Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

બાંકડે બેઠા-બેઠા ઢળી પડેલા રાવળદેવ વૃધ્ધનું મોતઃ હત્યાનો આક્ષેપ,પણ મોત હાર્ટએટેકથી થયાનું ખુલ્યું

સાંજે આજીડેમ ચોકડી પાસે બેઠેલા બાલાજી પાર્કના નિવૃત પોસ્ટ કર્મચારી અરવિંદભાઇ રાવળદેવ (ઉ.૫૮) સાથે એક કપલે માથાકુટ કર્યા બાદ ટોળાએ પણ માર માર્યાની વાતે પુત્રએ હત્યાનો આક્ષેપ કરતાં લાશનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું : પુત્રએ કહ્યું- મારકુટ બાદ વૃધ્ધ પિતાને આજીડેમ ચેક પોસ્ટના બાંકડા પર બેસાડાયા'તાઃ ત્યાં બેઠા-બેઠા ઢળી પડ્યા'તા

રાવળદેવ વૃધ્ધ નિવૃત પોસ્ટ કર્મચારી  અરવિંદભાઇ સોઢાનો નિષ્પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો અને હત્યાનો આક્ષેપ કરનાર પુત્ર જીજ્ઞેશભાઇ સોઢા (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૧: આજીડમ ચોકડી નજીક બાલાજી પાર્કમાં રહેતાં અને અગાઉ બગસરામાં પોસ્ટ કર્મચારી તરીકે નોકરી કરી ચુકેલા રાવળદેવ વૃધ્ધ અરવિંદભાઇ ભીમજીભાઇ સોઢા (ઉ.૫૮) ગત સાંજે આજીડેમ ચેક પોસ્ટના બાંકડા પર બેઠા-બેઠા ઢળી પડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. તેઓ બાંકડા પરથી ધીમે-ધીમે નીચે પડતાં અને કપાળ રોડ પર અથડાય છે એવું દ્રશ્ય સીસીટીવી કેમેરામાં દેખાય છે. જો કે પુત્ર જીજ્ઞેશભાઇએ એવો આક્ષેપ કર્યો હતો કે પિતા બાંકડેથી પડી ગયા એ પહેલા આજીડેમ ચોકડીના નાલા નજીક એક કપલ (યુવક-યુવતિ)એ છેડતીનો આરોપ મુકી તેણે મારકુટ શરૂ કરી હતી અને સાથે ટોળાએ પણ ધોલધપાટ કરી હતી. આ ધટના બાદ પિતાને ચેકપોસ્ટ પર લાવવામાં આવ્યા હતાં અને ત્યાં બાંકડે બેઠા-બેઠા પડી ગયા હતાં. તેમનું મોત મારના આધાતને કારણે કે મારને લીધે થયાનું અમને લાગે છે. આથી ફોરેન્સિક પોસ્ટ મોર્ટમની માંગણી કરી હતી. જેનો રિપોર્ટ આવતાં મોત હાર્ટએટેકથી થયાનું સ્પષ્ટ થયું છે.

બનાવની વિગત જોઇએ તો બાલાજી પાર્કમાં રહેતાં અરવિંદભાઇ સોઢા નિવૃત જીવન જીવતા હોઇ લગભગ દરરોજ સાંજે ધર નજીક ડેમની ચોકડીના નાલા પાસે બેસવા જાય છે. ગત સાંજે પણ ત્યાં બેઠા હતાં ત્યારે ટોળુ તેમને મારકુટ કરતું હોવાની જાણ પડોશી યોગેશભાઇને થતાં તેઓ દોડી ગયા હતાં. જો કે એ પહેલા તેમને આજીડેમની ચેક પોસ્ટ પર સ્ટીલના બાંકડા છે ત્યાં બેસાડાયા હોઇ બાંકડેથી પડી જતાં બેભાન થઇ ગયાની ખબર પડી હતી અને ૧૦૮ને બોલાવી સિવિલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ અરવિંદભાઇનું મોત નિપજ્યાનું તબિબે જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

બનાવને પગલે મૃતકના પુત્રો જીજ્ઞેશભાઇ સોઢા, પિયુષભાઇ તેમજ અન્ય પરિવારજનો દોડી આવ્યા હતાં. પુત્ર જીજ્ઞેશભાઇએ જણાવ્યું હતું કે તપાસ કરતાં અમને માહિતી મળી હતી કે મારા પિતા ડેમ ચોકડીના નાલા પાસે બેઠા હતાં ત્યારે એક યુવક-યુવતિ ત્યાંથી પસાર થતાં હોઇ યુવતિએ પોતાની છેડતી થયાનો અને મારા પિતાએ તેમને ગાળો દીધાનો આક્ષેપ કરી તેની સાથે મારકુટ શરૂ કરી હતી. એ દરમિયાન ટોળુ પણ ભેગુ થઇ ગયું હોઇ ટોળાએ પણ માર્યો હતો. બાદમાં કોઇએ ફરિયાદ કરવી હોય તો પોલીસ સ્ટેશને જાવ તેમ કહી બધાને છુટા પાડ્યા હતાં અને એ યુવક-યુવતિ સહિતના લોકો મારા પિતાને આજીડેમ ચોકડીની ચેકપોસ્ટ પર લાવ્યા હતાં. જ્યાં મારા પિતાને બાંકડા પર બેસાડાયા હતાં. તેઓ બાંકડા પરથી અચાનક ઢળી પડ્યા હતાં. આવા ફૂટેજ પોલીસે મને બતાવ્યા છે અને મોત કુદરતી હાર્ટએટેક આવવાથી થયાનું મને કહ્યું છે.

પરંતુ મને દ્રઢ શંકા છે કે મારા પિતાને કપલ અને ટોળાએ છેડતીનો આરોપ મુકી મારકુટ કરી હોઇ તેના કારણે તેમનું મોત થયું છે. આથી અમે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.

દરમિયાન બપોરે પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવતાં તેમાં અરવિંદભાઇનું મોત હાર્ટએટેકથી થયાનું સ્પષ્ટ થયું છે.

અરવિંદભાઇનું મોત મારથી થયાનો પુત્રએ આક્ષેપ કર્યો હતો.  ત્યારે બીજી તરફ જેની સાથે માથાકુટ થયાનું કહેવાય છે એ યુવતિએ પણ મૃતક અરવિંદભાઇએ પોતાની છેડતી કર્યાના આરોપ સાથે અરજી આપવા તજવીજ કરી હતી. પોલીસે આ યુવતિ અને સાથેના યુવાન પાસેથી પણ માહિતી મેળવવા તજવીજ કરી હતી.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈતે જણાવ્યું હતું કે મામલો કુદરતી મૃત્યુનો જ હોવાાનું સીસીટીવી ફૂટેજ પરથી સ્પષ્ટ થયું છે. ડીસીપી બલરામ મીના, એસીપી બી. બી. રાઠોડની રાહબરી હેઠળ પી.આઇ. પી.એન. વાધેલા, ભકિતરામભાઇ, પંકજભાઇ, કિરીટભાઇ રામાવત સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

મૃત્યુ પામનાર અરવિંદભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજા હતાં. અન્ય ભાઇઓના નામ વાસુદેવભાઇ, વિનુભાઇ અને બહેનનું નામ સુશિલાબેન છે. મૃતકના પત્નિનું નામ મધુબેન છે. બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે.

સીસીટીવી ફૂટેજના કારણે મૃતક અરવિંદભાઇના પરિવારજનોને ઉદ્દભવેલી શંકાનું નિરાકરણ થયું: પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત

. પોલીસ કમિશ્નર શ્રી ગહલોૈતે જણાવ્યું હતું કે આ ધટનામાં સીસીટીવી ફૂટેજ પણ મળ્યા હતાં. જે મૃતકના સ્વજનોને બતાવાયા હતાં. બીજી તરફ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પણ હાર્ટએટેકનો આવ્યો હોઇ આ ધટનામાં મૃતકના પરિવારજનોને ઉદ્દભવેલી શંકાનું સમાધાન થયું હતું.

(4:41 pm IST)