Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ગ્રામ્ય વિસ્તારોમાં હોમ આઇસોલેટ દર્દીઓના વિડીયો કોલીંગથી ખબર પુછતાં જીલ્લા વિકાસ અધિકારી

અનિલ રાણાવસીયાએ કોલ સેન્ટરની મુલાકાત લઇ ત્રંબાના દર્દી સાથે આરોગ્યની ચર્ચા કરી

રાજકોટ તા. ૧૨ : આધુનિક યુગની ભેટ એટલે ઈન્ટરનેટ, જેના માધ્યમથી જોજનો દૂર બેઠલી વ્યકિતનો પણ સંપર્ક સાધી શકાય, હાલના સમયમાં મોબાઇલ ફોનમાં વિડિયો કોલિંગની સુવિધાથી અનેક સકારાત્મક કાર્યો થઈ રહ્યા છે. ત્યારે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તરોમાં આરોગ્યતંત્ર દ્વારા વિડીયો કોલિંગનો અસરકારક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

તાજેતરમાં આ કોલ સેન્ટરની જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસિયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. અને હોમ આઈસોલેશનમાં રહેલા રાજકોટના કસ્તુરબા ધામ (ત્રંબા) ના રહેવાસી કોરોના પોઝિટિવ દર્દી શ્રી ઈમરાનભાઈ મુલતાની સાથે વિડીયો કોલિંગ કરી તેમના આરોગ્ય અંગે પૂછપરછ કરી હતી.

તેમના પ્રત્યુત્તરમાં ઈમરાનભાઈએ તેમના હોમ આઈશોલેશન દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા તેમને આપવામાં આવેલ સારવાર બાબતે સંતોષની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતુ કે, મને હવે સારું છે, આરોગ્યની ટીમ નિયમિત અમારી તપાસ કરવા આવે છે. ઓકિસજન લેવલ પણ માપે છે. અને સાથે આયુર્વેદિક દવા તથા ઉકાળા પણ અમને આપે છે.

(2:27 pm IST)