Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

કાર્પેટ એરિયા વેરા આકારણી પૂર્ણ

૫૩ હજાર નવી મિલ્કતો ઉમેરાઇઃ એપ્રિલમાં બીલ બજાવાશે

શહેરનાં ૧૮ વોર્ડનાં કુલ ૪૪૮૯૨૦ મકાનોની નવી આકારણી પૂર્ણઃ જુની ૩.૯૫ લાખ મિલ્કતો પૈકી ૨.૯૦ લાખ રહેણાંક, ૯૭૦૦૦ કોમર્શિયલ : અને ૮૬૦૦૦ ઔદ્યોગિક મિલ્કતો હતી જેમાંથી ૨.૯ લાખ મકાનોનો વેરો જુની પધ્ધતિથી ભરાઇ ગયોઃ હજુ ૧.૮૬ લાખ મિલ્કતોનો વેરો બાકી છે

રાજકોટ તા. ૧૩ : મ્યુ. કોર્પોરેશન દ્વારા નવી કાર્પેટ એરિયા મુજબની મકાનવેરા આકારણી હાથ ધરવામાં આવી છે જે હવે લગભગ પૂર્ણ થઇ ગઇ છે અને શહેરનાં તમામ ૧૮ વોર્ડની મળી કુલ ૪૪૮૯૨૦ મિલ્કતોની નવી આકારણી થઇ છે. આ નવી આકારણીથી કોઠારીયા - વાવડી સહિતની મિલ્કતો સહિત ૫૩ હજાર નવી મિલ્કતોનો ઉમેરો થયો છે.

 

આ અંગે મેયર ડો. જૈમન ઉપાધ્યાયે જાહેર કરેલ વિગતો મુજબ શહેરમાં કોઠારીયા - વાવડી ભેળવવામાં આવ્યા તે અગાઉ કોર્પોરેશનના ચોપડે કુલ ૩.૮૦ લાખ મિલ્કતો હતી. ત્યારબાદ ૨૦૧૭-૧૮માં કાર્પેટ એરિયાની આકારણી શરૂ કરવામાં આવી હતી અને તેના દ્વારા કોઠારીયા - વાવડી સહિત ૫૩ હજાર નવી મિલ્કતોનો ઉમેરો થતાં ૩,૯૫,૬૦૦ લાખ મિલ્કતો ચોપડે નોંધાઇ છે. જોકે વોર્ડ નં. ૧૪ની મિલ્કતોની નવી કાર્પેટ વેરા આકારણીમાં ક્ષતિ હોવાથી ત્યાં હજુ ફેર આકારણી ચાલુ છે તે ૩૧ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થયા બાદ કુલ ૪,૪૮,૯૨૦ મિલ્કતોની કાર્પેટ વેરા આકારણી સંપૂર્ણ થઇ જશે.

ત્યારબાદ તમામ મકાન ધારકોને નવી કાર્પેટ એરિયા આકારણી મુજબનાં બીલ બનાવવાની કાર્યવાહી હાથ ધરાશે અને ૧લી એપ્રિલથી તમામને કાર્પેટ મુજબ વેરાબીલ બનાવવાનું શરૂ કરી દેવાશે તેમ મેયરશ્રીએ ઉમેર્યું હતું.

નોંધનિય છે કે, જુની વેરા આકારણી મુજબ કોર્પોરેશનના ચોપડે ૨.૯૦ લાખ રહેણાંક, ૯૭ હજાર કોમર્શિયલ, ૮૬ હજાર ઔદ્યોગિક મિલ્કતો છે જે પૈકી ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮નાં કુલ ૨.૦૯ લાખ મિલ્કતોનો વેરો ભરપાઇ થઇ ગયો છે. હવે ૧.૮૬ મિલ્કતોનો વેરો વસુલવાનો બાકી છે.(૨૧.૨૬)

ચાલુ વર્ષે મકાન વેરાના ૨૫૦ કરોડના ટાર્ગેટમાં હજુ ૯૦ કરોડનું ગાબડુ?!

રાજકોટ તા. ૧૩ : મ્યુ. કોર્પોરેશન દ્વારા કાર્પેટ એરિયાબેઝ મકાન વેરા આકારણી પૂર્ણ થઇ ગયેલી જાહેર કરી છે પરંતુ હજુ જુની વેરા આકારણી મુજબનાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮નાં ૧.૮૬ લાખ મિલ્કતોનો વેરો બાકી છે. જે ૧લી એપ્રિલ સુધીમાં વસુલ કરવો જ પડે અન્યથા નવી ટેકનીકલ સમસ્યા સર્જાય તેમ છે.  એટલુ જ નહીં ચાલુ વર્ષના બજેટમાં ૨૫૦ કરોડની વેરા આવકનો ટાર્ગેટ અપાયો છે. તેની સામે આજ સુધીમાં માત્ર ૧૬૦ કરોડની જ વેરા વસુલાત થઇ છે ત્યારે હવે ૩૧ માર્ચ સુધીમાં આ બાકીના ૯૦ કરોડનું ગાબડુ પૂરાઇ જશે કે કેમ? તેવો યક્ષ પ્રશ્ન સર્જાયો છે.(૨૧.૨૬)

કાર્પેટ મુજબ વોર્ડ વાઇઝ મિલ્કતોની આકારણી

વોર્ડ નં.       મિલ્કતો

૧      ૨૪૫૨૦

૨      ૨૨૭૬૦

૩      ૨૬૨૦૦

૪      ૨૪૧૮૫

૫      ૧૭૪૪૫

૬      ૧૬૭૧૯

૭      ૪૭૦૮૯

૮      ૨૪૫૦૪

૯      ૨૦૭૩૭

૧૦    ૨૯૭૭૫

૧૧    ૩૧૬૨૧

૧૨    ૩૦૦૦૫

૧૩    ૨૪૩૧૭

૧૪    ૨૩૯૬૩

૧૫    ૧૬૦૧૦

૧૬    ૧૬૦૫૪

૧૭    ૧૯૧૨૪

૧૮    ૩૩૮૯૨

કુલ     ૪,૪૮,૯૨૦

(3:24 pm IST)