Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

પેડક રોડ-કુવાડવા રોડ પર બે મેડિકલ સ્ટોરમાં ચોરી

વહેલી ચારથી સવા ચાર સુધીમાં કારમાં આવેલા તસ્કરોએ શટર તોડી હાથફેરો કર્યો : ધ્યેય મેડિકલમાંથી ૧૮ હજાર અને જીતેશ મેડિકલમાંથી ૬ હજાર ગયાઃ રવિભાઇ પટેલ અને ભરતભાઇ પટેલની ફરિયાદ :બહારના કેમેરા ઉંધા કર્યા પણ એક તસ્કર અંદરના કેમેરામાં દેખાઇ ગયો

જ્યાં ચોરી થઇ તે બંને મેડિકલ સ્ટોર, ઇન્સેટમાં તેના માલિકો અને જીતેશ મેડિકલમાં કાચ ફોડ્યો તે દરવાજો તથા નીચેની તસ્વીરમાં ફૂટેજમાં દેખાયેલો તસ્કર જોઇ શકાય છે (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૨: શહેરમાં તમામ પ્રકારની ગુનાખોરીએ માથુ ઉંચકયું છે. તસ્કરો પણ રેઢુ પડ જાણીને બેફામ બન્યા છે. વધુ બે દૂકાનોને નિશાન બનાવાઇ છે. વહેલી સવારે ચારથી સવા ચાર સુધીમાં પેડક રોડ અને કુવાડવા રોડ પર કારમાં આવેલા તસ્કરો બે મેડિકલ સ્ટોરના શટર તોડી ચોરી કરી ગયા છે. એક મેડિકલ સ્ટોરમાં તસ્કર સીસીટીવી કેમેરામાં દેખાયો હોઇ તેના આધારે તપાસ થઇ રહી છે.

પેડક રોડ પર આવેલા ધ્યેય મેડિકલ સ્ટોરમાં સવારે ચારેક કલાક આસપાસ કાર લઇને આવેલા બે બુકાનીધારી તસ્કરોએ શટર તોડી અઢાર હજારની રોકડ ચોરી હતી. એ પછી આ તસ્કરો કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમ સામે આવેલી ત્રણ શટરવાળી જીતેશ મેડિકલ સ્ટોર નામની દૂકાનમાં ત્રાટકયા હતાં. આ દૂકાનના શટરના નકુચા તોડી અંદરનો કાચનો દરવાજો તોડી એક બુકાનીધારી તસ્કર અંદર પ્રવેશ્યો હતો. ચારેક વાગ્યે સોૈ પહેલા તો આ તસ્કરોએ દૂકાન બહારના સીસીટીવી કેમેરા ઉંધા કરી નાંખ્યા હતાં. જો કે દૂકાનના કાઉન્ટરમાંથી આ તસ્કર રોકડ ચોરતો હતો ત્યારે તેના મોઢા પરની બુકાની હટી જતાં તેનો ચહેરો અંદરના કેમેરામાં કેદ થઇ ગયો હતો. આ દૂકાનમાંથી ૧૦-૧૦ની નોટોના છ-સાત હજારના બંડલો ચોરાયા છે.

જીતેશ મેડિકલ સ્ટોરના માલિક ભરતભાઇ મોહનભાઇ ભીમાણી (કડવા પટેલ) (રહે. નવો ૮૦ ફુટ રોડ, કુવાડવા રોડ સોમનાથ સોસાયટી રીયલ હોમ બી-૨૯)એ જણાવ્યું હતું કે બંને જગ્યાએ મેડિકલ સ્ટોરમાં એક જ તસ્કરોએ ચોરી કર્યાનું સમજાય છે. ધ્યેય મેડિકલના માલિક રવિભાઇ વિનોદભાઇ શેઢડીયા (લેઉવા પટેલ) (રહે. મોરબી રોડ બ્રહ્માણી પાર્ક-૧, શેરી નં. ૩) છે. બી-ડિવીઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(2:43 pm IST)