Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

નાના મૌવામાં નિર્માણ થઇ રહેલ મ.ન.પા.નાં ૧૪૦૦ ફલેટની યોજના ઝડપથી પૂર્ણ થશેઃ અમિત અરોરાની સાઇટ વિઝીટ

રાજકોટ : મહાનગરપાલિકાના કમિશનરશ્રી અમિત અરોરાએ આજે તા. ૧ર ના રોજ સવારે વેસ્ટ ઝોનમાં બની રહેલા ૧૪૦૦ આવાસોની જુદી જુદી સાઇટની મુલાકાત લીધી હતી. અને આ હાઉસીંગ પ્રોજેકટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સુચનાઓ આપી હતી. તે વખતની તસ્વીરો.  વેસ્ટ ઝોન પેકેજ-૧ ના પાંચ પ્લોટ પૈકી ટી. પી. સ્કીમ નં. પ (નાનામવા)ના એફ. પી. નં. ૧૦૪ અને ૪૪૬ ની સાઇટ વિઝીટ મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા કરવામાં આવેલ છે. વેસ્ટ ઝોન પેકજ-૧ અંતર્ગત રૂ. ૧૮૯.૪પ કરોડના ખર્ચે એલઆઇજી (પ૦ ચો. મી. કાર્પેટ એરીયા) પ્રકારના ૪૦૪ અને એમઆઇજી (૬૦ ચો. મી. કાર્પેટ એરીયા) પ્રકારના ૯૯૬ આવાસો મળીને કુલ ૧૪૦૦ આવાસો અને ૬૧ દુકાનોની કામગીરી ચાલુ છે. આ પ્રોજેકટ હેઠળ એલઆઇજી પ્રકારના આવાસોમાં બે બેડરૂમ હોલ, કિચન, બે ટોઇલેટ-બાથરૂમ તેમજ એમઆઇજી પ્રકારના આવાસોમાં ત્રણ બેડ રૂમ, હોલ, કિચન, બે ટોઇલેટ - બાથરૂમની સુવિધા આપવામાં આવેલ છે. આ ઉપરાંત આવાસ યોજનામાં પાણીની લાઇન, ગટર વ્યવસ્થા તેમજ ગેસ પાઇપ લાઇન તથા પીજીવીસીએલની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આવાસ યોજનામાં ફાયર સેફટીની પુરતી વ્યવસ્થા, વિશાળ પાર્કીંગ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરીયા, લીફટ, સિકયોરીટી, કેબીન, શોપીંગ સેન્ટર, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ડીજી સેટસ વિગેરેની સુવિધા આપવામાં આવનાર છે. ઉપરોકત સાઇટ વિઝીટ દરમ્યાન સીટી એન્જી. (સ્પે.) અલ્પના મિત્રા, ડેપ્યુટી એન્જિનીયર પરેશ પટેલ, પી. એ. (ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી અને એજન્સીના પ્રતિનિધિશ્રીઓ હાજર રહ્યા હતાં.

(4:20 pm IST)