Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

રાજકોટમાં યોજાશે અનોખી...'ડોગ ફન પાર્ટી' વીથ ડિનર -DJ ડાન્સ

૨૧મીએ ડીઝમી લેન્ડમાં ઉમટશે શ્વાનોની જમાતઃ સ્વીમીંગ પૂલમાં પાર્ટી, શ્વાનો માટે ભાવતા ભોજન પીરસાશે, ડોગના આચાર-વિચાર-આરોગ્ય અને સાર સંભાળ માટે નિષ્ણાતો-શ્વાનપ્રેમીઓને અપાશે માર્ગદર્શનઃ વિમલ ગોહેલ, આશિષ ધામેચા, કૌશિક માવદિયા, વિશાલ કટ્ટા, નિકંજ દવે એન્ડ ટીમનું અનેરૂ આયોજનઃ તડામાર તૈયારીઓ

રાજકોટઃ ડોગ ફન પાર્ટીના આયોજન અંગે અકિલા કાર્યાલય ખાતે વિગતો રજુ કરી રહેલા લક્કી ડોગ્સના વિમલ ગોહેલ,  આશીષ ધામેચા, કૌશીક માવદીયા, વિશાલ કટ્ટા વિ. આયોજકો દર્શાય છે. બાજુની તસ્વીરમાં ડોગન ફન પાર્ટીનું નિમંત્રણ કાર્ડ નજરે પડે છે.

રાજકોટ, તા., ૧૧: માણસ અને શ્વાનો વચ્ચેનો સંબંધ મહાભારતનાં યુગથી જાણીતો અને માલીક પ્રત્યે શ્વાનની વફાદારી ચરમસીમા સુધી હોવાનું સૌ કોઇ અનુભવે છે. જે ઘરમાં ડોગને પાળવામાં આવે છે ત્યાં ડોગને કુટુંમ્બનો સભ્ય ગણવામાં આવે છે. રાજકોટમાં શ્વાનપ્રેમીઓ દ્વારા અવાર-નવાર ડોગ-શો યોજવામાં આવે છે. જેમાં શ્વાનોનો દેખાવ દોડ સ્પર્ધા જેવા આયોજનો થયા છે. પરંતુ હવે યોજાવા જઇ રહી છે માત્ર અને માત્ર ડોગ માટેની જ નોખી અનોખી ડીનર એન્ડ ડીજે ડાન્સ પાર્ટી જે 'ડોગ ફન પાર્ટી' તરીકે ઓળખાય છે અને સમગ્ર ભારતમાં આ પ્રકારની એવી પ્રથમ ડોગ પાર્ટી યોજાશે જેમાં પ્રત્યેક શ્વાન સાથે એક વ્યકિત તરીકેનો વર્તાવ કરી અને દરેક શ્વાનને અભુતપુર્વ આનંદ મળે તે માટેના પુરા પ્રત્યનો થશે.

આ નોખી અનોખી પાર્ટીનું આયોજન કરનાર સૌરાષ્ટ્રનાં પ્રસિધ્ધ લક્કી ડોગ્સના વિમલ ગોહેલ, આશીષ ધામેચા, કૌશીક માવદીયા, વિશાલ કટ્ટા, નિકંજ દવેની ટીમે 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાત દરમિયાન વિગતો રજુ કરતા જણાવ્યું હતું કે,

હાલમાં દેશ વિદેશમાં શ્વાન પાળવાનો શોખ દિવસેને દિવસે લોકોમાં વધતો જાય છે. જેમા આપણા રાજકોટમાં પણ આ શોખ વધતો જોવા મળે છે. આ એક એવો શોખ છે જેના કારણે માણસનું જીવન અલગ જ અને આનંદદાયક બની જાય છે. શ્વાન પાળવાના શોખ સાથે શ્વાનની ગુણવત્તાના પણ શોખીનો જોવા મળે છે. જેના માટે દરેક શહેરમાં શ્વાનના શો પણ થાય છે. આ બધા શો માં શ્વાનની નસલની સાચી ઓળખ અને તેની બ્રીડના માપદંડ નક્કી કરવામાં આવે છે. આવા શો આપણા રાજકોટમાં પણ ઘણા થયેલ છે. જે દરેક શ્વાન પ્રેમીઓને ખબર જ હશે.

હવે આ શો થી અલગ અને લોકોને શ્વાનની સાચી માહિતી, શ્વાન ને લગતા તબીબી નિવારણ, શ્વાનની તાલીમના ઉપાયો અને શ્વાન પ્રેમીઓને પડતી તકલીફોના નિવારણ માટે રાજકોટ ખાતે આવેલ અને સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત લકી ડોગ્સ (વિમલ ગોહેલ, આશિષ ધામેચા, કૌશિક માવદિયા, વિશાલ કટ્ટા) દ્વારા આગામી તારીખ ૨૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ બપોરે ૩ વાગ્યાથી લઈને રાત્રે ૮ વાગ્યા સુધી એક ભવ્ય અને શાનદાર આયોજન કરેલ છે. જેમા શ્વાન પ્રેમીઓ પોતાના શ્વાનને લઈને આ આયોજનનો પુરો લાભ ઉઠાવશે. સાથે જેમની પાસે શ્વાન નથી એવા પણ હજારો અશ્વ પ્રેમીઓ અલગ અલગ બ્રીડના શ્વાન નિહાળવા અને તેનો આનંદ ઉઠાવવા ત્યાં પધારશે.આ  ભવ્ય આયોજનમાં નોંધણી કરાયેલ શ્વાન તેના માલિક અને પરિવાર સાથે ઉપસ્થિત રહેશે ત્યાં શ્વાનના સ્વાગતમાં એક વેલકમ ડ્રીંક તરીકે પપ્પી ચીનો દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ ૩ વાગ્યાથી પ વાગ્યા સુધી શ્વાનન પુલ પાર્ટીનું આયોજન કરેલ છે જેમાં પધારેલ શ્વાન માલીકો પોતાની ઇચ્છા મુજબ પોતાના શ્વાનને સ્વીમીંગ પુલમાં સ્નાન કરાવશે. જયાં શ્વાન સ્નાન સાથે રમત રમતા અને ગમત કરતા ત્યાં હાજર તમામ લોકોમાં એક આનંદદાયક વાતાવરણ ઉભુ કરશે.

તે પછી પ વાગ્યાથી પ-૩૦ સુધી સારા અને અનુભવી તબીબો દ્વારા શ્વાનના માલિકોને તેની દેખરેખ અંગેનું પ્રાથમિક જ્ઞાન આપશે. ત્યારબાદ આવેલ તમામ શ્વાનને એક પછી એક તપાસવામાં આવશે અને તેને લગતી તકલીફોનું નિરાકરણ કરવામાં આવશે.

પ-૩૦ થી ૬-૩૦ શ્વાનની શો તાલીમ બતાવામાં આવશે જેમાં શ્વાનને કોઇપણ શોમાં લઇ જવા હોઇ તો તે શોમાં માલિકે શ્વાનને કેવી રીતે હેન્ડલ કરવો, કેવી રીતે શ્વાનને કાબુમાં કરવો અને બીજી શો માટેની ઘણી માહિતી આપવામાં આવશે.

ત્યારબાદ ૬-૩૦ થી ૭-૩૦ નોંધણી થયેલ તમામ શ્વાનનું બીહેવિયર સોલ્યુશન એટલે કે માલિક અને પરિવારને શ્વાનની ખોટી આદતોના લીધે પડતી તકલીફોનું એક પછી એક નિરાકરણ કરવામાં આવશે તે પછી એક પાલતુ શ્વાન પોતાના માલિક, પરિવાર ઉપરાંત પોતાને સોપેલી રક્ષણની જવાબદારી કેવી રીતે નિભાવી શકે અને હાલ બનતા બનાવોમાં શ્વાન પરિવારને કઇ રીતે મદદરૂપ થઇ શકે તેની લાઇવ તાલીમ બાતમાં આવશે. જે એક શ્વાન પ્રેમીઓ માટે અદ્દભુત અનુભવ બનશે.

અંતમાં બધા શ્વાન માટે એક સ્વાદિષ્ટ ડીનરનું આયોજન કરેલ છે જેમાં દરેક શ્વાન માટે અલગ-અલગ વેજ તથા નોનવેજ મેનુ રાખવામાં આવેલ છે જે દરેક શ્વાનને બધી જ આઇટમ પીરસવામાં આવશે. જેનો આનંદ દરેક શ્વાન લઇ શકશે ઉપરાંત ડીનર સાથે ડીજે તથા ડાન્સનું આયોજન પણ કરેલ છે જેથી બધા પોતાના શ્વાન સાથે એક આનંદદાયક અને યાદગાર સમય પસાર કરી શકે છે.

આમ રાજકોટમાં પહેલીવાર આયોજન કરેલ આવા ભવ્ય શ્વાન ફન પાર્ટીમાં શ્વાન માલીકો ઉપરાંત શ્વાન ચાહકોને પણ પધારવા લકી ડોગ્સ દ્વારા આમંત્રણ પાઠવાયુ છે.

ભારતની સૌ પ્રથમ 'ડોગ ફન પાર્ટી '

રાજકોટઃ 'ડોગ ફન પાર્ટી'ના આયોજકોએ જણાવ્યું હતું કે, ભારતમાં આ પ્રકારની 'ડોગ ફન પાર્ટી' કયારેય નથી યોજાઇ. જે હવે રાજકોટમાં સૌ પ્રથમ યોજાશે. તે દરેક રાજકોટવાસીઓ માટે ગૌરવપ્રદ બનશે. અગાઉ આ પ્રકારે દુબઇનાં અબુધાબીમાં આવી 'ડોગ ફન પાર્ટી' યોજાઇ હતી.

ડોગ ફન પાર્ટી માણવાં આ સ્થળોએ રજીસ્ટ્રેશન કરાવો

લક્કી ડોગ્સ-અમીન માર્ગ, ગંગા હોલ સામે રાજકોટ ૭૮૭૮૩ પપપપ૭.લક્કી ડોગ્સ- જયનાથ હોસ્પીટલની બાજુમાં, ભકિતનગર સર્કલ પાસે રાજકોટ-૭૬૦૦૦૮૧૦પર.લક્કી ડોગ્સ ટ્રેનીંગ અને હોસ્ટેલ-રૈયા રોડ, રૈયા ગામ, રાજકોટ -૭૬૦૦૦ ૮૧૦પ૦, ૭૬૦૦૦ ૮૧૦પ૧.ડેનીસ કોફી બાર-ડીઝમી લેન્ડ, કાલાવડ રોડ રાજકોટ-૯૯ર૪ર ૧૪૬પ૭.

એવરી ડોગ હેઝ ઇટસ ડે...: શ્વાનોને અપાશે પપ્પી ચીનો વેલકમ ડ્રીંકસ

રાજકોટઃ અહી યોજાઇ રહેલી ડોગ ફન પાર્ટીમાં દરેક શ્વાનોને સૌ પ્રથમ વેલકમ ડ્રીંકસ અપાશે. જેમાં શ્વાનોને પ્રીય એવું 'પપ્પી ચીનો' અપાશે. ઉપરાંત ડિનરમાં વેજ અને નોજવેજ બંન્ને કેગેગરીમાં ચીઝ,દહીં, જેવા વ્યંજનોથી ભરપુર એવા ૪ જાતના ભોજનો પીરસવામાં આવશે.

ડોગ ફન પાર્ટીના મુખ્ય ઉદ્દેશો

રાજકોટઃ આ અનોખી ડોગ ફન પાર્ટીના આયોજનના મુખ્ય ઉદેશો આ મુજબ છે.

* શ્વાન પ્રેમીઓ તેની સુરક્ષા માટે કયા બ્રીડનાં ડોગ પાળી શકે તેની જાણકારી મળી શકશે.

* ડોગની ખરાબ આદતો સુધારવા માટે સ્થળ પર જ માર્ગદર્શન

* ડોગની તાલીમ અંગે માર્ગદર્શન

* ડોગની હેલ્થ માટે માર્ગદર્શન

(2:58 pm IST)