Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

સિવિલ કોવિડમાં દરરોજ ૫૦૦ બેડ પર દર્દીઓને પીરસાય છે તાજા ફ્રુટ અને પૌષ્ટીક ભોજનઃ દર્દીઓમાં સંતોષની લાગણી

બે ડેપ્યુટી કલેકટર સહિત ૯ સભ્યોની ટીમ સીસીટીવી કેમેરાથી રાખે છે કામગીરી પર દેખરેખ

રાજકોટ તા. ૧૧ : 'નો વેઇટીંગ,નો લેઇટ,નો કોલ એન્ડ પરફેકટ સર્વ' નુ સૂત્ર રાજકોટની પી.ડી.યુ. કોવીડ હોસ્પિટલમાં પારકાને પોતીકા તરીકે અપનાવીને સાર્થક થાય છે.આજે વાત કરવી છે રાજકોટના કોરાનાના દર્દીઓની પળે પળની ખેવનાની જેનાં રાજય સરકારની દર્દીઓ પ્રત્યેની સંવેદના ઝંકૃત થતી જોવા મળે છે.

ઘરમાં સ્વજન બીમાર હોય તો પરિવારજનો જે રીતે દર્દીની સેવા ચાકરી કરે છે એવી સેવા ચાકરી પ્રજાના દુઃખે દુઃખી અને પ્રજાના સુખે સુખી એવી સરકારની હદયગમ્ય અભિગમને સાર્થક કરવા રાજકોટની ડિસ્ટ્રિકટ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં કર્મયોગીઓ કરી રહ્યા છે.

રાજકોટની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ માટેના ફુડ મેનેજમેન્ટમાં અલગ અલગ ટીમ દિવસ-રાત કામ કરી રહી છે.તેમાં દર્દીઓને હેલ્ધી નાસ્તો સવારે ૭-૩૦ મિનિટે આપ્યા પછી તરોતાજા ફળ પીરસવામાં આવે છે.

અગ્ર સચિવ ડો.જયંતિ રવિ, કોવિડ અંતર્ગત વરિષ્ઠ અધિકારી ડો.રાહુલ ગુપ્તા, કલેકટર રેમ્યા મોહન દર્દીઓની સેવાઓમાં સારામાં સારી ગુણવત્તા જળવાઈ રહે તે માટે દરેક બાબત માટે સિનિયર અધિકારીઓની ટીમ બનાવીને દોરવણી આપી રહ્યા છે. દર્દીઓને તાજા ફ્રુટ મળે, સમયસર મળે અને દરેક દર્દીને પુરતી ફ્રુટ ડિશ મળી ગઈ છે કે કેમ ? અને દર્દીઓના પ્રતિભાવો જોડીને આ સેવાને વધુ સારી બનાવવા માટે બે નાયબ કલેકટરની આગેવાનીમાં એક ટીમ બનાવવામાં આવી છે .

આ અંગે વધુ વિગત આપતા નાયબ કલેકટર શ્રી રાજેશ આલે જણાવ્યું હતું કે, આ ટીમમાં તેઓ તેમજ નાયબ કલેકટર નિર્ભય ગોંડલીયા, બે નાયબ મામલતદાર, ચાર રેવન્યુ તલાટી અને એક આર્મીના રીટાયર્ડ અધિકારી દેખરેખ અને મેનેજમેન્ટ સુનિશ્ચિત કરવા સેવા આપી રહ્યા છે, જેમાં એજન્સી દ્વારા લવાયેલ ફ્રુટનો જથ્થો અને તાજા અને નક્કી કરાયેલા મેનુ મુજબ છે કે કેમ તેની દેખરેખ રાખી સર્વિસ પ્રોવાઇડર પાંચ સર્વન્ટ ફ્રુટને પાણીથી સાફ કરી ફ્રૂટની ડીશ તૈયાર કરે છે.

ફુટ અને જયૂસમાં લીંબુ પાણી આપવામાં આવે છે. જયારે ફ્રુટ ડીશનુ વિતરણ શરૂ હોય ત્યારે સીસીટીવી કેમેરામાં તેનું નિરીક્ષણ કરવામાં આવે છે. દર્દીઓના પ્રતિભાવો પણ લેવામાં આવે છે એ પ્રમાણે અલગ અલગ દિવસે ફ્રુટ બદલાતા જાય છે. દર્દીની રોગપ્રતિકારક શકિત વધે એ પ્રકારના ફ્રુટ દર્દીને મળે એ બાબતનું પણ ધ્યાન રાખવામાં આવે છે.નાસ્તા પછી લીંબુ પાણીની સેવા તો પહેલેથી જ હતી પરંતુ ગઈકાલથી ફ્રુટની સેવા શરૂ થઈ છે અને પ્રથમ દિવસે સફરજન અને કેળાની ૫૦૦ ડિશ દરદીઓને પીરસવામાં આવી હતી. આજે મોસંબી અને કેળાની ડીશ બનાવીને આપવામાં આવી હતી. નાસ્તો, ફ્રુટ અને લીંબુ પાણી, બપોરનું જમવાનું, સાંજે ચા બિસ્કીટ પછી રાત્રે જમવાનું અને છેલ્લે હળદર વાળું દૂધ અને સમયાંતરે ઉકાળો પણ આપવામાં આવે છે.

કોરોના હોસ્પિટલમાં દર્દીને સ્વજનોની ગેરહાજરીથી સેવા ચાકરીમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એ માટે કર્મયોગીઓની- જિલ્લા વહીવટીતંત્ર અને તબીબો પેરામેડિકલ સ્ટાફની આ તપશ્ચર્યા 'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે, પીડ પરાઈ જાણે રે' ની પંકિત ના રાહે દર્દી નારાયણ પ્રત્યેની આત્મીયતા અને ખેવના સાર્થક કરે છે. સરકારી તંત્રની આ કામગીરીથી દર્દીઓએ સંતોષની લાગણી વ્યકત કરી હતી.

(2:46 pm IST)