Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

સિવિલ હોસ્પીટલની સંવેદનશીલ સારવારથી મેયર બીનાબેન તેમનાં પતિ જયેન્દ્રભાઇએ કોરોનાને હરાવ્યોઃ રજા અપાઇ

કોવિડ હોસ્પીટલનાં ૧૧૦ ડોકટરો, ૪૦૦ નર્સિંગ સ્ટાફ, ૧૭૦ સફાઇ કામદારોની ટીમ સતત ખડે પગે ફરજ બજાવે છેઃ દરેક દર્દીને ઉત્તમ ભોજન અપાય છેઃ ભેદ-ભાવ વગર તમામને સુંદર સુવિધા અપાય છેઃ હોસ્પીટલમાં થયેલ સુઃખદ અનુભવો વર્ણવતાં પ્રથમ નાગરિક

રાજકોટ,તા.૧૧: વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે. જેના અનુસંધાને રાજકોટમાં પણ કોરોનાના સંક્રમણના કેસમાં વધારો થતો રહ્યો છે. મેયર બિનાબેન આચાર્ય તેમજ તેમના પતી જયેન્દ્રભાઈ આચાર્યને કોરોના પોઝીટીવ આવતા તા.૦૩-૦૯-૨૦૨૦ના રોજ પંડિત દિન દયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ ખાતે એડમીટ થયેલ. ગઈકાલ એટલે કે તા.૧૦-૦૯-૨૦૨૦ના રોજ હોસ્પિટલમાંથી બન્નેને ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે.

પોઝીટીવ કોરોના ધરાવતા દર્દીઓ વધુમાં વધુ કોરોનાને મહાત આપી બહાર આવે તે માટે માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સરકાર સતત ચિંતિત છે.

મેયર બિનાબેનએ જણાવેલ કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અદ્યતન બિલ્ડીંગ બનાવવામાં આવેલ છે તેનાથી પણ વિશેષ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટેની સેવાઓ ઉપલબ્ધ કરાયેલ છે. કોવીડ-૧૯ના દર્દીઓને ઉતમ માં ઉતમ સારવાર મળે તે માટે તમામ સગવડ ઊભી કરવામાં આવેલ છે સાથે સાથે ૪૫ જેટલા નોડલ અધિકારીઓ સુપરવિઝન કરી રહ્યા છે. તેમજ ૧૧૦ જેટલા રેસીડેન્ટ ડોકટર, ૫૦ જેટલા કન્સલ્ટન્ટ ડોકટર, ૫૦ જેટલા પેથોલોજીસ્ટ, રેડીઓલોજીસ્ટ સતત ત્રણ શિફટમાં દિવસ-રાત જોયા વગર કામ કરી રહ્યા છે. આ ઉપરાંત ૪૦૦ નર્સિંગ સ્ટાફ, ૧૫ હેડ નર્સ, ૨૫ સુપરવાઈઝર અને અમદાવાદ, સુરતથી આવેલ ડોકટર પણ સતત ફરજ બજાવી રહેલ છે.

વિશેષમાં, એક શિફટમાં ૧૭૦ જેટલા હાઉસ ફિઝિંગ સ્ટાફ અને ૪૫ જેટલા એટેન્ડર, સાફ સફાઈ, દર્દીઓને જમવાનું-નાસ્તો વિગેરેની કામગીરી કરી રહ્યા છે.

રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ વધતા માન.મુખ્યમંત્રી શ્રી સતત ચિંતિત રહી તાજેતરમાંજ આરોગ્ય સચિવ જયંતિ રવિ તેમજ ડોકટરો વિગેરેની ટીમ એક અઠવાડિયા માટે રાજકોટમાં રહેલ. આ ઉપરાંત કોવીડ-૧૯ના બેડમાં વધારો કરવા માટે બે દિવસ પહેલા જ કેન્સર રીસર્ચ હોસ્પિટલ ખાતે બેડ બનવવામાં આવેલ છે અને રાજકોટ સિવિલમાં ડોકટરોની પણ ફાળવણી કરવામાં આવેલ છે. સિવિલ હોસ્પિટલમાં કોવીડ-૧૯ના દાખલ થયેલ દર્દી વી.આઈ.પી. હોય કે સાવ ગરીબ દ્યરનો વ્યકિત હોય તે તમામની સારવાર એક સરખી થાય તે માટે સતત ફોલોઅપ લઇ રહ્યા છે.

મેયર બિનાબેન આચાર્યએ પણ સિવિલની સારવાર દરમ્યાન કોરોના દર્દીની સારવારની કામગીરી નિહાળેલ હતી અને માહિતી મેળવેલ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે કામ કરી રહેલ તમામ ડોકટર, નર્સિંગ સ્ટાફ તેમજ અન્ય  જોડાયેલ સ્ટાફની કામગીરી સરાહનીય છે. સારવારની સાથે સાથે પીવાનું શુદ્ઘ પાણી, આયુર્વેદિક ઉકાળો, જમવાનું-નાસ્તો વિગેરે માટે પણ ખૂબ તકેદારી લેવામાં આવી રહી છે. માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યકત કરું છું. હું અને મારા પતિ કોરોના સંક્રમિત થતા પાર્ટીના હોદેદારો, કોર્પોરેટરશ્રીઓ, શહેરમાં પ્રસિદ્ઘ થતા પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયાના તંત્રીશ્રીઓ, પ્રતિનિધિશ્રીઓ, શહેરના નાગરિકો, સગા-સબંધીઓ વિગેરે ખબર અંતર પૂછી વહેલાસર કોરોનાથી મુકત થાવ તેવી શુભેચ્છા પાઠવનાર તમામનો હું આભાર વ્યકત કરું છું.

(3:33 pm IST)