Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સિવિલ હોસ્પિટલમાં લશ્કરના ડોકટરોની મદદ લ્યોઃ ડો.વસાવડા

સિવિલમાં થતી સારવાર અંગે પ્રજામાં અસંતોષ અને ગેરસમજ વધતી જાય છે, તબીબો પણ દિવસ- રાત જોયા વગર મહેનત કરી રહ્યા છેઃ કોરોનાના દર્દીઓનો રાફળો ફાટતા હજુ વધારે તબીબોની જરૂર હોવાનો કોંગીનેતાનો મત

રાજકોટ,તા.૧૨: હાલમાં સિવિલ હોસ્પિટલમાં થઈ રહેલ સારવાર અંગે પ્રજામાં અસંતોષ અને ગેરસમાજ વધી રહી હોય સિવિલ હોસ્પિટલમાં ભારતના લશ્કરના ડોકટરોની મદદ લેવા પ્રદેશ કોંગ્રેસના નેતા અને ન્યુરો સર્જન ડો.હેમાંગ વસાવડાએ માંગ કરી છે. છેલ્લા ઘણા સમયથી  ડોકટરો દિવસ- રાત જોયા વગર હોસ્પિટલોમાં સેવા આપી રહ્યા છે. પરંતુ કોરોનાના દર્દીઓનો રાફળો ફાટતા હજુ વધારે તબીબો ફાળવવા અનુરોધ કરાયો છે.

ડો.હેમાંગ વસાવડાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં કોરોના ભયંકર અને વિકરાળ રૂપ ધારણ કરી ચૂકયું છે. ગુજરાત સરકાર, તેમના પ્રયાસો કરી રહી છે. પરંતુ પ્રયાસો પુરતા થતા નથી અને સફળતા મળતી નથી. પ્રજામાં સરકારી હોસ્પિટલમાં થતી સારવાર અંગે અસંતોષ અને ગેરસમજ વધતી જાય છે. સિવિલ હોસ્પિટલના ડોકટરો, દિવસ- રાત જોયા વગર મહેનત કરી રહ્યા છે. પરંતુ દર્દીના ધસારા સામે, ડોકટરોની સંખ્યા મર્યાદીત છે.

રાજકોટના ખ્યાતનામ ૨૫ જેટલા ડોકટરો પણ સંક્રમીત થઈ ચૂકયા છે. સરકાર તરફથી ડોકટરોની ભરતી કે સંખ્યા વધારવાના કોઈ પ્રયાસ થતા નથી. કોરોનાના દર્દીઓની સંખ્યા જોતા, ઘણા વધારે તબીબોની જરૂર છે. આ સંજોગોમાં, સરકારે ભારતીય સૈન્યના ડોકટરોની મદદ લેવી ખુબ જરૂરી છે. ભારતીય લશ્કરના ડોકટરોને સીવીલ હોસ્પિટલ સોંપી દેવી જોઈએ તેવી માંગણી છે.

નહીતર, ટાચા સાધનો અને મર્યાદિત ડોકટરોને લીધે સારવારના અભાવે મૃત્યુ પામતા, કોરોનાના દર્દીઓના મૃત્યુ માટે ગુજરાત સરકાર જવાબદાર ગણાશે. તેમ ડો.વસાવડાએ યાદીના અંતમાં જણાવ્યું છે.

(3:53 pm IST)