Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

કાલે શોભાયાત્રામાં શિવભકતોને રૂદ્રાક્ષનો પારો પ્રસાદરૂપે અપાશેઃ સોરઠીયાવાડી સર્કલથી પ્રારંભ

હાથી-ઘોડા- ઊંટ- બગીઓ સાથેના વિવિધ ફલોટ્સ આકર્ષણ જમાવશે

રાજકોટ,તા.૧૨: સનાતમ ધર્મ અને સંસ્કૃતિની ધજા સતત ફરકતી રાખવા અને શિવકૃપા દ્વારા શિવતત્વની અનુભુતિ કરવાના શુભ આશયથી સમસ્ત શ્રી દશનામ ગોસ્વામી સમાજ- રાજકોટ દ્વારા પાંચમા વર્ષે શિવરાત્રીના પાવન પર્વ નિમીતે શિવરથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

આ શિવ રથયાત્રામાં ગોસ્વામી સમાજના તમામ મંડળો, સાધુ-સંતો, સંન્યાસીઓની સાથે સનાતન ધર્મના વિવિધ સંપ્રદાયો, વિવિધ મંડળો અને સંસ્થાના લોકો જોડાઈ રાષ્ટ્રીય અને ધાર્મિક એકતાનું દર્શન કરાવશે.

શિવ રથયાત્રામાં હાથી-ઘોડા- ઊંટો- બગીઓ, ભવ્ય ફલોટ્સ, રાસ મંડળીઓ, હબસીનૃત્યો, બેન્ડ મંડળીઓ, ટુ વિલર્સ, ફોર વિલર્સ અને રથયાત્રા દરમ્યા શિવભકતોને અભીષકે થયેલ પવિત્ર ''રૂદ્રાક્ષ'' શિવપ્રસાદરૂપે આપવામાં આવશે.

શિવરથયાત્રાનો રૂટ આ મુજબ છે. સોરઠીયાવાડી સર્કલ ખાતેથી બપોરે ૩:૩૦ થી પ્રારંભ, નટેશ્વર મહાદેવ મંદિર ૩:૪૫, ધારેશ્વરમંદિર, ભકિતનગર સર્કલ-૪, મકકમ ચોક- ૪:૧૦, સુર્યકાંત હોટલ- ગોંડલરોડ- ૪:૩૦, મહાકાલેશ્વર મંદિર માલવીયાચોક- ૪:૪૦, રામકૃષ્ણ આશ્રમ યાજ્ઞીકરોડ- ૪:૫૫, જાગનાથ મંદિર- ૫:૧૫, અકિલા સર્કલ-૬, મોટી ટાંકી ચોક, અકિલાપ્રેસ- ૬:૩૦, પંચનાથ મંદિર,લીમડા ચોક- ૭, કાશી વિશ્વનાથ મંદિર, હરીહરચોક- ૭:૧૦, ચૌધરી હાઈસ્કુલ ગ્રાઉન્ડ સમાપન- ૭:૩૦. ભાવિકોને શોભાયાત્રામાં ઉમટી પડવા અનુરોધ કરાયો છે.

(4:00 pm IST)