Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

મગફળી ખરીદીઃ રાજકોટ જીલ્લામાં ૧૦૦ ટકા ખેડૂતોને એસએમએસ મોકલી દેવાયાઃ ખરીદી પૂર્ણતાના આરેઃ ૮ કેન્દ્રો બંધ કરાયા : ૧૪ કેન્દ્રો પર હાલ ખરીદી

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ખરીદીમાં રાજકોટ નંબર વનઃ ૨૪ હજારથી વધુ ખેડૂતોએ ૧૫ લાખ ૫૫ હજાર ગુણી મગફળી વેચી : ૧૪ાા હજાર ખેડૂતોને ૨૪૪ કરોડનું ચૂકવણું: હજુ ૮૦ થી ૯૦ કરોડ ચૂકવવાના બાકીઃ ગયા વર્ષ કરતા આ વર્ષે ૫૦ ટકા ખેડૂતો આવ્યા

રાજકોટ, તા. ૧૨ :. રાજકોટ જીલ્લા પુરવઠા અધિકારી શ્રી પૂજા બાવડાએ આજે 'અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતુ કે રાજકોટ જીલ્લામાં હવે મગફળી ખરીદી પૂર્ણતાના આરે છે અને ૨ થી ૩ દિવસમાં ખરીદી પૂર્ણ થશે. કુલ ૨૨ કેન્દ્રો ઉપર ખરીદી શરૂ કરાઈ હતી. તેમાથી ૮ કેન્દ્રો ઉપર ખરીદી પૂર્ણ થતા તે બંધ કરાયા છે, જ્યારે ૧૪ કેન્દ્રો ઉપર ખરીદી ચાલુ છે.

તેમણે જણાવેલ કે આ વર્ષે મગફળી વેચાણ માટે રાજકોટ શહેર-જિલ્લામાં ૯૬૯૦૩ ખેડૂતોએ મગફળી અંગે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. તે તમામ ૯૬ હજાર ૬૩૧ ખેડૂતોને એસએમએસ મોકલાયા છે. એસએમએસ ૧૦૦ ટકા ખેડૂતોને મોકલાયા બાદ આજની તારીખે ૨૪૩૭૭ ખેડૂતોએ મગફળી વેચી છે. જેમાંથી ૯૦૯ ખેડૂતોની મગફળી રીજેકટ કરાઈ હતી. કુલ ૨૪૩૭૭ ખેડૂતોએ ૧૫ લાખ ૫૫ હજાર ૯૫૨ ગુણી મગફળી વેચી છે. જે ૪૬ લાખ મેટ્રીક ટનથી વધુ થવા જાય છે. આ મગફળી ખરીદીમાં ખેડૂતોને ૨૪૪ કરોડનું ચુકવણુ થઈ ગયુ છે. હજુ ૮૦થી ૯૦ કરોડ જેવુ ચુકવણુ બાકી છે. દરરોજ ચુકવણુ થઈ રહ્યુ છે. ૧૫ દિવસમાં એ પણ પૂર્ણ કરી લેવાશે.

ડીએસઓએ જણાવેલ કે ખરીદીના ૬૦ ટકા પેમેન્ટ થઈ ગયુ છે. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં મગફળી ખરીદીમાં રાજકોટ નંબર વન છે અને ચૂકવણામાં પણ પ્રથમ નંબરે છે.

શ્રી પૂજા બાવડાએ જણાવેલ કે આજ સુધીમાં રાજ્યમાં કુલ ૧ લાખ ૮ હજારથી વધુ ખેડૂતોએ મગફળી વેચી છે. જેના ૨ અબજ ઉપરાંત ચુકવણુ થયુ છે. રાજ્યમાં ખેડૂતોને નાણા ૮૦ ટકાથી વધુ ચૂકવાઈ ગયાનું મળતા અહેવાલો ઉમેરે છે.

(4:07 pm IST)