Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

જિલ્લા પંચાયતમાં આધુનિક યુગના મંડાણ : ભવિષ્યમાં સામાન્ય સભા પણ પેપરલેસ બનાવવાની વિચારણા

ચૂંટાયેલા સભ્યોને ટેબ્લેટ આપવાની તપાસાતી શકયતા

રાજકોટ,તા. ૧૦ : જિલ્લા પંચાયતની વહીવટી પધ્ધતિમાં આધુનિક ટેકનોલોજી આધારિત મોટા ફેરફારો આવી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરીએ સરકારની નીતિ મુજબ પેપરલેસ વહીવટ તરફ કદમ માંડી દીધા છે. હવે પછી પંચાયતના અધિકારીઓ સાથેની ગ્રામ સ્તર સુધીની બેઠકો પેપરસેલ કરવાનું નક્કી થયું છે. જરૂર પડયે પંચાયત કચેરીથી કાર્યક્ષેત્રના સ્થાનિક સ્તર સુધી વિડીયો કોન્ફરન્સ કરવામાં આવશે. તેની પૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે.

પંચાયતના વર્તુળોએ જણાવેલ કે પેપરલેસ વહીવટ સુશાસન તરફનું મહત્વનું કદમ છે. તા. ૧૫ સપ્ટેમ્બરની સામાન્ય સભા રાબેતા મુજબની પધ્ધતિથી જ મળશે. પરંતુ ત્યારબાદની સામાન્ય સભા પેપરલેસ પધ્ધતિથી યોજવાનું વિચારાશે. જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને પંચાયત તરફથી ટેબ્લેટ આપવાનું વિચારાઇ રહ્યું છે. જો કે મોટાભાગના સભ્યો ટેકનોલોજીનાન પુરતા જાણકાર ન હોવાથી ટેબ્લેટના ઉપયોગ સામે પ્રશ્નાર્થ સજાશે. પેપરલેસ વહીવટથી કાગળની બચત થાય છે. રેકોર્ડ આંગળીના ટેરવે રહી શકે છે. આર્થિક રીતે પણ ફાયદો થાય છે. રાજકોટ જિલ્લા પંચાયતની પહેલ ગુજરાતમાં નમૂનારૂપ બને તો નવાઇ નહિ.

(4:16 pm IST)