છે. એક શિબિરમાં ૬૦ વિદ્યાર્થીઓ અને ૪ શિક્ષકો હોય છે. શિબિરમાં વિદ્યાર્થી દીઠ રૂ. ૨૦ ફી લેવામાં આવે છે. આ ફી સેવા આપતા પ્ર-શિક્ષકોને આપી દેવામાં આવે છે.

શિબિરમાં પક્ષી દર્શન જેમાં પાણી કાંઠાના પક્ષીઓ અને કંટક વનના પક્ષીઓનો કદ, રંગો બતાવી ઓળખ આપવામાં આવે છે અને પક્ષીઓ આપણને કઈ રીતે મદદરૂપ થાય છે તેની સમજણ સ્થળ ઉપર આપવામાં આવે છે બાદ વન પરીભ્રમણ વખતે વનસ્પતિ દર્શન જેમાં દૂરથી વૃક્ષોને કઈ રીતે ઓળખી શકાય અને વનસ્પતિના વિવિધ અંગોના ઉપયોગ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવે છે અને વન્ય પ્રાણીઓ બતાવવામાં આવે છે. રાત્રે નરી આંખે આકાશ દર્શન અને અંધારામાં ૧-કિ.મી. બેટરી વગર વિદ્યાર્થીઓને ચલાવવામાં આવે છે. નદી કેવી રીતે પાર કરી શકાય તે માટે કમાન્ડો બ્રીજનું આયોજન હોય છે. દરરોજ રાત્રે એક પર્યાવરણને લગતા વિષય નિષ્ણાંતને બોલાવી તેના વાર્તાલાપ અને મુકતચર્ચા ગોઠવવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લ્યે છે.

શિબિરમાં વિદ્યાર્થીઓને ઓછામાં ઓછી જરૂરીયાતથી કેમ જીવી તે શિખવવામાં આવે છે અને વન-વગડામાં બારીક અવલોકન કેવી રીતે કરી શકાય તેની સમજણ આપવામાં આવે છે. આવી સસ્તી અને જરૂરી શિબિરો વિવિધ મંડળોએ પોતપોતાના વિસ્તારમાં કરવી જોઈએ. નવરંગ નેચર કલબ આ વર્ષે કુલ ૨૦૦ શિબિરોનું અલગ અલગ વિસ્તારમાં ટોકન દરે આયોજન કરશે.

વિદ્યાર્થીઓ નાનપણથી પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય અને પર્યાવરણ પ્રેમી બને તો એક સારો નાગરીક બનશે આ વિષમ પરિસ્થિતિમાં સારા નાગરીકની ભારતને ખાસ જરૂર છે એટલે આ શિબિરો સારા નાગરીકોનું નિર્માણ કરવાની પ્રક્રિયાનો એક ભાગ છે.

આ શિબિરની શુભ શરૂઆત તા. ૪-૧૨-૨૦૧૭ના રોજ ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓથી થઈ આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને શ્રી ઉર્વેશભાઈ પટેલ (સાંદિપની, રીના સ્કૂલ), અતિથિ વિશેષ તરીકે શ્રી કપિલભાઈ પંડયા (શેર વિથ સ્માઈલ), શ્રી નરેશભાઈ નકુમ (નવરંગ નેચર કલબ), દિપ પ્રાગટય શ્રી હંસરાજભાઈ ડેડાણીયા ચોકીદાર થોરાળા વીડી વન ચેતના કેન્દ્ર-રાજકોટ).

આ શિબિરોનું સંચાલન વી.ડી. બાલાના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. વધારે વિગતો માટે વી.ડી. બાલા (મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮)નો સંપર્ક થઈ શકે છે.(૨-૧૫)

(3:54 pm IST)