Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

શનિવારથી કોરોના રસીકરણ : મ.ન.પા.ના આરોગ્ય સ્ટાફ તથા મ્યુ. કમિશનર સહિતના કર્મચારીઓનું થશે વેકસીનેશન

૧૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના કોરોના વેકસીન લોન્ચ કરશે : શહેરના ૧૦ સ્થળોએથી લાઇવ વેકસીનેશન નિહાળશે : સિવિલ હોસ્પિટલ ખાતેના વેકસીન બુથ પરથી સંવાદ કરશે પ્રધાનમંત્રીશ્રી : તંત્રએ ૮ હજારના રસીકરણની તૈયારી કરી લીધી

રાજકોટ તા. ૧૨ : સમગ્ર દેશ કોરોના વેકસીનની પ્રતીક્ષા કરી રહ્યો છે ત્યારે આગામી ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના કુલ ૨૮૭ સ્થળોએ કોરોના વેકસીન લોન્ચ કરશે જેમાં રાજકોટના કુલ ૧૦ સ્થળોએથી લાઈવ વેકસીનેશન કરવામાં આવશે અને પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતેના વેકસીન બુથ પરથી પ્રધાનમંત્રી મેડીકલ સ્ટાફ અને લોકો સાથે સીધો સંવાદ કરશે અન્ય ૯ કોરોના બુથ પરથી લાઈવ વેકસીનેશન નિહાળશે. આ ઉપરાંત મ.ન.પા.ના આરોગ્ય, સફાઇ કામદારો અને ત્યારબાદ મ્યુ. કમિશનર સહિતના અધિકારીઓનું પણ રસીકરણ થશે.

સમગ્ર ગુજરાતમાં કુલ ૨૮૭ સ્થળોએથી લાઈવ વેકસીન લોન્ચ કરવામાં આવશે રાજકોટ શહેરના જે ૧૦ સ્થળોને કોરોના વેકસીન લોન્ચ કરવામાં આવનાર છે જેમાં (૧) પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, (૨) પદ્મકુંવરબા હોસ્પિટલ, (૩) સ્ટર્લિંગ હોસ્પિટલ, (૪) વોકહાર્ડ હોસ્પિટલ, (૫) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, (૬) નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, (૭) રામ પાર્ક આરોગ્ય કેન્દ્ર, (૮) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર, (૯) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર અને (૧૦) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ક્રીન મારફત માનનીય પ્રધાનમંત્રીશ્રી વેકસીનેશન નિહાળશે અને સિવિલ હોસ્પિટલ ખાતેથી સીધો સંવાદ કરશે.

વેકસીન બુથ પર રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ હાજર રહેશે જેમાં મેડીકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, UHC એમ.ઓ., કોવીડ એમ.ઓ., સ્ટાફ નર્સ, ડી.ઈ.ઓ. અને એમ.પી.એચ. ડબલ્યુ. વિગેરે સ્ટાફ બુથ પર ઉપસ્થિત રહેશે.

શહેરના ૧૦ વેકસીન બુથ પર ત્રણ રૂમમાં વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં પ્રથમ વેઇટિંગ રૂમ, દ્વિતીય વેકસીનેશન રૂમ અને ત્રીજો ઓબ્ઝર્વેશન રૂમ, જેમાં પ્રથમ રૂમમાં આવનાર વ્યકિતના ડોકયુમેન્ટ ચકાસણી કરવામાં આવી અને વેકસીન લેવા આવનાર વ્યકિતએ SMS (S-સેનીટાઈઝ, M-માસ્ક, S-ફીઝીકલ ડિસ્ટન્સ)નું પાલન કરવાનું રહેશે. દ્વિતીય રૂમમાં વેકસીન આપવાની પ્રક્રિયા અને ખાસ બનાવેલ co-win સોફટવેરમાં એન્ટ્રી કરવામાં આવશે અને ત્યારબાદ ત્રીજા રૂમમાં વેકસીન લેનારને ૩૦ મીનીટ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે અને ત્યાં પણ વ્યકિતએ SMS (S-સેનીટાઈઝ, M-માસ્ક, S-ફીઝીકલ ડિસ્ટન્સ)નું પાલન કરવાનું રહેશે.

(4:08 pm IST)