Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

ભોગ બનેલા ફરિયાદ માટે આગળ આવેઃ પુરતો ન્યાય મળશેઃ એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા

પીઆઇ વી. કે. ગઢવી અને પીએસઆઇ જાડેજાને ફોન કરીને પણ વિતક વર્ણવી શકશો : ભૂપત બાબૂતરને પોલીસ કમિશનર કચેરીના લિમડા નીચે 'કડવાણી' આપવામાં આવી : સામા કાંઠાના કૂબેર હોટેલના સંચાલક અને બાંધકામના વ્યવસાયી યુવાન ને સતત ત્રણ વર્ષથી મારી નાંખવાની ધમકી આપી પૈસા પડાવનારા સામે ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધ્યો

ભૂપત બાબૂતર વિરૂધ્ધ શું કાર્યવાહી થઇ તેની માહિતી આપી રહેલા એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ વી. જે. જાડેજા તથા બાજુમાં ઉભેલો ભૂપત જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૩: સામા કાંઠે રહેતાં અને ૧૯૯૬થી ગુનાહિત ઇતિહાસ ધરાવતાં ભૂપત વિરમભાઇ બાબૂતર (ભરવાડ)ની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી પોલીસ કમિશનર કચેરીના ઐતિહાસિક લિમડા નીચે આકરી ઢબની પુછતાછ કરતાં ઓય માડી, ઓય બાપાના બોકાસા સાંભળવા મળ્યા હતાંં. પોલીસ સુત્રોના કહેવા મુજબ ભૂપત વિરૂધ્ધ ૧૯૯૬માં એ-ડિવીઝનમાં મારામારી, ૨૦૦૦માં બી-ડિવીઝનમાં ૩૦૨ (હત્યા), એ-ડિવીઝનમાં ૨૦૦૭માં ૩૦૭ (હત્યાનો પ્રયાસ), બી-ડિવીઝનમાં ૨૦૦૮મા આર્મ્સ એકટ, માલવીયાનગરમાં ૪૫૨,  રાયોટ-મારામારી, નુકશાન કરવું, બી-ડિવીઝનમાં ૨૦૧૮માં રાયોટ-હત્યાની કોશિષ, આર્મ્સ એકટ તથા ૨૦૧૪માં આપઘાત માટે મજબૂર કરવાનો અને ૪૯૮ મુજબનો કેસ મળી કુલ ૯ ગુના નોંધાઇ ચુકયા છે. હવે ક્રાઇમ બ્રાંચમાં ૧૦મો ગુનો દાખલ થયો છે.

એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવી તથા પીએસઆઇ વી. જે. જાડેજાએ કહ્યું હતું કે જે કોઇ લોકો ભૂપત કે તેની સાથેના કોઇના ત્રાસનો ભોગ બન્યા હોય તો તેમણે બિન્દાસ્ત ડર રાખ્યા વગર ફરિયાદ કરવા આગળ આવવું જરૂરી છે. પોલીસ તુરત જ એફઆઇઆર દાખલ કરશે અને ગમે તે ચમરબંધી હશે તેની સામે કાર્યવાહી કરશે. જે ફરિયાદીને જરૂર હશે તેને પુરતુ રક્ષણ પણ પોલીસ પુરૂ પાડશે. સામા કાંઠાના હોટેલ સંચાલક ધવલ મિરાણીની ફરિયાદ પરથી નોંધાયેલા આ ગુનામાં અન્ય એકનું પણ આરોપીમાં નામ છે.

'તે જે પ્લોટ ખરીદ કર્યો એ અમારે લેવાનો હતો, તારા કારણે અમારે ૨ કરોડની નુકસાની ગઇ, હવે તારે નુકસાની પેટે અમને ૫૦ લાખ આપવા પડશે' તેમ કહી મારી નાંખવાની ધમકી આપી તેમજ  ૧ કરોડમા ધવલે ખરીદેલા મકાનમાં પણ એ મકાન પોતાને લેવું હતું, પણ તે લઇ લીધું તેમ કહી રાકેશ અને ભૂપતે હવે આમા પણ ભાગીદારી આપવી પડશે કહી ૨૫ લાખ માંગી તેમ ૨૫ ટકા ભાગીદારી માંગી એ પછી વિદ્યાનગરના એક મકાનની ખરીદીમાં પણ ૩૩ લાખ ધમકાવીને પડાવી લઇ તેમજ ત્યારબાદ એક ફોર્ચ્યુનર કાર ખરીદવા બે લાખ પડાવી તેના હપ્તા પણ મારી પાસે ભરાવી વધુ પૈસાની માંગણી કરી તેમજ અગાઉના ૧૭ લાખની બળજબરીથી ઉઘરાણી ચાલુ રાખી અત્યારસુધીમાં ૭૦ લાખ પડાવી લેેતાં ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી ભૂપતના દસ દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

જે કોઇ ફરિયાદ કરવા ઇચ્છતું હોય તે એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા (મો. ૯૯૨૯૪ ૬૩૦૬૦), પીઆઇ વી. કે. ગઢવી (મો. ૯૭૧૨૫ ૬૯૭૭૭) તથા પીએસઆઇ વી. જે. જાડેજા (મો.૯૯૨૫૦ ૪૨૪૨૨) ઉપર સંપર્ક કરી શકે છે.

(3:35 pm IST)