Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ભંગાર જોવાને બહાને રાજકોટથી પરિણિતાને સાયલા તરફ લઇ જઇ બે શખ્સનો બળાત્કાર?

સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં સાયલા પોલીસે નિવેદન નોંધ્યું: ફરિયાદ પછી નોંધાવશે તેવું કહ્યું

રાજકોટ તા. ૧૨: શહેરના એક વિસ્તારમાં રહેતી પરિણિતાને ગતરાતે રાજકોટના જ બે શખ્સો ભંગાર જોવાને બહાને આઇશરમાં બેસાડી સાયલાના હડાળાની સીમમાં લઇ ગયા બાદ તેના પર બંનેએ બળાત્કાર ગુજાર્યાના આક્ષેપ સાથે આ પરિણિતા મોડી રાતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે સાયલા પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી નોંધાવી હતી. જો કે પરિણિતાએ આક્ષેપો મુજબ હાલ ફરિયાદ નોંધાવી નથી.

શહેરની એક પરિણીતા રાતે બે વાગ્યા આસપાસ સિવિલ હોસ્પિટલે સારવાર માટે પહોંચી હતી. અહિ ઇમર્જન્સી વોર્ડમાં તબિબની પ્રાથમિક પુછતાછમાં તેણીએ પોતાને હડાળાની સીમમાં વિજય તથા બીજા શખ્સે હાથ વડે ગળાચીપ આપી ઢીકા-પાટુનો માર મારી બળાત્કાર ગુજાર્યાનું કહેતાં તબિબે પોલીસ કેસ જાહેર કર્યો હતો. હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવરાજભાઇ નાટડાએ પરિણિતાના કથન મુજબની એન્ટ્રી સાયલા પોલીસ મથકમાં નોંધાવી હતી.

બનાવની ગંભીરતાને ધ્યાને લઇ સાયલાથી એએસઆઇ શ્રી વિનુભાઇ તાકીદે રાતોરાત રાજકોટ પહોંચ્યા હતાં અને આક્ષેપો કરનાર પરિણિતાનું નિવેદન નોંધ્યું હતું. તેણીએ કહ્યું હતું કે પોતે ભંગાર લે-વેંચનું કામ કરે છે. વિજય પણ ભંગારનો ધંધો કરે છે. પોતાને ભંગાર જોવા જવાને બહાને આઇશરમાં બેસાડી સાયલાના હડાળાની સીમમાં રાતે દસેક વાગ્યે લઇ જવાઇ હતી. જ્યાં બાદમાં વિજય અને સાથેના શખ્સે મારકુટ કરી ગળાચીપ દઇ બળાત્કાર ગુજાર્યાનું કહ્યું હતું. જો કે પોતે પતિને પુછ્યા બાદ આગળ કાર્યવાહી કરશે તેમ કહી હાલ ફરિયાદ નોંધાવી નહોતી. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

(11:35 am IST)