Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ભાજપ ૯૯ થી ૧૦૧ બેઠક : કોંગ્રેસને ૭૭ થી ૭૯ સીટ

વિજયભાઇ રૂપાણીના ૩પ પૈસા, પબુભા ૪પ પૈસા, વિક્રમ માડમ ૩૧ પૈસા, અશોક લાલના ૮૦ પૈસા.. : બુકી બજારમાં ભાજપને સત્તાઃ આર.સી. ફળદુ જોખમમાં: અશોક લાલ ફેવરીટઃ સોદા બંધ થવાની વાત અફવા :આજે રાત્રીથી સોદા ર૪ કલાક બંધ રહેશે : અલ્પેશ ઠાકોર હાલ નબળા ઉમેદવાર લવીંગજી ઠાકોરના ભાવ ૭પ પૈસા : વાવ બેઠકમાં શંકર ચૌધરી જીતના ઉમેદવાર તેમની જીતનો ભાવ પપ પૈસા

રાજકોટ તા.૧૩ : ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ જીતના મજબુત દાવા કરી રહી છે ત્યારે બુકીબજારના મતે ભાજપ હજુ મજબુત સ્થિતિમાં છે. ભાજપને સટ્ટાબજાર ૯૯ થી ૧૦૧ સીટ આપી રહ્યા છે. જયારે કોંગ્રેસને ૭૭ થી ૭૯ બેઠકો આપે છે અને આ મુજબ સોદાઓ થઇ રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની જીતનો ભાવ માત્ર ૩પ પૈસા છે.

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગરનું બુકીબજાર ખુબ ગરમા-ગરમ છે. દ્વારકા બેઠક પર પબુભા માણેકને બુકીબજાર જીતના ઉમેદવાર માને છે તેમનો ભાવ પણ માત્ર ૪પ પૈસા છે. જયારે વિક્રમ માડમની જીતનો ભાવ માત્ર ૩૧ પૈસા છે.

ભાજપના પુર્વ પ્રદેશ પ્રમુખની બેઠક જોખમમાં માને છે. જો કે અશોક લાલની જીતનો ભાવ ૮૦ પૈસા છે જેથી પરિણામ કંઇ પણ આવી શકે છે. જો કે બુકીઓના મતે અશોક લાલને આર.સી.ફડદુ કરતા જીતના દાવામાં મજબુત માની રહ્યા છે.

ગતરાત્રીના એક એવી અફવા ફેલાણી હતી કે બુકીબજારે સોદાઓ બંધ કરી દીધા છે એટલે અફવાના કારણે અફડાતફડી જોવા મળી હતી પરંતુ ભાવોમાં નજીવા ફેરફાર સાથે હજુ ભાજપમાં ૯૯ થી ૧૦૧ ઉમેદવારોને જીતના ઘોડા મનાઇ રહ્યા છે. જયારે કોંગ્રેસના ૭૭ થી ૭૯ ઉમેદવારો પણ વિજય માળા પહેરી શકે છે તેવા અનુમાનો બહાર પડયા છે.

બુકીબજારના મતે પ્રથમ તબક્કામાં થયેલા મતદાન બાદ કોંગ્રેસ પપ બેઠકોની ધારણા સેવી રહી છે અને ભાજપ પણ પ્રથમ તબક્કાના મતદાન માટેની બેઠકોમાંથી વધુ બેઠકો મળશે તેવા અનુમાન કરી રહી છે.

હાલ ગુજરાતમાં ૯૯ થી ૧૦૧ બેઠક ભાજપને મળશે તેમ કહેવાય છે પરંતુ આવતીકાલે બીજા તબક્કાના મતદાન બાદ બુકીબજાર ગુજરાતમાં નવા અનુમાન અને કુલ બેઠકો ત્થા ચૂંટણી જંગમાં રહેલા મોટા માથાઓ અંગેના ભાવો બહાર પાડશે.

બુકીબજારના મતે બીજા તબક્કામાં ભાજપ પોતાના નુકસાનીનો હિસાબ સરભર કરી લેશે તેમ મનાય છે.

દરમ્યાન અમદાવાદ ખાતેથી મળતા અહેવાલો મુજબ રાધનપુરમાં પ્રતિષ્ઠાનો જંગ લડી રહેલા અલ્પેશ ઠાકોર ઉપર હારનું જોખમ મંડાળુ છે જયારે વાવ બેઠકના શંકર ચૌધરી બુકીના મતે આસાન જીતના ઉમેદવાર તરીકે ગણાઇ રહ્યા છે.

બુકીઓના મતે રાધનપુરમાં ભાજપના ઉમેદવાર લવીંગજી ઠાકોરનો ભાવ ૭પ પૈસા નીકળ્યો છે. આ મુજબ અલ્પેશનો ભાવ ૧ રૂપિયો રપ પૈસા થયો ગણાય.

બુકીબજારના મતે ચૂંટણીમાં ઉમેદવારી પત્રકો ભરાવા સમયે ભાજપને ૧૦૩ થી ૧૦૬ બેઠકો મળશે તેવો નિષ્કર્ષ નીકળ્યો હતો પરંતુ આજે બીજા તબક્કાના મતદાન પુર્વે આ અનુમાનો ૯૯ થી ૧૦૧ બેઠકો પર પહોંચ્યા છે.

આજે રાત્રીથી આવતીકાલે મતદાન પુર્ણ થવા સુધી બુકીબજાર બંધ રહેશે. ૧પમીની સવારથી નવા અનુમાનો અને નવા ભાવ સાથે ફરી બુકીબજાર સક્રિય થશે.

એવુ અનુમાન લગાવાઇ રહ્યુ છે કે કાલે કોણ કેવી તાકાત લગાવે છે અને કેટલા ઘોડા નબળા સાબીત થાય તે તેનો સર્વે થયા બાદ ફરી બુકીબજાર ભાજપ-કોંગ્રેસ માટે આગાહી કરશે.

એવુ કહેવાય છે કે આવતીકાલના મતદાન બાદ ૩ થી ૪ સીટનો તફાવત કોઇપણ પક્ષ માટે આવી શકે છે. હાલ ભાજપ ફેવરીટ છે સંભવત ફેવરીટ ઘોડામાં પણ ફેરફાર આવી શકે.(૩-૧૪)

 

(3:22 pm IST)