Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

લોકડાઉન પછી આર્થિક ભીંસમાં મુકાયેલા પડધરીના ફ્રુટના ધંધાર્થી દિપકભાઇ કક્કડએ જિંદગી ટુંકાવી

સારવાર દરમિયાન રાજકોટમાં મોતઃ બે બહેનના એક જ ભાઇ હતાં: બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૧૨: લોકડાઉનને કારણે અનેક લોકો ધંધા વગરના થઇ ગયા હતાં. હજુ પણ કામધંધાની ગાડી ખાસ વેગ પકડી શકી નથી. ઉભી થયેલી આર્થિક ભીંસ અનેકને મુંજવી રહી છે. દરમિયાન પડધરીમાં રહેતાં અને ફ્રુટનો છુટક વેપાર કરી ગુજરાન ચલાવતાં દિપકભાઇ ગિરધરભાઇ કક્કડ (ઉ.વ.૪૫)એ લોકડાઉન બાદ ધંધો બરાબર ચાલતો ન હોઇ આર્થિક સંકડામણમાં આવી જતાં આત્મહત્યા કરી લીધી છે.

પડધરીના વાણીયાવાડી વિસ્તારમાં રહેતાં દિપકભાઇએ ગત તા.૪ના રોજ પત્નિની માનસિક બિમારીની દવા ચાલુ હતી તે વધુ પડતી પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં પડધરી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. પડધરીના એએસઆઇ વકારભાઇ અને મદદનીશ જીતુભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર દિપકભાઇ બે બહેનના એકના એક ભાઇ હતાં અને પરિવારનો આધારસ્તંભ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. મોભીના મોતથી કક્કડ પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(12:56 pm IST)