Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

આજકાલ દૈનિકના મેનેજીંગ ડાયરેકટરનો પ્રેરક સંદેશ

કોરોનાથી ડરો નહિ, સાવચેત રહો...વેકસીન ન શોધાય ત્યાં સુધી માસ્ક જ વેકસીનઃ ચંદ્રેશ જેઠાણી

રાજકોટ તા. ૧૨ : આજકાલ દૈનિકના મેનેજીંગ ડાયરેકટરશ્રી ચંદ્રેશ જેઠાણી કોવીડ - ૧૯ ના કપરા સમયમાં રાજકોટના લોકોને પ્રેરક સંદેશ આપતાં કહે છે કે,કોરોનાની આ પરિસ્થિતીમાં આપણે ડરવાનું નથી,પરંતુ સાવચેત જરૂર રહેવાનું છે. જયાં સુધી કોરોનાની વેકસીન ન શોધાય ત્યાં સુધી આપણું 'માસ્ક'એ જ આપણું વેકસીન છે.

સમગ્ર વિશ્વ આજે જયારે કોરોના સામે લડી રહયું છે,તેવા સમયે રાજકોટ માહિતી વિભાગ દ્વારા 'હારશે કોરોના,જીતશે રાજકોટ'ના વિચાર સાથે ખૂબ જ સારૃં કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

મારી રાજકોટના લોકોને નમ્ર અપીલ છે કે,કોરોનાના આ સમયનો આપણે બધાએ સામનો કરવાનો છે. આપણે આપણા માટે,આપણા ભવિષ્ય માટે આપણે આજે જેટલી ચિંતા કરીશુ તેટલું આપણા બાળકો - પરિવારજનો માટે સારૃં છે. આ માટે આપણે સૌ ફરજીયાત માસ્ક પહેરીએ,સોશીયલ ડીસ્ટન્સનું પુરે પૂરૂ ધ્યાન રાખીએ અને આપણા હાથને સાફ કરવાનું ન ભૂલીએ. આ બધાની સાથે આપણે સરકારની માર્ગદર્શિકાનું પણ ચૂસ્તપણે પાલન કરીએ.

આમ છતાં પણ કોઈ વ્યકિતને જયારે પણ કોરોનાના લક્ષણો જણાય તો તુરત જ ટેસ્ટ કરાવવો જોઈએ. ટેસ્ટ કરાવવામાં જરાપણ અચકાવુ નહી. આપણે જો કોરોના પોઝીટીવ હોય અને જો ટેસ્ટ નહી કરાવીએ તો આપણા પરિવારજનો કે અન્ય વ્યકિતઓ આપણાથી સંક્રમિત બનશે. તેથી જ આપણે સૌએ જરૂર પડયે તુરત કોરોના ટેસ્ટ કરાવી ભારતવર્ષના એક જવાબદાર નાગરિક તરિકે આપણી ફરજ બજાવવી પડશે.

જો આપણે બધા જ લોકો આજના સમયમાં આટલી ચિંતા કરીશું તો હું માનું છું કે,જે રીતે હવે દિવસે - દિવસે કોરોનાના કેસો ઘટી રહયાં છે,તે જોતાં ટૂક સમયમાં જ આપણે રાજકોટવાસીઓ કોરોનાને હરાવી શકીશું. અને 'હારશે કોરોના,જીતશે રાજકોટ.'

(2:48 pm IST)