Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

હાથીખાનામાં નોટરી મહેશભાઇના ઘરે સગા મોટા ભાઇ અને ભત્રીજાની ધમાલઃ હુમલો કરી ધમકી

તમે મકાન વેંચવા દેતા નથી કહી હરકાંતભાઇ અને તેના પુત્ર મિહીર જોષીએ ડખ્‍ખો કર્યાની ફરિયાદ : મહેશભાઇના પત્‍નિ પારૂલબેન, પુત્રી વિધીબેન અને પુત્રવધૂ દિપાલીબેનને ઢીકા-પાટુ મારતાં સારવાર લેવી પડીઃ મિહીરે વિધીબેનના વાળ પકડી ઢસડીને કહ્યું આજે તો પતાવી જ દેવી છે

રાજકોટ તા. ૧૧: હાથીખાનામાં રહેતાં નોટરી મહેશભાઇ જોષીના ઘરે તેમના જ મોટા ભાઇ અને ભત્રીજાએ આવી મકાન વેંચી નાંખવા બાબતે માથાકુટ કરી મહેશભાઇના પત્‍નિ પારૂલબેન જોષી (ઉ.૫૮), દિકરી વિધીબેન (ઉ.૨૯) અને પુત્રવધૂ દિપાલી નિશાંત જોષી (ઉ.૨૯)ને માર મારી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. મારામારીમાં ઇજા થતાં ત્રણેયને સારવાર માટે દાખલ કરાયા હતાં.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે હાથીખાના-૧માં રહેતાં નોટરી મહેશભાઇ શાંતિલાલ જોષીના દિકરી વિધીબેન જોષી (ઉ.૩૦)ની ફરિયાદ પરથી મોટા મવા સપ્‍તપદી પાટી ર્પ્‍લોટ મેઇન રોડ હરિઓમ પાર્ક પ્‍લોટ નં. ૧૧માં રહેતાં તેના મોટા બાપુ એડવોકેટ હરકાંતભાઇ શાંતિલાલ જોષી અને તેના પુત્ર મિહીર હરકાંતભાઇ જોષી વિરૂધ્‍ધ આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી બંનેની અટકાયત કરવા તજવીજ કરી હતી.

વિધીબેને પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું મારા માતા-પિતા અને ભાઇ ભાભી, દાદી તથા ભત્રીજા સાથે રહુ છું. શુક્રવારે ૧૦મીએ સાંજે હું મારા મમ્‍મી પારૂલબેન, ભાભી દિપાલીબેન નિશાંતભાઇ જોષી, દાદી નર્મદાબેન સહિતના ઘરે હતાં ત્‍યારે મારા ભાઇજી (મોટા બાપુ) હરકાંતભાઇ જોષી અને તેમનો દિકરો મિહીર અમારી ઘરે આવ્‍યા હતાં. આ બંને મારા મમ્‍મીને ‘તમે મકાન વેંચવા દેતા નથી, જો મકાન નહિ વેંચવા દો તો તમને બધાને મારી નાખશું' તેમ કહી ગાળો દેવા માંડયા હતાં.

એ પછી મિહીરે મને ખુરશી પરથી ઉભી કરી વાળ પકડી ઢસડી હતી અને ઢીકાપાટુનો માર મારી બંને હાથ પર વીખોડીયા ભરી લીધા હતાં. તેમજ મને પણ ‘આજે તો તને મારી જ નાંખવી છે' તેમ કહી ધમકી દીધી હતી. મારા ભાભી દિપાલીબેન અને માતા પારૂલબેન મને છોડાવવા આવતાં મિહીર અને ભાઇજી હરકાંતભાઇએ તેમને પણ ઢીકાપાટુનો માર મારી ગાળો ભાંડી હતી. આ પછી આ  બંને ભાગી ગયા હતાં. મારા ભાભીએ ૧૦૮ બોલાવતાં અમને હોસ્‍પિટલમાં લઇ ગયા હતાં. વિધીબેનના ભાઇ નિશાંત જોષીએ કહ્યું હતું કે તેમના પિતા મહેશભાઇ નોટરી છે અને પોતે એડવોકેટ છે.  પોતે જ્‍યાં રહે છે એ મકાન સહીયારું હોઇ તેના ભાગ મામલે આ માથાકુટ થઇ હતી. હેડકોન્‍સ. આર. એલ. વાઘેલાએ ફરિયાદ નોંધી આરોપીઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરી હતી.

(3:07 pm IST)