Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કોરોના દર્દીઓને ઉગારવામાં પરદા પાછળની મુખ્ય ભુમિકા નિભાવે છે સિવિલનો એનેસ્થેસિયા વિભાગ

નોડલ ઓફિસર ચેતનાબા જાડેજાએ કહ્યું- ૯૦ દર્દીઓ એનેસ્થેસિયોલોજીસ્ટની સારવાર મેળવી રહ્યા છે : ગંભીર દર્દીને ૭૦ થી ૧૦૦ ટકા ઓકિસજન આપવો પડે છે, ત્યારે એનેસ્થેસિયોલોજીસ્ટની જરૂર પડે છે

રાજકોટ તા. ૧૨ :કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા માટે અત્યાર સુધી પડદા પાછળ રહીને સૌથી મહત્વની ભુમિકા ભજવનાર એનેસ્થેસિયોલોજીસ્ટ રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ના દર્દીઓ માટે જરૂરી અને અગત્યની સારવાર આપીને રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અંદાજીત ૯૦ જેટલા દર્દીઓ એનેસ્થેસિયોલોજીસ્ટની સારવાર મેળવી રહ્યા છે.

સામાન્ય રીતે એનેસ્થેસિયા એટલે ઓપરેશન વખતે દર્દીને શરીરની વાઢકાપ વખતે દર્દ ન થાય તે માટે બેહોશ કરવાની પધ્ધતિ. પરંતુ તમને સવાલ થશે કે,એવી સારવારની કોવિડના દર્દીઓમાં શી જરૂર? આ સવાલના જવાબ અંગે એનેસ્થેસિયા વિભાગના નોડલ ઓફિસરશ્રી ચેતનાબા જાડેજા જણાવે છે કે,એનેસ્થેસિયા વિભાગ દ્વારા કોવિડ-૧૯ના અતિ ગંભીર હાલતમાં હોય તેવા દર્દીઓની સારવાર કરીએ છીએ. કોવિડ૧૯ ની અસર તળે વ્યકિતમાં લોહી ગંઠાઈ જવું,ફેફસાને પુરતો ઓકિસજન તથા લોહી ન મળવુ કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે. આવા સંજોગોમાં દર્દી હવામાં રહેલ ૨૧%જેટલો ઓકિસજન નથી મેળવી શકતો. કોરોના સંક્રમિત દર્દીને ગંભીર પરિસ્થિતિમાં ૭૦%થી ૧૦૦%જેટલો ઓકિસજન આપવો પડે છે,તેથી તેના શ્વસનતંત્રને યોગ્ય રીતે કાર્યરત રાખી શકાય. આવા સંજોગોમાં દર્દીઓની પરિસ્થિતિ પારખીને તેને મદદરૂપ થઈ શકે તેવા અનુભવી અને કાબેલ એનેસ્થેસિયોલોજીસ્ટની જરૂર પડે છે. એનેસ્થેસિયા વિભાગછેલ્લા પાંચ મહિનાથી કોવિડ-૧૯ના અતિગંભીર દર્દીઓને રાતદિવસની પરવાહ કર્યા વગર ઉત્તમોત્તમ સારવાર આપી રહ્યુ છે.

વધુમાં શ્રી જાડેજાએ કહ્યું હતું કે,જે દર્દીઓને શ્વાચ્છોશ્વાસની સમસ્યા હોય,ઓકિસજનનું પ્રમાણ શરીરમાં ઓછું હોય તેવા દર્દીઓને ક્રિટીકલ કેરમાં રાખવામાં હોય છે. આવા દર્દીઓને કૃત્રિમ શ્વાચ્છોશ્વાસ આપવા માટે અદ્યતન પ્રકારના વેન્ટીલેટર ઉપલબ્ધ છે. જેના વડે તેના દર્દીને આ પ્રકારે શ્વાચ્છોશ્વાસ કરાવવામાં આવે છે. જે દર્દીઓની પરિસ્થિતી ગંભીર હોય તેને બાય પેપ નામના મશીનની મદદથી શ્વાસ લેવા માટે સપોર્ટ આપવામાં આવે છે. જે દર્દીઓની સ્થિતિ સામાન્ય કરતા થોડી ગંભીર હોય તેને હાઈફલો નોઝલ ઓકિસજન થેરાપી નામના મશીન દ્વારા સારવાર આપવામાં આવે છે. જેમ-જેમ દર્દીની પરિસ્થિતિમાં સુધારો થતો જાય છે તેના આધારે દર્દી પોતાની રીતે શ્વાસ લેતો થાય તથા ઓકિસજનનું લેવલ સામાન્ય થાય ત્યાં સુધી તેને આઈ.સી.યુ.માં રાખવામાં આવે છે ત્યાર બાદ તેને વોર્ડમાં દાખલ કરવામાં આવે છે.

દરરોજ દિવસમાં ૨૦ મિનીટ યોગ,પ્રાણાયમ,તથા ઉંડા શ્વાસની કસરત નિયમિત રીતે કરવાથી સમગ્ર શ્વસનતંત્રની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. એનેસ્થેસિયા વિભાગની ઉમદા કામગીરીના કારણે અનેક દર્દીઓની મહામુલી માનવ જીંદગી બચાવાઈ છે.

(2:25 pm IST)