Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

બસ પોર્ટમાં શંકાસ્‍પદ બોક્‍સ મળી આવ્‍યું: બોમ્‍બની શંકા એસટી અધિકારીએ દર્શાવતા પોલીસના ધાડેધાડા ઉતર્યા

બોમ્‍બ સ્‍ક્‍વોડ, ડોગ સ્‍ક્‍વોડ પણ પહોંચીઃ સુરક્ષીત સાધનોથી તપાસ થતાં કંઇ ન નીકળ્‍યું: અંતે એસટીના અધિકારીએ મોકડ્રીલ હોવાનું જાહેર કર્યુઃ શહેર પોલીસની ટીમો આ પરિક્ષામાં ઉતિર્ણ થઇ : એસઓજી પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં આખા બસ પોર્ટમાં તપાસ થઇઃ કંઇ શંકાસ્‍પદ ન મળ્‍યું

એસટી બસ પોર્ટમાં બોમ્‍બ સાથેનું શંકાસ્‍પદ પાર્સલ હોવાની વાતે શહેર પોલીસની ટીમો દોડી ગઇ હતી. બોમ્‍બ સ્‍ક્‍વોડે પણ તાબડતોબ પહોંચી ચકાસણી કરી હતી. પરંતુ બોક્‍સમાંથી કંઇ પણ શંકાસ્‍પદ મળ્‍યું નહોતું. તસ્‍વીરમાં બસ પોર્ટનું પ્રવેશ દ્વાર, અંદર તપાસ કરી રહેલા બોમ્‍બ સ્‍ક્‍વોડ, ડોગ સ્‍ક્‍વોડની ટીમના જવાનો અને એઅસઓજી પીઆઇ જે. ડી. ઝાલા, એ ડિવીઝનના ભરતસિંહ વી. ગોહિલ સહિતનો સ્‍ટાફ તથા બોમ્‍બ સ્‍ક્‍વોડના અશોકભાઇ પટેલ, મગનભાઇ સહિતના નજરે પડે છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૯: એસટી બસ પોર્ટ ખાતે ગેઇટ નજીક જ એક શંકાસ્‍પદ બોક્‍સમાં બોમ્‍બ હોવાની વાતે શહેર પોલીસની ટીમ તાબડતોબ બોમ્‍બ સ્‍ક્‍વોડ, ડોગ સ્‍ક્‍વોડ સાથે દોડી ગઇ હતી. બોમ્‍બ સ્‍ક્‍વોડની ટીમે શંકાસ્‍પદ બોક્‍સની તપાસ કરતાં અંદરથી કંઇ વાંધાજનક મળી આવ્‍યું નહોતું. પોલીસે તપાસ પુરી કરી લીધા બાદ એસટીના અધિકારીએ આ મોકડ્રીલ એટલે કે પ્રેકટીસ ડીલ હોવાનું જાહેર કરતાં સોૈએ રાહત અનુભવી હતી.

પ્રાપ્‍ત માહિતી મુજબ એસટી બસ પોર્ટના સુપરવાઇઝરે શહેર પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરી હતી કે પોતે બસ પોર્ટમાં પેટ્રોલીંગમાં હતાં ત્‍યારે એક શંકાસ્‍પદ બોક્‍સ બસ પોર્ટના મેઇન ગેઇટ પાસે જોવા મળ્‍યું છે. તેમાં બોમ્‍બ હોવાની શક્‍યતા નકારી શકાય નહિ.

આ મેસેજ મળતાં જ કન્‍ટ્રોલ ઇન્‍ચાર્જ દ્વારા પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયાને જાણ કરવામાં આવી હતી. તેમજ ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાને પણ જાણ કરવામાં આવી હતી. તેમણે તાકીદે બોમ્‍બ સ્‍ક્‍વોડ, ડોગ સ્‍ક્‍વોડને રવાના કરાવવા સુચના આપી હતી. આ ઉપરાંત ક્રાઇમ બ્રાંચ, એસઓજી, ક્‍યુઆરટી, એ-ડિવીઝન પોલીસની ટીમ તેમજ ટ્રાફિક પોલીસ, ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવતાં તમામ તાકીદે બસ પોર્ટ ખાતે પહોંચી ગયા હતાં.

બોમ્‍બ સ્‍ક્‍વોડ-ડોગ સ્‍ક્‍વોડની ટીમોએ શંકાસ્‍પદ બોક્‍સને સુરક્ષીત સાધનોની મદદથી તપાસતાં અંદરથી કોઇ શંકાસ્‍પદ ચીજવસ્‍તુ મળી નહોતી. આ ટીમોએ બાદમાં સમગ્ર બસ પોર્ટમાં પણ જીણવટભરી તપાસ કરી હતી. પરંતુ કંઇ મળી આવ્‍યું નહોતું. છેવટે એસટીના અધિકારી દ્વારા આ મોકડ્રીલ હોવાનું જાહેર થયું હતું. પોલીસની તમામ ટીમો આ પરિક્ષામાં ઉતિર્ણ થઇ હતી.

ભવિષ્‍યમાં જ્‍યારે કોઇ આપત્તિ કે આફત આવી પડે ત્‍યારે તેને પહોંચી વળવા માટે અગાઉથી જે તાલિમ લેવામાં આવે છે તે  પ્રેકટીસને મોકડ્રીલ કહેવામાં આવે છે. અલગ અલગ સમયે અને જાહેર સ્‍થળો પર સમયાંતરે મોકડ્રીલ યોજવામાં આવતી હોય છે. પોલીસ, બોમ્‍બ સ્‍ક્‍વોડ, ડોગ સ્‍ક્‍વોડના ધાડેધાડા બસ સ્‍ટેશનમાં ઉતરી પડતાં અને ફાયર બ્રિગેડનો કાફલો પણ દોડી આવતાં લોકોમાં એક તબક્કે ભય ફેલાઇ ગયો હતો. જો કે બાદમાં મોકડ્રીલ હોવાનું જાહેર થતાં સોૈએ નિરાતનો શ્વાસ લીધો હતો.

(3:25 pm IST)