Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

રાજકોટ આરટીઓમાં ૩-૩ મહિને લાયસન્‍સ રીન્‍યુ થાય છે : ૧૨ હજારથી વધુ અરજી પેન્‍ડીંગ હોવાથી લાયસન્‍સ ધારકો પરેશાન

લાયસન્‍સ રીન્‍યુની કામગીરી કરતાં કોન્‍ટ્રાકટરનો કોન્‍ટ્રાકટ માર્ચમાં પૂરો થઈ ગયો છે : સરકારી કર્મચારીઓ દ્વારા ‘ધકેલપંચા દોઢસો' મુજબ થતી ધીમી કામગીરી : ૧૨ હજારથી વધુ લાયસન્‍સ પેન્‍ડીંગની સામે આરટીઓમાં કોરા લાયસન્‍સનો સ્‍ટોક માત્ર ૪ હજાર !

રાજકોટ, તા. ૧૩ : આરટીઓમાં લાયસન્‍સ રીન્‍યુ માટે અરજી કરનાર વાહનચાલકોને ૩-૩ મહિને લાયસન્‍સ રીન્‍યુ થઈને મળતા હોવાનો દેકારો મચી ગયો છે. આ બારામાં તપાસ કરતાં બહાર આવ્‍યુ છે કે માર્ચ મહિનાથી આ કામગીરી સંભાળતા કોન્‍ટ્રાકટરનો કોન્‍ટ્રાકટ પૂરો થઈ ગયો છે. નવો કોન્‍ટ્રાકટ અપાયો નથી કે જૂનો રીન્‍યુ થયો નથી. આ વચ્‍ચે કર્મચારીઓ અત્‍યંત ધીમી ગતિએ લાયસન્‍સ રીન્‍યુની કામગીરી કરતાં હોવાથી ૧૨ હજારથી વધુ લાયસન્‍સ રીન્‍યુ માટે પેન્‍ડીંગ છે.

આરટીઓ લાયસન્‍સ રીન્‍યુ માટે એપ્‍લાય થઈ ચૂકેલા કેટલાક લાયસન્‍સ ધારકોને મહિનાઓ સુધી પોતાનું લાયસન્‍સ રીન્‍યુ ન થયુ હોવાની ફરીયાદ ‘અકિલા લાઈવ ન્‍યુઝ'ને કરી હતી. આ ફરીયાદ અંતર્ગત તપાસ કરાતા ઉપરોકત વિગતો તદ્દન સાચી હોવાનું અને ૧૨ હજારથી વધુ લાયસન્‍સ રીન્‍યુ માટે પેન્‍ડીંગ હોવાનું બહાર આવ્‍યુ છે.

આરટીઓના સંબંધિત વિભાગમાં તપાસ કરાતા દરરોજના ૧ હજારથી વધુ લાયસન્‍સ રીન્‍યુ માટે આવતા હોવાનું બહાર આવ્‍યુ છે.

લાયસન્‍સ રીન્‍યુની કામગીરી શા માટે મંથર ગતિએ ચાલી રહી છે? તે અંગે ઉંડા ઉતરતા એવુ બહાર આવ્‍યુ છે કે રીન્‍યુની કામગીરી આઉટ સોર્સીંગથી કરતાં કોન્‍ટ્રાકટરનો કોન્‍ટ્રાકટ માર્ચ મહિનામાં પૂરો થઈ ગયો છે. ત્‍યારબાદ આ કામગીરી નથી નવા કોન્‍ટ્રાકટરને સોંપાઈ કે નથી જૂની કોન્‍ટ્રાકટરની રીન્‍યુ થઈ ! આ વચ્‍ચે રીન્‍યુની કામગીરી સરકારી કર્મચારીઓ જ કરી રહ્યા છે. જે તેમની જવાબદારીમાં આવે છે. પરંતુ દરેક સરકારી વિભાગમાં ચાલતા લોલંલોલ મુજબ આરટીઓમાં પણ કર્મચારીઓ દ્વારા અત્‍યંત ધીમી કામગીરી ચાલી રહી છે. જેને લઈને જો તમે આજે વાહન લાયસન્‍સ રીન્‍યુ માટે અરજી કરો તો તમારૂ લાયસન્‍સ રીન્‍યુ થઈ ૩ મહિને હાથમાં આવે છે.

આ વચ્‍ચે કોરા લાયસન્‍સના સ્‍ટોકનો પણ પ્રશ્ન છે. આરટીઓની ગાંધીનગર કચેરી દ્વારા કોરા લાયસન્‍સ મોકલવામાં આવતા હોય છે. આ સ્‍ટોક હાલમાં માત્ર ૪ હજાર લાયસન્‍સનો છે. જેની સામે ૧૨ હજારથી વધુ લાયસન્‍સ રીન્‍યુ માટે પેન્‍ડીંગ છે. યોગ્‍ય સમયે લાયસન્‍સ રીન્‍યુ માટે અરજી કરતાં વાહન ચાલકોને લાયસન્‍સ યોગ્‍ય પ્રક્રિયાને અંતે નહિં મળતા પોલીસ ચેકીંગ દરમિયાન પણ હાલાકી ભોગવવી પડે છે. અનેકને ગેરકાયદે દંડ પણ ચૂકવવો પડે છે. આ બારામાં આરટીઓ અધિકારી લાઠીયાનો સંપર્ક સાધવાની કોશિષ કરતાં તેમનો ફોન ‘નો રીપ્‍લાય' થયો હતો.

અકિલા લાઈવ ન્‍યુઝને પોતાની ફરીયાદો મોકલતા રહેવા આ તકે આહવાન કરવામાં આવે છે. જેથી જનતાના યોગ્‍ય પ્રશ્નોનો યોગ્‍ય સમયે નિકાલ કરવા માટે મદદરૂપ થઈ શકાય.

(4:10 pm IST)