Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

પુનમબેન હત્યા કેસમાં સહ આરોપીની માનવતાની જામીન અરજી નામંજુર

શહેરના જાણીતા ફાયનાન્સર બીશુભાઇ વાળાની પુત્રી

રાજકોટ, તા., ૧૩: અત્રેના જાણીતા ફાયનાન્સર બીશુભાઇ વાળાની પુત્રી પુનમનું અપહરણ કરી જસદણ તરફ લઇ જઇને હત્યા  કરી ભંગડા ગામે તેણીની અંતિમવિધિ કરીને લાશનો અગ્નિસંસ્કાર કરી દેવાના ચકચારી ગુનામાં પકડાયેલ અને જેલહવાલે રહેલ આરોપી રમેશગીરી ઉર્ફે મામુ ઉર્ફે મહારાજ દેવગીરી ગોસ્વામીએ માનવતા ધોરણે ર૧ દિવસના વચગાળાના જામીન પર છોડવા કરેલ અરજીને એડી. સેસ. જજ શ્રી એચ.આર.રાવલે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ફાયનાન્સર બીશુભાઇ વાળાની પુત્રી પુનમના એક સાથેના પ્રેમસબંધના કારણે તેણીના ભાઇઓ રાજવીજ વાળા અને બિરેન વાળાએ તેમજ હાલના અરજદાર રહેશગીરીનો સાથ લઇને પુનમબેનને ઝેર પીવડાવીને મારી નાખેલ હતી અને ત્યાર બાદ બારોબાર ભંગડા ગામે અંતિમવિધિ કરી નાખી હતી.

આરોપી રમેશગીરીએ પોતે જેલમાં હોય પત્નિ અને બાળકોની જવાબદારી પોતાના ઉપર હોય તેમજ ભાડાનું મકાન ખાલી કરવાનું હોય નવુ મકાન શોધવાનું હોય કુટુંબને આર્થિક મદદરૂપ થવા માટે વચગાળાના જામીન મળવા અરજી કરી હતી.

આ અરજીના વિરોધમાં સરકારી વકીલશ્રી અનિલ ગોગીયાએ રજુઆત કરેલ કે અરજદાર રીઢો ગુનેગાર છે. ગુનાહીત માનસ ધરાવે છે. વચગાળાના જામીન અપાશે તો નાસી ભાગી જવાની શકયતા હોય અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી. ેસસ. જજ શ્રી રાવલે આરોપીની માનવતાની જામીન અરજી રદ કરી હતી. આ કામમાં સરકાર પક્ષે એપીપી શ્રી અનિલ એસ.ગોગીયા રોકાયા હતા.

(3:45 pm IST)